લેખકની કલમે

” ઋણ ” – ડૉ. હર્ષ એવું જ માનતા કે “લોકોની સેવા કરવાથી દેશમાં જન્મ લીધો એનું ઋણ ચૂકવાય જાય” પરંતુ… વાંચો સ્ટોરી

સૌરાષ્ટ્રની પાવન ધરતી ઉપર આવેલું એક શહેર એટલે “રાજકોટ”. આ શહેરમાં વસતા લોકોની વાત એકદમ નિરાળી હોય છે, આ શહેરની એકમાત્ર સર્વશ્રેષ્ઠ હૉસ્પિટલ એટલે “પરિશ્રમ હૉસ્પિટલ”. સર્વે રાજકોટવાસીઓનાં મુખમાં આ હૉસ્પિટલનું નામ રહેતું, અને આ હૉસ્પિટલનાં ડૉક્ટર એટલે “ડૉ. હર્ષ કાપડિયા” નામ પ્રમાણે જ આ ડૉક્ટર સાહેબ હંમેશા હર્ષઆનંદ અને ઉત્સાહથી લોકોની સેવા કરતાં, લોકોનાં દુઃખ-દર્દ હંમેશા પોતાનું સમજી નિઃશ્વાર્થ ભાવે સારવાર કરતાં, આવાં ડૉક્ટર આજદિન સુધી આ રાજકોટવાસીઓએ જોયા ન હતાં.

આ હૉસ્પિટલ શરૂ થઈ એ સમયે ડૉ. હર્ષ અને તેમના સગાં-વહાલાં વ્યક્તિઓ વચ્ચે ખુબ જ બોલાચાલી થઈ હતી, કારણકે તેઓ એવું ઈચ્છતાં હતાં કે હર્ષ ડૉક્ટર બની અમેરિકા જતો રહે અને ત્યાં રહી અઢળક સંપત્તિ કમાઈ અને પોતાનું, પરિવારનું અને સમાજનું નામ ઉંચું કરે, પરંતું આ હર્ષ કંઈક અલગ વિચાર ધરાવતાં વ્યક્તિ હતાં, તમામ સગાંવહાલાં લોકોને કહી દીધું કે ” હું ભણ્યો આ દેશમાં, નાને થી મોટો થયો આ દેશમાં અને સેવા બીજા દેશમાં જઈને કરું એટલો ગાંડો નથી, મારે આ જ દેશમાં રહી પોતાના દેશનું ઋણ ચૂકવવું છે, શું અહીં રહીને આજ દેશમાં લોકોની સેવા કરીને હું મારા પરિવારનું નામ ઉંચું ન કરી શકું? શું આપણો દેશ મને ડૉક્ટર નહીં સ્વિકારે?, મને તો ગર્વ છે હું ભારતમાં રહું છું.” આટલું સાંભણતાં જ ધણાં લોકો અબોલા થઈ ગયાં હતાં, પરંતું ડૉ. હર્ષને કંઈ જ પડી ન હતી, કારણ કે તેમણે આ દેશમાં જ લોકોની સેવા કરવી હતી.

હૉસ્પિટલ ચાલૂ થઈને ચોવીસ વર્ષ થઈ ગયાં હતાં, હૉસ્પિટલ ખુબ જ સારી રીતે ચાલતી હતી, કારણ કે અહીં નિઃસ્વાર્થ ભાવે સેવા થતી હતી, કોઈ વ્યક્તિ ગરીબ હોય તો તેની સારવાર નજીવાં પૈસે થઈ જતી, આથી આ હૉસ્પિટલ આખા સૌરાષ્ટ્રમાં એક આગવી ઓળખ ઉભી કરતી હતી.
ડૉ. હર્ષને પણ કાયમ આ કાર્ય બદલ સન્માનિત થઈ ચૂક્યાં હતાં તેમજ ધણાં ઍવોર્ડ મળી ચૂક્યાં હતાં, દરરોજ ધણાં લોકોની દુઆ મળતી રહેતી. ક્યારેય લાચાર માણસ ને પણ વગર પૈસે દવા મળી રહેતી, ધણી વખત ધરનાં લોકો કહેતાં કે ” હર્ષ, તું ડૉક્ટર છે, આમ, મફત સેવા કરતો રહેશે તો તારો પરિવાર રોડ ઉપર આવી જશે, તને એટલાં માટે ન તો ભણાવ્યો કે ડૉક્ટર બની તું આવી સેવા કરે?, તારાં પરિવાર તરફ પણ નજર નાંખજે.”
ત્યારે ડૉ. હર્ષ કહેતાં “બીજાની સેવા કરતાં મને આનંદ મળે છે, અને મારું ધરનું ગુજરાન ચાલે છે, મારો પરિવાર ખુશ છે, બસ મારે બીજું જોઈયે જ શું?”

સાચું કહું તો સૌ સૌરાષ્ટ્રવાસીઓ ડૉ. હર્ષને ભગવાન જ માનતાં, અને ડૉ. હર્ષ પણ એવું જ માનતા કે “લોકોની સેવા કરવાથી દેશમાં જન્મ લીધો એનું ઋણ ચૂકવાય જાય” એવી માનતાં રાખતાં, ધણી વખત મોટી સર્જરી પણ ખુબ જ વ્યાજબી ભાવે કરી આપતાં, અને દર્દીને કહેતાં “તમારી પાસે પૈસા આવે તો આપજો, નહીંતર કંઈ નહીં, તમારી સેવા કરવાંનો મોકો મળ્યો એજ મારાં માટે ખુશીની વાત છે”
આવાં કારણો ને લીધે આ “પરિશ્રમ હૉસ્પિટલ” રાજકોટની શાન બની ગઈ હતી, અને રાત્રે ગમે એ સમયે તાત્કાલિક જરુર પડતી તો પણ ડૉ. હર્ષ સમય જોયા વગર સારવાર આપવાં હાજર થઈ જતાં, તેથી જ કાયમ અહીં દર્દીઓની ભીડ રહેતી.

એક દિવસની વાત છે, ડૉ. હર્ષ પોતાનાં પૅશન્ટોને તપાસી રહ્યાં હતાં, ત્યાં જ એક મહિલાં આશરે પચાસ વર્ષનાં હશે, શરીરે થોડી મેલી સાડી, વાળ થોડા વિખેરાયેલાં, બંન્ને પગો ખેતરમાં કામ કરવાંને લીધે કરચલી વાળા હતાં ચપ્પલ વગરનાં, અને એમની સાથે એક બાવીસ વર્ષનો છોકરો હતો, દુબળો-પાતળો રંગે શ્યામ વર્ણ મજુર વર્ગનો લાગતો હતો, બંન્ને હાફતાં હાફતાં ઝડપથી દોડીને આવ્યા, ત્યાં રહેલ સૌ ની નજર આ બંન્ને જણાંને કુતૂહલ વશ જોવા લાગ્યાં, આવતાંની સાથે જ એ મહિલા એ ટેબલ ઉપર એક થેલી મૂકી દીધી અને અને એકદમ ઝડપથી બોલવાં લાગ્યાં “લો, સાહેબ આ તમારા પૈસા” અને હાંફવાં લાગ્યાં. ડૉ. હર્ષ વિચારમાં પડી ગયાં કે આ શું થઈ રહ્યું છે. સ્ટેથેસ્કોપ નીચે ઉતારીને કહ્યું “કયા પૈસા? અને તમે કોણ છો? હું તમારી શું મદદ કરી શકું?”

“સાહેબ, મદદ તો તમે કરી ચૂક્યાં છો, અમારી બસ એનું ઋણ ચૂકવવાં આવ્યાં છે” મહિલાએ જવાબ આપ્યો.
“હું કંઈ સમજી શક્યો નહીં, થોડું વધારે જણાવો” ડૉક્ટર હર્ષે કહ્યું. “સાહેબ, આજથી લગભગ વીસ વર્ષ પહેલાંની વાત છે ત્યારે મારો આ બાબો આશરે બે કે અઢી વર્ષનો હતો, જીવલેણ બિમારીનો ભોગ બન્યો હતો, ત્યારે તમે નિઃસ્વાર્થ ભાવે મારા બાળકને બચાવી લીધો હતો, મારી પાસે તમને આપવા માટે એક પણ પૈસા ન હતાં, પણ આજે મેં દર મહિને બચાવેલ પૈસા તમને ચૂકવવા આવી છું” મહિલાએ વાત પૂરી કરી. ડૉક્ટર હર્ષ પણ ભૂતકાળમાં જતાં રહ્યાં અને યાદ આવ્યું કે જે સમયે હૉસ્પિટલ શરું કરી એ સમયે એક ગરીબ કુટુંબ આવ્યું હતું એક બાળકને ખોળામાં લઈને……

તમામ ધટનાં વાગોળી લીધી. ડૉ. સાહેબની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. અને કહ્યું. “ધન્ય છે, માતાજી તમને કે તમે આ ઋણ ચૂકવવા આવ્યાં છો, પણ સાચું કહું તો તમે જ મારા પ્રેરક છો, આપ જ મારા પ્રેરણાદાયી છો, હું પૈસાને નહીં સેવાને માન આપું છું, આપનાં બાળકની સારવાર પછી જ મને વિચાર આવ્યો કે ધણાં ગરીબો પૈસાની તંગીનાં લીધે પોતાનાં અંગત વ્યક્તિઓની બિમારીમાંથી નથી ઉગારી શકતાં, અને છેવટે એમણે જીવ ગુમાવવો પડે છે, ત્યારથી હું નિઃસ્વાર્થ સેવા અને સારવાર કરું છું, સાચું કહું તો હું આપનો ઋણી છું.”

“આ પૈસા હું નહીં સ્વિકારી શકું, ”
એમ કહી ડૉ.હર્ષે પોતાનાં ખાનાં માંથી થોડાં રૂપિયા કાઢ્યા અને પેલા બહેનને આપતાં કહ્યું ” આ લો આ પૈસા, તમારા દિકરાંને ખુબ જ ભણાવજો, અને દિકરાં ક્યારેય કોઈની મદદ કરતાં ખચકાતો નહીં. ઉપરવાળો બધું જુએ છે.”
માતા-દિકરો, ડૉ. હર્ષ તમામની આંખો આંસુંઓથી છલકાઈ ગઈ. તેમજ ત્યાં રહેલાં કેટલાંય લોકો આ દ્રશ્ય જોઈ રડી પડ્યાં…

(ગુજરાતનાં વલસાડ ખાતે બનેલી સત્યધટના ને આધારીત)લેખક : કુંજ જયાબેન પટેલ, બારડોલી
તમે આ હદયસ્પર્શી લેખ/વાર્તા/રેસિપી ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.
મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો.. 🙏 અમે હજુ વધારે લેખ લાવી રહ્યા છીએ એટલે તમારા મંતવ્ય અમારા માટે અગત્યનાં છે!!