કમાલ કરે લાંચિયા બાબુઓ: MBA થયેલી રુચિનો પગાર હતો 60,000, પણ કુલ સંપત્તિ એટલી ભેગી કરી કે જાણીને આંખો ફાટી જશે…
છેલ્લા ઘણા સમયથી સરકારના વિવિધ સાહસો અને લિમિટેડ કંપનીમાં કરોડો રૂપિયાની ઉચાપતના કિસ્સા સામે આવી રહ્યાં છે ત્યારે આ વખતે સેક્ટર-10માં આવેલા કર્મયોગી ભવનમાં કાર્યરત ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ સાથે પણ કર્મચારીઓએ ભેગાં મળીને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું બહાર આવી રહ્યું છે.
ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ ગુજરાત ઈન્ફોર્મેટિક્સ લિમિટેડ (GIL)માં રૂ. 28.31 કરોડની ગેરરીતિઓની તપાસ કરી રહી અને ત્યારે જાણવા મળ્યું કે આરોપીઓમાંથી એક રૂચી ભાવસારે એપ્રિલ 2018થી એપ્રિલ 2022 વચ્ચે પગાર તરીકે 18 લાખ રૂપિયા મેળવ્યા હતા, પરંતુ તેણે આ સમયગાળામાં 5.57 કરોડની રોકડ અને મિલકતો પણ બનાવી હતી.
રૂચી ભાવસાર એપ્રિલ 2018માં એક્ઝિક્યુટિવ એકાઉન્ટન્ટ તરીકે જીઆઈએલમાં જોડાઇ હતી અને શરૂઆતમાં તેને આશરે રૂ. 35,000નો પગાર મળતો હતો. રાજ્ય સરકાર માટે હાર્ડવેર અને સોફ્ટવેરની ખરીદી કરતી પેઢીમાં તેનો છેલ્લો પગાર રૂ. 60,000 હતો.ચાર વર્ષમાં તેણે કુલ રૂ. 18 લાખની કમાણી કરી હતી. જો કે, તેની સંપત્તિ 5.57 કરોડ આસપાસ છે.
આ કેસની તપાસ કરી રહેલા એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે તેના બેંક ખાતા અને મિલકતની વિગતો તપાસી અને જાણવા મળ્યું કે તેના બેંક ખાતામાં 57 લાખ રૂપિયા ટ્રાન્સફર થયા છે. આ સિવાય તેના સરઘાસણમાં બે ભવ્ય ફ્લેટ છે અને તેની કિંમત રૂ. 2.50 કરોડ (દરેક ઘર) છે. તેની પાસે ઓછામાં ઓછી રૂ. 5.57 કરોડની વધારાની સંપત્તિ છે જે તેણે જીઆઈએલ પાસેથી મેળવેલા કુલ પગાર કરતાં ઘણી વધારે છે.પીઆઈ જેએચ સિંધવની આગેવાની હેઠળ એલસીબીની એક ટીમે રવિવારે ગાંધીનગરમાં તેના ઘરની તલાશી લીધી હતી
અને કેટલાક ગુનાહિત દસ્તાવેજો અને ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જપ્ત કર્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે રૂચી ભાવસાર કથિત રીતે છેતરપિંડીની માસ્ટરમાઈન્ડ છે. તેણે તેના સહાયકોના ખાતામાં ભંડોળ ડાયવર્ટ કર્યું છે. કેસના ફરિયાદી અને જીઆઈએલના એકાઉન્ટ મેનેજર તનસુખ ધાખાને એફઆઈઆરમાં જણાવ્યું હતું કે 25 મે, 2022ના ઓડિટ રિપોર્ટમાં બેંક વ્યવહારોમાં અનિયમિતતા જોવા મળી હતી.
આરોપીઓએ કથિત રીતે તેમની સત્તાનો દુરુપયોગ કર્યો હતો અને GIL સિવાયના અન્ય ખાતાઓમાં 16 વ્યવહારોમાં ભંડોળ જમા કરાવ્યું હતું. જણાવી દઇએ કે, ગાંધીનગરના સેક્ટર 7 પોલીસે 4 જુલાઈના રોજ રુચી ભાવસાર, એક્ઝિક્યુટિવ ફાયનાન્સ ઓફિસર વિક્રાંત કંસારા, ડેપ્યુટી ડાયરેક્ટર (એકાઉન્ટ) અને જનરલ મેનેજર રાકેશ અમીન, જીઆઈએલ કંપની સેક્રેટરી જપન શાહ અને સોનુ સિંઘ નામના બ્રોકર એન્ડ મુઝુમદાર સીએ ફર્મના ઓડીટર વિરુદ્ધ આઈપીસી હેઠળ વિવિધ આરોપો વચ્ચે છેતરપિંડી અને બનાવટની ફરિયાદ દાખલ કરી હતી.

GIL કચેરીના 5 અધિકારી અને કર્મચારીની ગેંગે પ્લાન ઘડી કાવતરું રચી 35 કરોડથી વધુનો ચુનો લગાવ્યો હતો. કૌભાંડની માસ્ટર માઈન્ડ રુચિ ભાવસાર અને તેના નજીકના લોકોની લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા ધરપકડ પણ કરી લેવામાં આવી છે. રૂચી ભાવસારે એમબીએ કર્યુ છે. રૂચીના રિમાન્ડ મેળવ્યા બાદ જ પોલિસ સામે એ માહિતી ખુલશે કે તેણે કેવી રીતે આખું ષડયંત્ર રચ્યુ અને જીઆઇએલને ખરેખમાં કેટલા કરોડનો ચૂનો લગાવ્યો.
આ સમગ્ર કૌભાંડ મામલે જીઆઇએલ દ્વારા આશરે 7 કરોડનું કૌંભાડ થયું હોવાની ફરિયાદ સેક્ટર 7 પોલીસ મથકમાં નોંધાવવામાં હતી. જો કે આ કેસની તપાસ લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ જે એચ સિંધવ દ્વારા શરૂ કરવામાં આવતાં આંકડો 35 કરોડને વટાવી ગયો હોવાનું બહાર આવ્યું હતું.