ક્રિકેટના ભગવાન સચિનનું નામ કાળા નાણામાં આવતા સમગ્ર દેશમાં હડકંપ

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનું નામ સોમવારે સવારે અચાનક એક મોટા કેસમાં ઉછળતા ખળભળાટ મચી ગયો હતો. પન્ડોરા પેપર્સના નામે લીક થયેલા લાખો દસ્તાવેજોમાં ભારત સહિત 91 દેશોના વર્તમાન અને ભૂતપૂર્વ નેતાઓ, અધિકારીઓ અને હસ્તીઓના નાણાકીય રહસ્યોનો પર્દાફાશ કરવાનો દાવો કર્યો છે.

આમાં જે નામ સૌથી વધુ આશ્ચર્યજનક હતું તે સચિનનું છે. આ મહાન વ્યક્તિનું યાદીમાં નામ આવ્યા બાદ તરત જ તેમના વકીલે સ્પષ્ટતા કરી કે આમાં કોઈ સત્યતા નથી અને તેમના નામને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યું છે. વિશ્વમાં સચિનની છબી સ્વચ્છ અને પ્રમાણિક ક્રિકેટરની રહી છે. મેદાનની અંદર કે મેદાનની બહાર, સચિન સાથે ક્યારેય કોઈ મોટો વિવાદ થયો નથી. રમત દરમિયાન દરેક સાથે નાના વિવાદો થાય છે, પરંતુ જ્યારે તે ક્રિકેટર તરીકે સક્રિય હતો ત્યારે પણ તે વિવાદોથી દૂર રહેતો હતો. સચિનનો સૌમ્ય સ્વભાવ સામાન્ય રીતે કોઈપણ વિવાદાસ્પદ મુદ્દે નિવેદન આપવાનું ટાળે છે.

ઈન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્સ (ICIJ) એ રવિવારે જાહેર કરેલા અહેવાલમાં દાવો કર્યો હતો કે તેંડુલકરની વિદેશમાં સંપત્તિ છે. જે દાવા હેઠળ માસ્ટર બ્લાસ્ટરનું નામ સામે આવ્યું છે. જો કે તેના વકીલ દ્વારા આ દાવાને નકારી કાઢવામાં આવ્યો છે. તેમના વકીલે આ વિશે જણાવ્યું હતું કે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરના તમામ રોકાણો કાયદેસર છે અને કર અધિકારીઓ પાસે તેની જાણકારી છે.

પાંચ વર્ષ પહેલા પનામા પેપર લીકે સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો હતો. મોટી મોટી હસ્તીઓની બનાવટી કંપનીઓ અને ઘણી હસ્તીઓની કરચોરી સામે આવી હતી. હવે ફરી એક વખત ICIJ (ઈન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્સ) એ અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો કર્યો છે.

દુનિયાભરમાંથી 1.19 કરોડ દસ્તાવેજોની શોધ કર્યા બાદ આ નાણાકિય રહસ્યોને વિશ્વ સમક્ષ લાવવામાં આવ્યા છે. ICIJ એ કહ્યું હતું કે 117 દેશોના 600 પત્રકારો પેન્ડોરા પેપરની તપાસમાં સામેલ છે. ઈન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, યુકેની કોર્ટમાં પોતાને નાદાર હોવાનો દાવો કરનારા અનિલ અંબાણીની વિદેશમાં પણ 18 કંપનીઓ છે.

સચિન નામ કેમ આવ્યું? : તો બીજી તરફ, પંજાબ નેશનલ બેંકમાંથી હજારો કરોડનું કૌભાંડ કરનાર હીરા વેપારી નીરવ મોદીની બહેને તેના ભાગવાના એક મહિના પહેલા એક ટ્રસ્ટની રચના કરી હતી. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પનામા પેપર્સ લીક ​​થયા બાદ ભારતીયોએ તેમની સંપત્તિનું ‘રિઓર્ગેનાઈઝ’ શરૂ કર્યું હતું. આ મુજબ, ક્રિકેટના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરે પણ લીક થયાના ત્રણ મહિના બાદ બ્રિટિશ વર્જિન આઇલેન્ડમાં પોતાની મિલકત વેચવાનું શરૂ કર્યું હતું.

ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર મુંબઈમાં 100 કરોડના આલીશાન બંગલામાં રહે છે. આ ઉપરાંત, તેમની પાસે કેરળમાં આશરે 80 કરોડની કિંમતનું વોટર ફેસિંગ ઘર પણ છે. 16 વર્ષની ઉંમરે ક્રિકેટની દુનિયામાં પગલા પાડનાર સચિન તેંડુલકર આજે 1600 કરોડથી વધુની સંપત્તિનો માલિક છે.

YC