ખબર

ગાંધીનગરમાં ત્યજી દેવાયેલ બાળક મામલે થયો સૌથી મોટો ખુલાસો, ગાંધીનગર FSL રિપોર્ટમાં…જાણો વિગત

નવરાત્રીના બીજા દિવસે ગાંધીનગરના પેથાપુરમાં ગૌશાળા બહાર એક બાળકને તરછોડી દેવાની ઘટના બની હતી અને તે બાદ પોલિસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલિસે લગભગ 20 કલાકની અંદર જ આ બાળકને તરછોડી દેનાર તેના પિતાને ઝડપી લીધો હતો. આ બાળકના પિતા પોલિસ પકડમાં આવ્યા બાદ રોજ રોજ અવનવા ખુલાસા થઇ રહ્યા છે. ત્યારે તેના પકડમાં આવ્યા બાદ એ સામે આવ્યુ હતુ કે આ બાળકની માતાની હત્યા તેના પિતાએ જ કરી નાખી હતી.

આરોપી નું નામ સચિન દીક્ષિત છે. જે તરછોડાયેલા બાળકનો પિતા છે. સચિન તેની પત્ની હોવા છત્તાં પણ આ તરછોડાયેલા બાળકની માતા હિના એટલે કે મહેંદીની સાથે લિવ ઇનમાં રહેતો હતો. પોલિસે DNA માટે બાળકના દાંતના સેમ્પલ અને સચિનના બ્લડના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ગાંધીનગર FSLમાં આ DNA આપવામાં આવ્યા હતા. ત્યારે હવે ગાંધીનગર FSL દ્વારા DNA રીપોર્ટ પોલિસને સોંપવામાં આવ્યો છે. જેમાં પોલિસ હવે આ રીપોર્ટ દ્વારા કાર્યવાહી કરશે. હાલ તો વડોદરા પોલિસ હિનાના કેસમાં તપાસ કરી રહી છે. જેમાં વડોદરા પોલિસે હિનાના DNA સેમ્પલ પરિક્ષ માટે FSLમાં મોકલી આપ્યા છે જેનો રીપોર્ટ બાકી છે. આ રીપોર્ટમાં પિતાનો DNA મેચ થઇ ગયો છે જેને આધારે સાબિત થાય છે કે તરછોડાયેલ બાળક સચિનનો પુત્ર છે.

ઉલ્લેખનીય છે કે, સચિને તેની લિવ ઇન પાર્ટનર હિના પેથાણીની હત્યા કરી દીધી હતી અને તેની લાશને સૂટકેસમાં પેક કરી તેને રસોડા પર મૂકી દીધી હતી અને તે બાદ તેણે નિરાધાર બાળકને છોડી દીધો હતો. માસૂમ બાળકને ગૌશાળા પાસે છોડી દીધા બાદ તે તેના સેક્ટર-26 સ્થિત ઘરે પહોંચ્યો હતો અને તે બાદ તે તેની પત્નીને લઇને શોપિંગ કરવા માટે ગયો હતો. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, પોલિસ તપાસમાં એ વાતનો ખુલાસો થયો છે કે, મહેંદીની હત્યા કર્યા બાદ સચિન તેની પત્ની સાથે મોલમાં શોપિંગ કરવા ગયો હતો અને ત્યાર બાદ તે ઉત્તર પ્રદેશ પરિવાર સાથે નીકળી ગયો હતો. પોલિસ દ્વારા કોર્ટમાં આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે 14 તારીખ સુધીના રિમાન્ડ જ મંજૂર કર્યા હતા.