માગશર મહિનાની અમાસ અને સૂર્યગ્રહણનો શુભસંયોગ સર્જાયો છે. આ દુર્લભ સૂર્યગ્રહણ ભારતભરમાં જોવા મળશે. ગ્રહણનો સમયગાળો સવારે ૮:૦૪ થી લઈને ૧૦:૫૬ સુધીનો છે. ગ્રહણને લઈને સૂતકકાળ ૨૫ ડિસેમ્બરના રાતના ૮ વાગ્યાથી જ બેસી ચૂક્યો છે. દરેક હિન્દુ મંદિરોનાં કમાડો વાસી દેવાયાં છે. ૨૦૧૯નું અંતિમ ગ્રહણ થઈ રહ્યું છે ત્યારે ગ્રહણના સમયગાળા દરમિયાન રાખવી પડતી સાવચેતીઓ વિશે ખાસ વાંચી લીધા જેવું છે. અહીં એ બધી વાતોથી તમને વાકેફ કરવાની કોશિશ કરી છે.

સગર્ભા સ્ત્રીઓ આટલી બાબતોથી દૂર રહે:
સૂર્યગ્રહણ સગર્ભા સ્ત્રીઓ અને રોગીઓ માટે વર્જ્ય માનવામાં આવે છે. ગર્ભધારિત સ્ત્રીઓએ ગ્રહણના સમય દરમિયાન શાકભાજી કાપવાથી દૂર રહેવું. તદ્દોપરાંત, પાપડ શેકવાનું કામ પણ ન કરવું. આ ક્રિયાઓને ઉત્તેજક માનવામાં આવે છે, પરિણામે ગ્રહણના સમયગાળા દરમિયાન આ કામ કરવા હિતાવહ નથી. આમ તો સૂર્યગ્રહણ વખતે નીકળતાં હાનિકારક વિકિરણોને પ્રતાપે ગ્રહણ નરીઆંખે જોવું કોઈના માટે પણ હિતાવહ નથી. પણ એમાંયે સર્ગભા સ્ત્રીઓ માટે ગ્રહણ જોવું વર્જિત ગણવામાં આવે છે.

ખોરાક-પાણીમાં તુલસીનાં પાન નાખવા:
ગ્રહણ પહેલા ખાવાની ચીજો, રાંધેલું અન્ન, દૂધ-દહીં-ઘી-માખણ કે છાશ અને પાણીમાં તુલસીનાં પર્ણો નાખી દેવાં જોઈએ. આનાથી ગ્રહણના પ્રભાવમાં આ ચીજો પર અસર પડતી નથી અને તે બગડતી નથી. વળી, ગ્રહણ દરમિયાન સૂતકકાળ સમાપ્ત ના થાય ત્યાં સુધી ઈશ્વરના પૂજા-પાઠ કરવાની પણ વિદ્વાનો ના પાડે છે. જો કે, આ સમય દરમિયાન સતત ભગવાનના મંત્રજાપ તો કરવા જ જોઈએ.

નકારાત્મક વિચારોથી બચો:
ગ્રહણ દરમિયાન મનને એકદમ પ્રફુલ્લિત રાખવું જોઈએ. કોઈ નકારાત્મક ખરાબ વિચારોને મગજમાં સ્થાન ના આપવું. ગ્રહણ પહેલા બ્રહ્મમુહૂર્તમાં અને ગ્રહણ પછી સ્નાન અવશ્ય કરવું. ખાસ કરીને ગ્રહણ પછી સ્નાન કરવાનો તો મહિમા છે.

દાન, સ્નાન અને ધ્યાન:
આ સૂર્યગ્રહણ વખતે અમાસ અને ગુરૂવારનો સંયોગ પિતૃપૂજા અને કાલદોષની મુક્તિ માટે પણ ઉત્તમ માનવામાં આવે છે. ગ્રહણ સમયે ઇષ્ટદેવનું ધ્યાન-સ્મરણ કરતા રહીને, ગ્રહણ બાદ સ્નાન કરવું. એ પછી દાન કરવાનો મહિમા તો છે જ. ગ્રહણ પૂર્ણ થયા બાદ આપવામાં આવેલું દાન ફળિભૂત માનવામાં આવે છે. આથી ફૂલ નહી તો ફૂલની પાંખડી સ્વરૂપે પણ સડક પર રહેલા પીડિત ગરીબોને કંઈક આપવું. ગાયને ચારો નાખવો. મનુષ્ય પર ગ્રહોની કૃપા વરસવી અહીંથી જ શરૂ થાય છે!

સૂતક પૂર્ણ થયા બાદ સાફસફાઈ કરવી:
૨૫ ડિસેમ્બરના રાતના ૮ વાગ્યે શરૂ થતો સૂર્યગ્રહણનો સૂતકકાળ ગ્રહણ પૂર્ણ થતાની સાથે સમાપ્ત થાય છે અને દેવસ્થાનોનાં કમાડ પણ ઉઘડી જાય છે. એ પછી ઘરની સાફસફાઈ કરી નાખવી. આ સૂર્યગ્રહણ ખગ્રાસ(આંશિક) પ્રકારનું છે, જે ભારત ઉપરાંત આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાના પણ કેટલાક ભાગોમાં દેખાવાનું છે.

હવે આવો સંજોગ ૭-૮ પેઢી પછી આવશે!:
અત્યારે થઈ રહેલું સૂર્યગ્રહણ અનેક રીતે ખાસ છે. થઈ રહેલો યોગાનુયોગ સદીઓ પછી એક વાર થયો છે અને હવે સદીઓ પછી પાછો થવાનો છે. આ ગ્રહણ દરમિયાન સૂર્ય મૂળ નક્ષત્ર અને ધન રાશિમાં રહેશે. અદ્ભુત સંયોગ એ છે કે, સૂર્યની સાથે ધન રાશિમાં એકસાથે કુલ છ ગ્રહો આવશે : સૂર્ય, ચંદ્ર, બુધ, ગુરૂ, શનિ અને કેતુ. આવો સંજોગ ૭ જાન્યુઆરી, ૧૭૩૩ના રોજ સર્જાયો હતો. જ્યારે ભારતમાં મુઘલોની પડતી ચાલુ હતી, મરાઠાઓના ઘોડા ઘૂમી રહ્યા હતા અને ઇસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં મજબૂત સ્થાન જમાવવાને ટાંપીને બેઠી હતી! વિદ્વાનો કહે છે, કે હવે આવો સંજોગ છેક ૫૫૯ વર્ષો પછી સર્જાવાનો છે : ઇ.સ.૨૫૭૮માં!

જ્યારે પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવે:
ગ્રહણ જેવી ખગોળીય ઘટનાઓને આપણા વૈજ્ઞાનિક માનસ ધરાવતા મહર્ષિઓએ બહુ ધ્યાનપૂર્વક આપણી સંસ્કૃતિ સાથે ગૂંથી લીધેલ છે. વેદોમાં પણ ગ્રહણનું વર્ણન છે. પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવે ત્યારે સૂર્યગ્રહણ સર્જાય છે. ચંદ્ર સૂર્ય આગળ આવે અને સૂર્યનો એ ભાગ ઢંકાય જાય, પરિણામે એનો પ્રકાશ પૃથ્વી પર પડતો બંધ થાય – એ સૂર્યગ્રહણ. ગ્રહણ આંશિક અને ખગ્રાસ એમ બે પ્રકારનાં હોય છે.

આશા છે, કે તમને સૂર્યગ્રહણને લગતો મુખ્ય બધી માહિતીથી યુક્ત આર્ટિકલ ગમ્યો હશે. આપના મિત્રો સાથે પણ લીંક મારફતે શેર કરજો, ધન્યવાદ!
Author: કૌશલ બારડ GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.