ચાંદ પર છપાયો અશોક સ્તંભ, ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગના થોડા સમય બાદ જ લેન્ડર વિક્રમમાંથી બહાર નીકળી રોવર પ્રજ્ઞાન નીકળ્યું મૂન વૉક પર, જાણો નવી અપડેટ

Rover Pragyan in Action : ગઈકાલે ભારતે એક મોટો ઇતિહાસ રચી દીધો. 40 દિવસની લાંબી મુસાફરી બાદ બુધવારે સાંજે 6.04 કલાકે ચંદ્રયાન-3ના લેન્ડરે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. જેના બાદ દેશભરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ગઈકાલે આ અદભુત ક્ષણને મોટાભાગના દેશવાસીઓએ નિહાળી અને ચંદ્રયાન 3ના ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ થતા જ દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. ઠેર ઠેર લોકોએ મીઠાઈ વહેંચીને પણ આ પ્રસંગની ઉજવણી કરી હતી તો ક્યાંક આતીશબાજી પણ જોવા મળી.

ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ :

ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ બાદ રોવર પ્રજ્ઞાન પણ લેન્ડર વિક્રમમાંથી બહાર આવ્યું છે. લેન્ડિંગના લગભગ 2.30 કલાક પછી પ્રજ્ઞાન બહાર આવ્યું. આસપાસની ધૂળ સંપૂર્ણ રીતે હટી ગયા બાદ ઈસરોએ પ્રજ્ઞાનને વિક્રમમાંથી બહાર કાઢ્યું. બહાર નીકળતા જ પ્રજ્ઞાને ચંદ્ર પર અશોક સ્તંભ અને ઈસરોના નિશાન છોડી દીધા છે. ચંદ્ર પર લેન્ડર વિક્રમના સોફ્ટ લેન્ડિંગ પછી, આગળનું કામ તેના ખોળામાં બેઠેલા રોવર પ્રજ્ઞાનને બહાર કાઢવાનું હતું. હવે વાસ્તવિક મિશન શરૂ થશે અને વિક્રમ અને પ્રજ્ઞાન સાથે મળીને ચંદ્રના દક્ષિણ ધ્રુવની સ્થિતિ વિશે જણાવશે.

ઈસરોએ કરી ટ્વિટ :

ઈસરોના જણાવ્યા અનુસાર રોવર પ્રજ્ઞાન લેન્ડર વિક્રમમાંથી બહાર આવી ગયું છે અને તેણે ચંદ્ર પર અશોક સ્તંભ અને ઈસરોના નિશાન છોડી દીધા છે. પ્રજ્ઞાન હવે ચંદ્ર પર 14 દિવસ સુધી અભ્યાસ કરશે અને ડેટા એકત્રિત કરીને લેન્ડર વિક્રમને મોકલશે. અહીંથી જમીન પર બેઠેલા ઈસરોના વૈજ્ઞાનિકોને તમામ માહિતી મોકલવામાં આવશે. જ્યારે આજે સવારે રોવર ફરી એકવાર ચંદ્ર પર ચાલી રહ્યું છે. ઈસરોએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે.

અશોક સ્તંભ અને ઈસરોની નિશાની છોડશે પ્રજ્ઞાન :

ઈસરોએ ટ્વીટ કરીને ચંદ્રયાન-3એ આપેલા પહેલા સંદેશાની માહિતી આપતાં લખ્યું કે,” ભારત, હું મારા લક્ષ્ય પર પહોંચી ગયો છું અને તમે પણ!” આ સાથે જ ઈસરોએ લખ્યું કે,’ ચંદ્રયાન-3 એ ચંદ્ર પર સફળતાપૂર્વક લેન્ડ કરી દીધું છે. ખુબ-ખુબ અભિનંદન, ભારત!’ જેમ જેમ રોવર પ્રજ્ઞાન આગળ વધી રહ્યું છે, તેમ તે ચંદ્રની સપાટી પર અશોક સ્તંભ અને ઈસરોના નિશાન છોડી રહ્યું છે. પ્રજ્ઞાનના પૈડાં પર ISRO અને અશોક સ્તંભના નિશાન બનાવવામાં આવ્યા છે, તેથી જેમ જેમ તે આગળ વધશે તેમ તે ચંદ્રની સપાટી પર આ નિશાનો છોડી દેશે.

લેન્ડ થતા જ ઉડી હતી ધૂળ :

ચંદ્રયાન-3ના સોફ્ટ લેન્ડિંગ પહેલા ઈસરોએ આ અંગે જાણકારી આપી હતી. તેમાં રોવરની એક બાજુના પૈડાં પર ISROનું ચિહ્ન છે અને બીજી બાજુના પૈડાં પર અશોક સ્તંભનું ચિહ્ન છે. ચંદ્રયાન-3ના લેન્ડર વિક્રમના ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ દરમિયાન ઘણી બધી ધૂળ ઉડવા લાગી હતી. ત્યાં પૃથ્વીની તુલનામાં ગુરુત્વાકર્ષણ ઘણું ઓછું છે, જેના કારણે ત્યાં પૃથ્વી પર જેટલી ઝડપથી ધૂળ જમા થતી નથી. ઈસરોના વૈજ્ઞાનિકોએ પહેલા ધૂળ થાળે પડે તેની રાહ જોઈ અને પછી રોવરને નીચે લાવ્યું. જો તેને લેન્ડિંગ પછી તરત જ ટેકઓફ કરવામાં આવ્યું હોત તો તેના કેમેરા પર ધૂળ જામી હોત અને રોવરના સાધનોને પણ નુકસાન થઈ શકે તેમ હતું. રોવરને મિશન પૂર્ણ કરવામાં સમસ્યા આવી શકતી હતી.

Niraj Patel