ખબર

કોરોનાના આ કાળ વચ્ચે સીએમ વિજય રૂપાણીની મહત્વની જાહેરાત, જાણો વિગત

રાજયમાં દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે, કોરોનાની બીજી લહેર વધુ ઘાતક બની રહી છે,ત્યારે બેડ મળી રહ્યા નથી ત્યારે સરકારી ઉપરાંત ખાનગી કોવિડ હોસ્પિટલ પરનું ભારણ હળવું કરવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તમામ ખાનગી હોસ્પિટલ, કિલનિક્સ, દવાખાનાઓ અને નર્સિંગ હોમને તા. 15મી જૂન સુધી કોવિડની સારવાર કરવાની મંજૂરી લીધા વિના સારવાર કરી શકશે તેવો મહત્વનો નિર્ણય લીધો છે.

તેમણે બીજા મહત્વના નિર્ણયની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ડોક્ટરો માટે માસિક રૂ. ૨.૫ લાખ, મેડિકલ ઓફિસરો માટે માસિક રૂ. ૧.૨૫ લાખ, ડેન્ટલ ડોકટરો માટે માસિક રૂ. ૪૦ હજાર, આયુષ ડોક્ટર્સ અને હોમિયોપેથી ડૉક્ટર્સ માટે માસિક રૂ. ૩૫ હજાર, જુનિયર ફાર્માસિસ્ટ/લેબ ટેકનિશિયન/ એક્સ-રે ટેકનિશિયન અને ઇ.સી.જી. ટેકનિશિયન માટે માસિક રૂ. ૧૮ હજાર અને વર્ગ ૪ના કર્મચારીઓ માટે માસિક રૂ. ૧૫ હજારના માનદ વેતનથી ૩ માસ માટે નવી નિમણુક કરવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે, સરકારી હોસ્પિટલોમાં વર્ગ-3ની કક્ષામાં ફરજ બજાવતા આઉટસોર્સિંગ સ્ટાફ નર્સના હાલ મળતા પગારમાં વધારો કરીને ૩ માસ માટે માસિક રૂ. ૨૦,૦૦૦નું માનદ વેતન આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. નવી ભરતીમાં દાખલ થનાર નર્સ બહેનો-ભાઇઓને પણ આ જ પ્રમાણે માનદ વેતન આપવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, હાલ સરકારી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ માટે ફરજ બજાવતાં આવા એડહોક ડોક્ટરો, નર્સો, ફાર્માસિસ્ટ, ટેકનિશિયન તેમજ વર્ગ-૪ના કર્મચારીઓને પણ આ જ પ્રકારે મે,જુન અને જુલાઇ એમ ૩ માસ માટે માનદ વેતન આપવાનો સરકારે નિર્ણય કર્યો છે.