ચાલુ ટ્રેનમાં ચઢવા જઈ રહી હતી મહિલા, અચાનક પગ લપસ્યો અને ટ્રેનની નીચે ઘુસી જ જવાની હતી ત્યાં ભગવાન બનીને આવ્યો આરપીએફ જવાન

ઘણા લોકોને આપણે જોયા હોય છે કે રેલવે સ્ટેશન ઉપર સમય કરતા થોડા મોડા પહોંચે અને આ ચક્કરમાં તેમની ટ્રેન પણ આવી ગઈ હોય છે અને તે દોડીને ટ્રેનમાં ચઢવા માટે જતા હોય છે, ઘણીવાર તે ચઢાવામા સફળ રહે છે તો ઘણીવાર નથી રહેતા, ઘણા લોકો આ રીતે ચાલુ ટ્રેનમાં ચઢવાના ચક્કરમાં પોતાના શરીરનું કોઈ અંગ ગુમાવી બેસે છે તો ઘણા લોકો પોતાના જીવથી પણ હાથ ધોઈ બેસે છે.

આવી ઘણી ઘટનાઓના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે, હાલ એવો જ એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે જેમાં એક મહિલાને ચાલુ ટ્રેનમાં ચઢવું જીવલેણ સાબિત થતા થતા બચી ગયું હતું.

વાયરલ વીડિયોની અંદર જોઈ શકાય છે કે ટ્રેન ચાલી રહી છે અને એક મહિલા સામેથી ચાલીને આવે છે. જયારે તે નક્કી ડબ્બા પાસે પહોંચે છે અને ચાલુ ટ્રેનમાં ચઢવા માટે જાય છે ત્યાં જ તેનો પગ લપસે છે અને તે પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે રહેલી જગ્યામાં ઘુસી જાય છે, પરંતુ આ દરમિયાન જ ત્યાં એક આરપીએફ જવાન ચાલતો હોય છે અને સમય સુચકતા વાપરીને તે મહિલાને ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેની જગ્યામાંથી બહાર કાઢી નાખે છે.


આ ઘટના તેલંગાણાના સિકંદરાબાદ સ્ટેશન ઉપર શુક્રવારના રોજ ઘટી હતી. જેમાં મહિલાને મોતના મોઢામાંથી એક આરપીએફ જવાને ભગવાન બનીને બચાવી લીધી હતી. પ્લેટફોર્મ ઉપર લાગેલા સીસીટીવીમાં આ સમગ્ર ઘટના કેદ થઇ ગઈ હતી. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થવાની સાથે જ લોકો આરપીએફ જવાનની પ્રશંસા પણ કરી રહ્યા છે.

Niraj Patel