એવું કહેવાય છે કે સપના જોવા માટે સૂવું પડે છે અને સપના પૂર્ણ કરવા માટે જાગવું પડે છે. ઘણા લોકો પોતાના સપનાને પૂર્ણ કરવા માટે દિવસ રાત મહેનત કરતા હોય છે, સતત પરિશ્રમ કરતા હોય છે, તો ઘણા લોકોને તેમનું કિસ્તમ પણ તેમનો સાથ આપતું હોય છે અને તે પોતાના લક્ષ્ય સુધી પહોંચી જતા હોય છે. આજે અમે તમને આપણા ગુજરાતની એક એવી જ દીકરીની કહાની જણાવીશું જે તમારા માટે પણ પ્રેરણાદાયક બની રહેશે.
મૂળ મહેસાણા વિસનગરની બાજુમાં આવેલા એક ગામ અને હાલ અમદાવાદમાં રહેવા વાળી ઋતુ પટેલ આજે ગો-ફર્સ્ટ એરલાઇન્સમાં સિનિયર કેબીન ક્રૂની ફરજ નિભાવી રહી છે. કેબીન ક્રૂ સુધી પહોંચવાની તેની સફર પણ ખુબ જ રોમાંચક રહી છે. ઋતુ સાથે ગુજ્જુરોક્સ ટીમ દ્વારા થયેલ વાતચીતમાં તેને તેના જીવન સાથે જોડાયેલી કેટલીક બાબતો અને પોતાની સફર વિશે જણાવ્યું હતું.
ઋતુનું બાળપણ ખુબ જ મોજ મસ્તીમાં વીત્યું હતું. ઋતુએ જણાવ્યું હતું કે તે ભણવાને લઈને ક્યારેય ગંભીર નહોતી બની. તે એક એવરેજ સ્ટુડન્ટ તરીકે જ રહી છે. ઋતુ એન્જીનીયર છે. તેને ધોરણ 10 બાદ ઇન્ફોર્મેશન ટેક્નોલોજીમાં ડિપ્લોમા કર્યું છે પછી તેને ખ્યાલ આવ્યો કે તે આ ફિલ્ડ માટે બની જ નથી.
ઋતુને હંમેશાથી ટ્રાવેલિંગમાં જ રસ રહ્યો છે, તેને નવા નવા લોકોને મળવાનું, ત્યાંના ક્લચરને જાણવાનો પહેલાથી જ ખુબ જ શોખ હતો. જેના બાદ તેના એક મિત્રએ તેને એક પ્રાઇવેટ એવિએશન ઇન્સ્ટિટ્યૂટ સજેસ્ટ કરી અને ત્યાં તેને એક વર્ષનો એવિએશન કોર્ષ જોઈન કર્યો, પરંતુ માત્ર 9 મહિનામાં જ તેનું જોઈનીંગ થઇ ગયું.
જે ઉંમરમાં બાળકો હરતા-ફરતા હોય છે, મોજ મસ્તી કરતા હોય છે, પોતાના જીવન પ્રત્યે ગંભીર પણ નથી હોતા એ ઉંમરમાં ઋતુ ગો ફર્સ્ટ એરલાઈનમાં ફરજ બજાવવા લાગી હતી. ઋતુની પસંદગી માત્ર 19 વર્ષની ઉંમરમાં જ ગો ફર્સ્ટ એરલાઈનમાં થઇ ગઈ હતી. આજે તેને આ ફરજ બજાવતા ચાર વર્ષ પૂર્ણ થઇ ચુક્યા છે.
હાલમાં તે ગો-ફર્સ્ટ એરલાઇન્સમાં સિનિયર કેબીન ક્રૂની ફરજ નિભાવી રહી છે. આ એરલાઇન્સમાં જોઈન થતા પહેલા તેને એક-બે એરલાઇન્સમાં ઇન્ટરવ્યૂ પણ આપ્યા હતા ત્યાં તેનું સિલેક્શન થયું નહોતું છતાં પણ તેને હાર ના માની અને બીજા ઇન્ટરવ્યૂ આપ્યા અને તેને આખરે સફળતા હાથ લાગી જ ગઈ.
અત્યારે આ જોબના કારણે તે અલગ અલગ જગ્યા એ ફરે છે. રોજ નવી જગ્યા, નવું કલચર, નવું નવું ફૂડ તેને માણવા મળે છે અને આ બધાથી ઋતુને ખુબ જ મજા પણ આવે છે. ઋતુને તેને લીધેલા નિર્ણય ઉપર પણ ખુબ જ ગર્વ છે.
પોતાના ફ્લાઇટના અનુભવ વિશે વાત કરતા ઋતુએ જણાવ્યું હતું કે તેનું પહેલું જોબ પોસ્ટિંગ ચેન્નાઇમાં હતું. ત્યાં તેને તમિલ ભાષા શીખવા મળી. તેને સાઉથ ઇન્ડિયન ફૂડનો પણ પહેલાથી જ શોખ રહ્યો છે. ત્યાંથી જ તેને સાઉથ ઇન્ડિયન ફૂડ એક્સપ્લોર કરવાનું શરૂ કર્યું.
આ ઉપરાંત ફલાઇટની અંદર પેસેન્જરના વર્તન વિશે ઋતુએ જણાવ્યું હતું કે ફ્લાઈટમાં બધી પ્રકારના પેસેન્જર આવતા હોય છે. ઘણા લોકો તેમના કામની પ્રસંશા કરે છે તો ઘણા લોકો અવગણી પણ કરતા હોય છે પરંતુ તેના આ કામ અને આ ફરજ દરમિયાન ઘણા ઇન્ટરનેશનલ મિત્રો પણ બનાવ્યા છે.
આજના યુવાનોને સંદેશ આપતા ઋતુ જણાવે છે કે, “હું એમ કહીશ કે આ યુવા અવસ્થા એજ એક ઉંમર છે જેમાં તમે ઘણું બધું પ્રાપ્ત કરી શકો છો અને તમારું જીવન બનાવી શકો છો. તમારા આ જીવન કાળ દરમિયાન સામે ઘણી મુશ્કેલીઓ પણ આવશે પરંતુ તમે તમારા ગોલ ઉપર ફોકસ કરજો. મારો જીવનમંત્ર છે “તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળો, અને સફળતા મેળવો !”