રસોઈ

શ્રાવણ માસે બનાવો સાબુદાણા ની ખીચડી અને સાબુદાણા ની ખીર – રેસિપી નોંધી લો

મિત્રો પવિત્ર શ્રાવણ માસ આવી રહ્યો છે એટલે ઘરે દરરોજ કઈક નવીન ફરાળી વાનગી બનાવવા માં આવશે. આ શ્રાવણ માસ માં નિત નવા વ્રત તહેવાર આવશે. કાનુડા ના જન્મ થી લઈ ને રક્ષાબંધન જેવા તહેવાર પણ આવશે. મેળા ઓ યોજાશે. લોકો નું મહેરામણ ઉમડશે. અને આ વ્રત તહેવાર માં ભૂખ પણ સારી લાગશે. ત્યારે કઈક નવીન ફરાળી વાનગી પણ બનાવવા નું મન થાય. તો ચાલો આજે અમે તમને સાબુદાણા ની ખીચડી અને સાબુદાણા ની ખીર ની રેસીપી શીખવાડીશું.

સાબુદાણા ની ખીચડી બનાવવા માટે સામગ્રી

 • સાબુદાણા – 150 ગ્રામ
 • તેલ કે ઘી – 1.5 ટેબલ સ્પૂન
 • જીરું – અડધી ચમચી
 • હીંગ – ચપટી (તમે ઈચ્છો તો)
 • લીલા મરચાં – 2 (ઝીણા સમારેલા)
 • સીંગદાણા – 1 ટેબલ સ્પૂન
 • પનીર – 70 ગ્રામ (તમે ઈચ્છો તો)
 • બટેટા – 1 મધ્યમ આકાર નો
 • આદું – 1 ઈંચ  નો ટુકડો (ખમણેલું)
 • મીઠું – સ્વાદ અનુસાર
 • ખમણેલું નારિયેળ – 1 ટેબલ સ્પૂન
 • કોથમીર – 1 ટેબલ સ્પૂન

સાબુદાણા ની ખીચડી બનાવવા માટે ની રીત

 • સાબુદાણા ધોઈ લો, અને 1 કલાક પહેલા પાણી માં તેને પલાળી દો, પલળી જાય પછી તેમાં રહેલું વધારા નું પાણી કાઢી લો. તમે જો મોટા સાબુદાણા નો ઉપયોગ કરતાં હો તો 1 કલાક નહીં પણ 8 કલાક પહેલા પાણી માં પલાળી  ને રાખો.
 • બટેટા ની છાલ કાઢી ધોઈ નાખો અને તેના નાના નાના ટુકડા કરી નાખો. પનીર ના પણ નાના નાના ટુકડા કરી ને રાખો.
 • એક જાડા વાસણ માં ઘી કે તેલ નાખી ગરમ કરવા માટે મૂકો, હવે બટેટા ના ટુકડા ને ગરમ ઘી કે તેલ નાખો અને તેનો રંગ સહેજ બ્રાઉન થાય ત્યાં સુધી તળી  લો, તળાય જાય પછી તેને એક પ્લેટ માં કાઢી લો, બટેટા તળાય ગયા પછી તેમાં પનીર ના ટુકડા નાખી તેને પણ હળવા બ્રાઉન રંગ ના થાય ત્યાં સુધી તળી લો અને પછી એક પ્લેટ માં કાઢી લો.
 • સીંગદાણા ને થોડા નાના મોટા ખાંડી લો, તેને એકદમ ઝીણું ના ખાંડવું.
 • હવે વધેલા ઘી માં કે તેલ માં જીરું અને હીંગ નાખો, જીરું સારી રીતે તળાય જાય પછી તેમાં લીલા મરચાં અને આદું નાખો અને ચમચા થી હલાવો. હવે આ મસાલા માં સીંગદાણા નું ખાંડેલુ ખમણ નાખી એક મિનિટ માટે તળી લો. આ તળાય જાય પછી તેમાં સાબુદાણા, મીઠું અને તીખા (મરી) નાખી સારી રીતે ભેળવી દો. હવે તેમાં 2 ટેબલ સ્પૂન પાણી નાખી ધીમા ગેસે 7 થી 8 મિનિટ માટે ચડવા દો.
 • થોડી વાર પછી જુઓ કે સાબુદાણા નરમ થઈ ગયા છે કેમ, જો ના થયા હોય તો તમને લાગે કે સાબુદાણા ને ચડવા માટે હજી થોડા પાણી ની જરૂર છે તો 1 થી 2 ટેબલ સ્પૂન  પાણી નાખી 4 થી 5 મિનિટ માટે ધીમા ગેસે ચડવા દો. હવે તેમાં બટેટા અને પનીર ના ટુકડા મિક્સ કરી દો. ત્યાર બાદ વાસણ ને ગેસ પર થી ઉતારી લો. સાબુદાણા ની ખીચડી ને એક પ્લેટ માં કાઢો અને પછી તેની ઉપર થોડી કોથમીર અને ખમણેલું નારિયેળ નાખી સજાવો.
 • તમારી ગરમા ગરમ ખીચડી તૈયાર છે અને હવે તેને ગરમા ગરમ પીરસો.

સાબુદાણા ની ખીર બનાવવા માટે ની સામગ્રી

 • સાબુદાણા – 1 કપ
 • દૂધ – 2 કપ
 • ખાંડ – 1 કપ
 • એલચી નો પાઉડર – 1 ચમચી
 • કિશમિશ – 10
 • બદામ – 10
 • કાજુ – 10
 • કેસર – 1 ચપટી

સાબુદાણા ની ખીર બનાવવા માટે ની રીત

 • મોટા સાબુદાણા  ને ઓછા માં ઓછા 6 કલાક માટે પાણી માં પલાળી ને રાખી મૂકો.
 • ગેસ ઉપર એક જાડા વાસણ માં દૂધ નાખી તેને ઉકાળવા માટે મૂકો. ગેસ ને ફાસ્ટ રાખો.
 • જ્યારે દૂધ માં ઊભરો આવે ત્યારે ગેસ ને ધીમો કરી નાખો. અને દૂધ જાડું  થાય ત્યાં સુધી ઉકળવા દો.
 • હવે તેમાં ખાંડ નાખો ને 10 મિનિટ પછી તેમાં સાબુદાણા નાખી દો.
 • હવે દૂધ ને ધીમા તાપે થોડી વાર માટે ચડવા દો, પછી તેમાં કેસર, એલચી નો પાઉડર, કાજુ, બદામ, કિશમિશ નાખી દો હવે ગેસ બંધ કરી દો અને ગરમા ગરમ પીરસો.

આમ સાબુદાણા ની તીખી અને ચટપટી ખીચડી સાથે જો મીઠી મસ્ત સાબુદાણા ની ખીર ખાવા ની મજા પડશે. તો તમે નોંધી લીધી ને આ મસ્ત ફરાળી વાનગી રીત. તો ચાલો આ પવિત્ર શ્રાવણ માસે તમે પણ બનાવો સાબુદાણા ની તીખી ખીચડી અને સ્વીટ સાબુદાણા ની ખીર.

માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ