રૂસનો કીવમાં ભયાનક હુમલો ! ટીવી ટાવર પર કર્યો હુમલો- ચેનલોની બ્રોડકાસ્ટિંગ ઠપ- જુઓ વીડિયો

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 7 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. 24 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ યુદ્ધનો આજે સાતમો દિવસ છે. આ સાત દિવસોમાં રશિયાએ યુક્રેન પર અવાર-નવાર અનેક મિસાઈલો છોડી છે. આ હુમલાઓથી યુક્રેન લગભગ તબાહ થઈ ગયું છે, પરંતુ હજુ પણ રશિયા કે યુક્રેન ઝૂકવા તૈયાર નથી. જો કે ગઈ કાલે બેલારુસમાં બંને દેશો વચ્ચે વાતચીત થઈ હતી, પરંતુ આ સમસ્યાનો કોઈ ઉકેલ મળી શક્યો નહોતો. હાલમાં રશિયન સેનાએ યુક્રેનના અનેક સ્થળોએ વિસ્ફોટ કર્યા છે. યુક્રેનની રાજધાની કિવ પર હુમલો થતાં જ દેશના અનેક શહેરોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે રશિયાએ કિવમાં ટીવી ટાવર પર એરસ્ટ્રાઈક કરી હતી.

હુમલા બાદ યુક્રેનની ટીવી ચેનલોએ પ્રસારણ બંધ કરી દીધું હતું. યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું હતું કે મંગળવારે સાંજે રશિયન દળોએ કિવ ટીવી ટાવર અને યુક્રેનના હોલોકોસ્ટ મેમોરિયલ પર બોમ્બમારો કર્યો હતો. આ હુમલામાં 5 લોકોના મોત થયા છે. જ્યારે 5 લોકો ઘાયલ થયા છે. બીજી તરફ, કિવના ફાસ્ટિવ જિલ્લામાં રશિયન બોમ્બમારાથી એક ઘર નષ્ટ થઈ ગયું. મકાનની મહિલાની લાશ કાટમાળમાંથી મળી આવી હતી. જ્યારે તેના પતિની શોધખોળ ચાલુ છે. યુક્રેન પર રશિયાના હુમલા સતત ચાલુ છે.

મંગળવારે રશિયન સેનાએ યુક્રેનના બે મોટા શહેરો કિવ અને ખાર્કિવને નિશાન બનાવ્યા હતા. રશિયાએ ખાર્કિવમાં રહેણાંક વિસ્તાર પર મિસાઈલ હુમલો કર્યો. જેમાં 8 લોકોના મોત થયા હતા. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે હોસ્પિટલ પણ હુમલાની ઝપેટમાં આવી હતી. વિદેશ મંત્રાલયે ટ્વીટ કર્યું કે, “રશિયન સેનાએ બેબનિયારમાં મેમોરિયલ કોમ્પ્લેક્સ પાસે ટીવી ટાવર પર હુમલો કર્યો. રશિયન ગુનેગારો તેમની બર્બરતાને અટકાવતા નથી. રશિયા બર્બર”. ટીવી ટાવર ઓબ્રાહ એચ મેટ્રો સ્ટેશનની ખૂબ નજીક છે જ્યાં સેંકડો લોકો સબવેમાં આશ્રય લઈ રહ્યા છે.

કિવમાં જ્યાં ટીવી ટાવર પર હુમલો થયો હતો ત્યાંથી ભારતીય દૂતાવાસ માત્ર દોઢ કિલોમીટર દૂર છે. હુમલા બાદ દૂતાવાસને ખાલી કરાવવામાં આવ્યુ છે. એટલું જ નહીં, તમામ ભારતીયોએ કિવ પણ છોડી દીધું છે કારણ કે રશિયન સેનાનો 65 કિલોમીટર લાંબો કાફલો રાજધાની તરફ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પરથી લેવામાં આવ્યો છે. જો કે, ગુજ્જુરોક્સ ઉપરોક્ત વીડિયો સાચો છે કે નહિ તેની પુષ્ટિ કરતુ નથી.

Shah Jina