પોતાના જ જીવનથી નારાજ તેંડુલકરના બોડીગાર્ડે ઉઠાવ્યુ ઘાતક પગલુ, પોલિસ શોધી રહી છે જવાબ
ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા સચિન તેંડુલકરની સુરક્ષા માટે તૈનાત સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (SRPF)ના એક જવાને આત્મહત્યા કરી લીધી. તેણે જામનેર શહેરમાં પોતાના પૈતૃક મકાનમાં ગોળી મારી આત્મહત્યા કરી હતી. અધિકારીઓએ બુધવારે આ જાણકારી આપી. આત્મહત્યા કરનાર જવાનની ઓળખ પ્રકાશ કાપડે તરીકે થઈ છે. તે રજા પર વતન ગયા હતા.
કાપડેએ પોતાની સર્વિસ ગન વડે માથામાં ગોળી મારી હતી. કાપડેના પરિવારમાં તેમના વૃદ્ધ માતા-પિતા, પત્ની અને બે નાના બાળકો, એક ભાઈ અને અન્ય સંબંધીઓ છે. જામનેર પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષકે જણાવ્યું કે આ ઘટના બુધવારે રાત્રે 1.30 વાગ્યે બની હતી. તેણે શા માટે આપઘાત કર્યો તે હજુ જાણી શકાયું નથી.
પ્રારંભિક તપાસ પરથી એવું લાગે છે કે તેણે અંગત કારણોસર આ પગલું ભર્યું છે, પરંતુ અમે તપાસની સંપૂર્ણ વિગતોની રાહ જોઈ રહ્યા છીએ.” જવાનના દેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. જામનેર પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી છે. તેના પરિવારના સભ્યો, સહકર્મીઓ અને અન્ય પરિચિતોની પૂછપરછ કરવામાં આવી રહી છે.