એવું કહેવાય છે કે કોઈપણ ધંધો નાનો નથી હોતો, બસ દિલથી કરવાની હિંમત અને અથાગ મહેનત જોઈએ તો તમે તમારા ધંધાને પણ ખુબ જ આગળ ધપાવી શકો છો અને સારી કમાણી પણ કરી શકો છો. હાલ કોરોના મહામારી દરમિયાન ઘણા લોકોની નોકરીઓ છૂટી ગઈ ગઈ અને નોકરી છૂટ્યા બાદ ઘણા લોકોએ વ્યવસાયમાં પણ હાથ અજમાવ્યો અને આજે સારી એવી કમાણી કરી રહ્યા છે. (કવર ઇમેજ ક્રેડિટ: The Foodie Nation)

હાલ દેશભરમાં એક ચા વેચતી છોકરીની ચર્ચાઓ ચાલી રહી છે. અને ગુજરાત માટે ગર્વની વાત એ છે કે આ દીકરી ગુજરાતની છે. રાજકોટમાં રહેતી આ છોકરીએ કમ્પ્યુટર ઓપરેટરની નોકરી છોડી અને ચા વેચવાનો વ્યવસાય શરૂ કર્યો અને આજે જોત જોતામાં તે પોતાના વ્યવસાયથી નોકરી કરતા પણ ઘણી જ સારી કમાણી કરી રહી છે.
રંગીલા રાજકોટમાં ચા વેચી રહેલી આ યુવતીનું નામ છે “રૂકસાના હુસૈન” જે થોડા સમય પહેલા સબ-રજિસ્ટાર કચેરીમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરી રહી હતી. જેમાં તેને 4 હજાર રૂપિયા જેટલો પગાર મળતો. જેમાંથી તે પોતાનો અને પરિવારનો ખર્ચ પણ કાઢી શકતી નહોતી.

પોતાના પરિવારનું ભરણ-પોષણ કરવા માટે રૂકસાનાએ ચાનો વ્યવસાય શરૂ કરવાનું નક્કી કર્યું અને આજે તે રોજ 1 હજાર રૂપિયાની કમાણી કરે છે. જેમાંથી 500 રૂપિયા તે ચોખ્ખો નફો પણ કમાઈ શકે છે. આ રીતે હવે તેની માસિક આવક 15 હજાર જેટલી થઇ ચુકી છે.
જયારે રૂકસાનાએ ચાનો વ્યવસાય શરૂ કરવાનું નક્કી કર્યું ત્યારે પરિવારને પણ તેનો આ નિર્ણય પસંદ આવ્યો નહોતો. પરંતુ રૂકસાના પોતાના નિર્ણય માટે અડગ હતી અને તેને વ્યવસાય શરૂ કરી જ દીધો. આજે તેની સફળતા જોઈને તેનો પરિવાર પણ તેની સાથે ઉભો છે. રૂકસાનાના નિર્ણયની પ્રસંશા કરી રહ્યો છે તેમજ આ રીતે આત્મનિર્ભર બનેલી રૂકસાના આજે ઘણી મહિલાઓ માટે આદર્શ પણ બની ચુકી છે.

એક યુવતીનો આ પ્રકારનો નિર્ણય પરિવારને માટે પણ ઘણા સવાલો ઉભા કરનારો હતો. રસ્તા ઉપર રેંકડી શરૂ કરીને ચા વેચવાનો નિર્ણય મુશ્કેલી ભરેલો હતો. તેની સામે પરિવારના ઘણા સવાલો હતો કે એકલી યુવતી આ રીતે ચા વેચે એ કેવું લાગે ? વગેરે વગેરે પરંતુ રુકસાનાએ મનનું ધારેલું કર્યું અને આજે તેના વખાણ આખા દેશમાં થઇ રહ્યા છે.
રૂકસાનાએ ચા પણ અલગ રીતે બનાવવાનું નક્કી કર્યું. તેને તંદુરી ચા બનાવીને લોકોને માટીના કોળિયા (કુલ્લડ)માં પીરસી અને તેના ચાનો ટેસ્ટ તો ઘરવાળા પહેલેથી જ વખાણતા હતા. જેને જોતા ગ્રાહકો પણ તેની ચાની લારીએ ચા પીવા આવવા લાગ્યા. ભવિષ્યમાં રૂકસાના ટી-પોસ્ટની જેમ જ “ચાયવાલી”ના નામથી પોતાની બ્રાન્ડ શરૂ કરવા માંગે છે.

રૂકસાનાના ટી સ્ટોલ ઉપર હવે નિમિત્ત ગ્રાહકો પણ આવવા લાગ્યા છે. એક ગ્રાહકનું કહેવું છે કે તે છેલ્લા દોઢ મહિનાથી અહીંયા ચા પીવા માટે આવે છે. એકપણ દિવસ ચાનો ટેસ્ટ નથી બદલાયો. દીકરી એટલી સરસ ચા બનાવે છે કે હવે તેની આદત પડી ગઈ છે. તે ઓર્ગેનિક રીતે ચા બનાવે છે જેના કારણે ટેસ્ટ ખુબ જ સરસ આવે છે.