આપણી દરેકની જિંદગીમાં ઉતાર-ચડાવ તો આવે જ છે. ક્યારેક અમુક પ્રસંગો એવા બની જાય છે કે, માણસને પરેશાન કરી મૂકે તો વળી ક્યારેક લાગલગાટ બધું સમુંસૂતરું પાર પડતું દેખાય અને લાગે કે, જીવનમાં હરિયાળી છવાઈ ગઈ છે! આ બધો કર્મનો ને વિધિનો ખેલ છે.

જો કે, ઘણીવાર એવું પણ બને છે કે આપણી પરેશાનીઓનું કારણ ‘વાસ્તુશાસ્ત્ર’ના નિયમોને અવગણવાનું પણ હોઈ શકે. વાસ્તુશાસ્ત્ર ઘરમાં, રસોઈઘરમાં કે શયનખંડમાં આમ હોવું જોઈએ કે આમ ના હોવું જોઈએ એવી સૂચનાઓ આપે છે. જેના માટે કોઈ વિશેષ વ્યવસ્થા કરવાની જરૂર નથી. ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર કરવો હોય અને મનમાંથી નકારાત્મક શક્તિનો પ્રભાવ દૂર કરવો હોય તો વાસ્તુશાસ્ત્રએ કહેલાં આ થોડાં ટૂંકા-ટૂંકા સૂચનોનું પાલન અવશ્ય કરવું:
(1) રસોડાની ફરસ કાળા પથ્થરથી બનેલી ના હોવી જોઈએ. મતલબ કાળા રંગની જગ્યાએ અન્ય કોઈ રંગની ટાઇલ્સ કે પથ્થરનો ઉપયોગ કરવો.
(2) ચૂલાની પડખે જ પાણીનું સ્થાન ના હોવું જોઈએ. મતલબ એવો નથી કે, રસોડામાં પાણીનું માટલું ના જ રાખવું! કહેવાનું એમ છે કે, ચૂલાની એકદમ પાસે પાણીયારું ના રહે તો બહેતર છે.

(3) પરિવાર સાથે મળીને રસોડામાં જ બેસીને ભોજન કરે તો ઉત્તમ. રાત્રી ભોજનનાં એઠાં વાસણ રસોડામાં ના રાખવા.
(4) દિવસમાં એક વાર તાંબા-પિત્તળ કે ચાંદીના ગ્લાસથી પાણી પીવાનું પણ જણાવવામાં આવે છે. એલ્યુમિનિયમ કે સ્ટીલની જગ્યાએ તાંબાનો ઉપયોગ કરવાનું જાણકારો કહે જ છે, જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ સારું છે.
(5) સંધ્યાકાળે અર્થાત્ દેવમંદિરોમાં આરતીના સમયે ભોજન ના કરવું. આ સમયમાં સ્નાન કરવું પણ ઉચિત નથી.

(6) સંધ્યા સમયે ઘરમાં ધૂપનો પવિત્ર અને મઘમઘતી ફોરમવાળો ધૂમાડો કરવો. પ્રભાતે અને ઝાલરટાણે દીવો તો પ્રગટાવવો જ રહ્યો! સકારાત્મકતાનો સંસાર અહીંથી જ થશે.
(7) ઘરમાં માટીનાં કૂંડામાં છોડવા લગાવવાની તો ફેશન છે જ. પણ ખાસ ધ્યાન એ રાખવું કે કાંટાળા છોડ ના રોપવા કે ના લાવવા. ઘરનાં ફળિયામાં તુલસીનો છોડ છે તો પછી વધારે કંઈ કરવાની જરૂર જ નથી!
(8) ઘરમાં ખૂણે-ખાચરે જાળાં ના રહે તે માટે નિયમિતપણે સફાઈ કરવી. સ્વચ્છ રહેણાંક સકારાત્મક ઊર્જાનું આશ્રયસ્થાન છે.

(9) મકાનનાં રંગરોગાન માટે હળવા કલરનો ઉપયોગ બહેતર છે. ભભકાદાર કે ચટાકેદાર રંગોથી દૂર રહેવાનું કહેવામાં આવે છે. ઘરમાં હવાની અવરજવર થતી રહે એવી વ્યવસ્થા કરવી. કુદરતી પ્રકાશ મળતો રહે એ પણ જોવું.
(10) મદિરાપાન કે કોઈપણ જાતનો નશો આમ તો વર્જ્ય જ છે. ના કરો તે જ ઉત્તમ.
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આવી નાનકડી બાબતોનું ધ્યાન રાખવાથી ઘરમાં સુખશાંતિ છવાયેલી રહે છે. વળી, અહીં કહેલી વાતોનું પાલન પણ વગરમૂલ્યે થઈ શકે છે! સારું લાગ્યું હોય તો લીંક મિત્રો સાથે શેર કરજો, ધન્યવાદ!