દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે વૈવાહિક-જીવન

“રોટલો” – કોઈનું પેટ ઠારવા એક રોટલો આપ્યાના અંતરના આ આશીર્વાદ મળશે એની તો કલ્પના પણ ના કરી શકાય…!!! વાંચો આજે મુકેશ સોજીત્રાની કલમે આવી જ એક સુંદર કહાની …..!!!

સાડાસાત થયા. રામજી મંદિરે આરતી પૂરી થઇ. વશરામ ભગત માથે ફાળિયું બાંધીને ઠાકર મહારાજના દર્શન કરીને મંદિરના પગથીયા ઉતર્યા. બાજુમાં શામજી વાલજીની દુકાને ચા મોરસ અને ચણાનો લોટ લઈને પોતાના ઘર તરફ ચાલી નીકળ્યાં. આકાશમાં ધોમો અંધકાર ઘેરાઈ રહ્યો હતો. કોઈક ભજનની કડી ગણગણતા તેઓ પોતાના ઘર તરફ ચાલી રહ્યા હતા. ગામથી અરધો કિલોમીટર દૂર પોતાની જ વાડીમાં એક બનાવેલ ત્રણ ઓરડાના મકાનમાં વશરામ ભગત તેની પત્ની નર્મદા, પુત્રી અંજુ અને પુત્ર ગોવિંદઅને પુત્ર વધુ સરોજ સાથે રહેતા હતા. પાંચ જણાનું નાનું એવું સુખીય નહીને દુખિય નહિ એવું વચલા વાંધાનું કુટુંબ હતું. સવાર સાંજ રામજી મંદિરે દર્શન કરવાનો વશરામ ભગતને નિત્યક્રમ હતો. ગામનું પાદર વટાવીને જમણી બાજુનો એક રસ્તો એણે પકડ્યો. દુરથી જ એના ઘરની લાઈટો દેખાતી હતી.

IMAGE source : patrika.com

આમ તો એ આજ થી આઠ વરસ પહેલા ગામના ગોંદરે રહેતા હતા. પણ હેઠવાસમાં બંધાયેલા એક નાનકડા એવા ડેમને કારણે એ મકાન એને ખાલી કરવાની ફરજ પડી હતી. સરકારે સહાય પણ આપી હતી. એની સાથે બીજા ત્રીસેક ઘરે પણ સહાય લઈને ઉપરવાસમાં ઉંચાણ વાળી જગ્યાએ જમીન લઈને સેવા સહકારી મંડળીમાંથી મંડળી ઉપાડીને ધાબા વાળા મકાન ઝીંકી દીધાં હતા અને હવે હપતા ભરતા હતા, જયારે વશરામ ભગતે બુદ્ધિ વાપરીને સહાયમાં થોડી એવી રકમ નાંખીને વાડીએ જ ત્રણ મકાન ઉભા કરી દીધાં હતા.

image source : news18

ઘરે પહોંચ્યા ત્યારે મોટર સાયકલ પડ્યું. મોટો દીકરો ગોવિંદ હીરાના કારખાનેથી આવી ગયો હતો. ગોવિંદને હજુ ગયા વરસે જ પરણાવ્યો હતો. એમની પત્ની નર્મદા ખાટલામાં બેઠી હતી. બાથરૂમમાં લાઈટનો પ્રકાશ હતો મતલબ ગોવિંદ ન્હાવા ગયો હતો. દીકરી અંજુ એની ભાભી સરોજ સાથે રસોડામાં હતી. લીમડાના ઝાડના થડીયે એક કાળીયો અને એક ધોળિયો એમ બે કુતરાઓ આરામ ફરમાવી રહ્યા હતા. નર્મદાના ખાટલાની બાજુમાં જ ઢાળેલા એક ખાટલા પર વશરામ ભગત બેઠાં અને નર્મદાએ કીધું.

“માવજી કાનજીનો દેવલો આવ્યો હતો. કેતો તો કે ભગતનું કામ છે. મેં કીધું કે ભગત તો રામજી મંદિરે ગયા છે. તો દેવલાએ કીધું કે એ વાળું પાણી કરીને દસ સાડા દસે આવશે. ભગતને કેજો કે ક્યાય બહાર જાય નહિ. ખાસ અગત્યનું કામ છે”

“ દેવલાને વળી આપણું શું કામ હશે?? કદાચ ચાર જમણ પછી અગિયારશ છે એટલે ભજન રાખવા હોય એનું કદાચ કહેવા આવ્યો હોય.. તને બીજું કાઈ કીધું એણે??” વશરામ ભગત બોલ્યાં.

image source : news18

“ એ નાડા તોડાવતો આવ્યો હતો એમ લાગ્યું. સરખો બેઠો પણ નહિ. ઉભો જ રહ્યો. વાત કરી નો કરી અને આવ્યો એવો જ ગયો. મેં ઘણું કીધું કે બેસ તો ખરો. હું ચા મુકું હમણા ગોવિંદ પણ આવતો હશે. પણ એ તો ઊંધું ઘાલીને મોબાઈલમાંજ પડ્યો હતો.આવ્યો ત્યારેય મોબાઈલમાં વાત કરતો કરતો આવ્યો અને ગયો ત્યારેય મોબાઈલમાં જ રચ્યો પચ્યો હતો. આ મોબાઇલે તો હવે દી દીધા છે.. તમે ઓલ્યું સાંભળ્યું કે નહિ લાલાની છોડી અગાશીમાંથી પડી રાતે દસ વાગ્યે!! મને તો આ અંજુએ કીધું ત્યારે ખબર પડી. છોડીનું સગપણ થયુંને ત્યારે એના ઘરવાળા એ મોબાઈલ લઇ દીધો છે. ઓલ્યું શું કેવાય?? હાહાહાહા યાદ આવ્યું ટાવર!! દી એ તો ઘરે વાત નો થાય એટલે લાલાની છોડી રાતે દસ વાગ્યે કાનમાં દટીયું ભરાવીને ધાબા પર ટાવર પકડાય એટલે નયા રોજ જાતિ તી ને ઘરવાળા હારે વાત કરતીતી કાલે કોણ જાણે શું ય થયું વાતુમાને વાતુમાને તામાને તામા છોડી અગાસીમાંથી વાહલી બજારે બફાંગ દઈને પડી.પણ એના ભાગ્ય સારાના કે વહાલી બજારે ઓતીમા એ કુંવળ નો ઢગલો કર્યો હતો. કુંવળના ઢગલામાં પડી એટલે હાથ થોડો મચકોડાણો બાકી વાંધો ના આવ્યો. ને પછી લાલો એવો ખીજાણો કે મોબાઈલ કુંડીમાં નાંખી દીધો રાતે ને રાતે!! બોલો આવું થયું. આમ તો લાલો સીધો માણસ!! પણ બગડે ત્યારે એ કોઈનો નહિ” નર્મદાએ લાલા પુરાણ શરુ કર્યું અને વશરામ ભગત સાંભળતાં રહ્યા. કલાક પછી જમીને ફળિયામાં નાંખેલા ખાટલામાં સહુ બેઠા હતા અને દેવલો આવ્યો. આમ તો એનું નામ દેવજી હતું પણ બધા એને દેવલો કહેતા. સુરતથી કાચી રફ લઇ આવે અને ગામમાં એક દસેક ઘંટીનું કારખાનું ચલાવતો. તૈયાર માલ મીની બજારમાં વેચી આવે!! ગામ પ્રમાણમાં દેવલો ઠીક ઠીક પ્રમાણમાં આબરૂદાર હતો.

“આવ્ય આવ્ય દેવજી” કહીને વશરામ ભગત ખાટલામાં બેઠા થયા. નબુ કહેતી હતી કે દેવજી રોકાણો પણ નહિ બહુ ઉતાવળમાં હતો. અલ્યા ગોવિંદ પાણી લાવજે” વશરામ ભગત બોલ્યાં.

“ તમારું કાઈ નક્કી નહિ કદાચ તમારું તો ગાંડી માથે બેડું!! ગમે ત્યાં તમે ભજન કરવા પણ જતા રહો એટલે કહીને ગયો હતો. દસ વાગ્યે હું આવીશ ભગત ક્યાય જાય નહિ. ખાસ કામ હતું. કામમાં તો બીજું કાઈ નહોતું પણ અંજુ ના સગપણ ની વાત એક જગ્યાએથી આવી હતી એ કરવાની હતી” ખાટલા પર બેસીને દેવલા એ કહ્યું. વશરામ ભગત અને નર્મદા પણ હવે એકીટસે દેવલા સામું જોઈ રહ્યા હતા. ગોવિંદે આપેલ પાણી પી ને દેવલો બોલ્યો.

image source : veethi.com

“ તમે જે ડી શેઠનું નામ તો સાંભળ્યું જ હશે. સુરતની મોટી પાર્ટી. આખું નામ તો જીવણ ધનજી પણ એને બધાયે જે ડી થી જ ઓળખે છે. કાપડમાં અને હીરામાં જે ડી નું નામ ગાજે છે નામ!! ગયા અઠવાડિયે મને જે ડી એક પાર્ટી પ્લોટમાં ભેગા થઇ ગયા હતાં. વાતમાંથી વાત નીકળી તો મને કહે ડીએમ ગામડામાંથી એક સારી છોકરી ગૌતમ માટે ગોતી દે!! જેડી અને મારે ઘર જેવો સંબંધ એ મને ડીએમ કહે અને હું એને જેડી કહું!! મારા મોટા બે ય દીકરાની વહુઓ ગામડામાંથી જ લાવ્યો છું. આપણે ઊંચામાં જાવું જ નથી. સંસ્કારી કુટુંબ હોય તો પણ આપણે ચાલે. આપણે દહેજ પણ લેવાનું નથી. ખાલી બે જોડ કપડામાં દીકરી વળાવે તો પણ ચાલે!! મને તમારી અંજુ યાદ આવી એટલે મેં જેડીને વાત કરી કે સાધારણ ઘર છે પણ દીકરી છે ડાહી. ડાહી જ નહિ પણ રૂપાળી અને નમણી પણ એટલી જ અને હજુ એનો સંબંધ લગભગ વશરામભગતે ગોત્યો નથી. આ સાંભળીને જેડી તો ખુશ થઇ ગયા અને મને કીધું ડી એમ કે સબ દઈને તું જોણ ગોઠવી દે. આવી સરસ અને સુશીલ દીકરી અત્યારે લગભગ ક્યાય ન હોય. એટલે હું તમારા કાને વાત નાંખવા આવ્યો હતો કે તમે કહો ત્યારે જેડી ને તેડાવી લઈએ. આપણે વાત હાંકી જાણીએ પછી જેવા દીકરા દીકરીના નસીબ!! બાકી એક વાત કહું ભગત આ તમારી ભક્તિનો પ્રતાપ કહું તો ભક્તિનો અને ગરઢાંના પુણ્ય કહો તો પુણ્ય બાકી જેડી જેવું ઠેકાણું સામે ચાલીને આવે નહિ!! હું પણ કાન પકડી ગયો છું!!” વશરામ ભગત અને નર્મદાબેન બેય થીજી જ ગયા. એને તો માન્યામાં જ નહોતું આવતું કે જેડી જેવી વ્યક્તિ એના વેવાઈ બનવા માંગે છે. ઘડીભર તો એઓ કાઈ બોલી શક્યા નહિ પણ હળવે રહીને નર્મદાબેન બોલ્યાં.

“વાત તો સાચી ભાઈ પણ એ આવડા મોટા મોભાદાર શેઠિયા અને અમે રહ્યા સાવ નબળા. એ ને વેવાઈ કરીને અમે ડૂકી નો જઈએ. અમારી દીકરી ગામડામાં રહેલી. શહેરનું વાતાવરણ જુદું. અંજુને રસોઈ બધી આવડે પણ ગામડાની આવડે. શહેરની રસોઈ અંજુને થોડી ફાવે!! અને હવે નત્ય નવું નીકળ્યું છે. હજુ હમણા જ હું સુરત ગઈ તીને એક લગ્નમાં તે બધું જોયું ભાઈ. ઓલ્યા કાળા કાળા બળી ગયેલા જેવા નાનકડા દડા ખાઈ બધાય, નકરી કોબી અને આદુ ને તેલેય ભૂંડી ભાત્યનું.. બાયુંને છોકરા ઉભા ગળે ખાઈ મને તો નો ભાવ્યું મને રોયું નામ પણ ન આવડે..હા ઓલ્યું મન્ચુરિયન જેવું કાંઇક હતું. કા નકરા ઢોસા ખાય.અને આપડી બાયુય સાવ અકલમઠયુ એને આવું જ ભાવે. કાચા ખમણનો લોચો ખાય. તેલ હારે ઢોકળા ખાય. નહિતર ખાવાનું કેટલું બધું હોય નહિ વળી એક થાળીના ત્રણસો ચારસો રૂપિયા લે ત્યાં મેસુબ ખવાય ગુલાબ જાંબુ ખવાય.લાડવા મોહનથાળ અને બરફી ખવાય આવું ખાવાને બદલે જેનો કલર પણ જોવોના ગમે એવા કુંડીના રંગ જેવો સૂપ ગળશે. ઢોંસા ખાય અને પછી આવું બધું આચર કુચર ખઈને પછી ડાયેટિંગ ની દીકરીયું થાય એના કરતા શાક રોટલો શું ખોટો!! સુરતમાં આવું રોજનું થયું.મારી અંજુને આવું બધું નો આવડે. બાકી લાપશી, લાડવા , મોહનથાળ ,શેરો, રવો ભજીયા અને દાળભાત, કઢી ખીચડી રોટલા રોટલી ભાખરીમાં એક્ષ્પર્ટ છે.કામમાં એને કાઈ કેવું નો પડે” નર્મદા આમ તો ઓછું બોલે પણ બોલે ત્યારે એક ઘાને બે કટકા જેવું બોલી નાંખે.

“ એ બધી જવાબદારી મારી. તમારે ગમે તેને પૂછી લેવાની છૂટ. જેડી શેઠને પણ આ બધો ખ્યાલ હોય જ ને અને એને માટે ક્યાં આ નવું છે એના મોટા બે દીકરાની વહુઓ પણ સાવ સાધારણ કુટુંબમાંથી આવે છે એણે તો એમ પણ કીધું કે એના એ બે ય વેવાઈને પણ પૂછવાની છૂટ છે બોલો. તમારે જ્યાંથી અભિપ્રાય લેવો હોય ત્યાંથી લઇ લેવાનો!! હવે કઈ ઘટે બોલો” દેવલા એ સોઈ ઝાટકીને કહી દીધું.

“એ આવતા સોમવારે બોલાવી લ્યો.પુનમ છે અને વાર પણ સારો જ છે.” વશરામ ભગતે કહી દીધું. ચા પાણી પીને દેવલો રવાના થયો અને આ બાજુ વશરામ ભગતનું કુટુંબ પણ હળવા સુખમય આંચકા સાથે વિચારતું હતું કે ભગવાને આ કેવી કૃપા કરી કે સામે ચાલીને આવું મોંઘેરું માંગુ એની અંજુ માટે આવ્યું. સહુ નવાઈમાં ને નવાઈમાં પથારીમાં પડખા ઘસતા રહ્યા. બહુ મોડેથી વશરામ ભગત અને નર્મદાને ઊંઘ આવી!!

image source : rollingcanvas.com

નવાઈ તો દેવલા ઉર્ફે ડીએમ ઉર્ફે દેવજી માવજી ને પણ લાગી હતી. પંદર દિવસ પહેલા મીની બજારમાં એક દેવલો હીરાનું પડીકું લઈને વેચવા ગયોને ત્યારે એક શેઠિયાએ એનું ગામ પૂછ્યું અને કહ્યું કે જેડી ને તમારું કામ છે તમે ફ્રી હો તો એને મળતાં આવીએ.સાંભળીને દેવલાની આંખો પહોળી થઇ ગઈ. પોતે એક નાનકડો કારખાનેદાર અને ક્યાં જેડી!! આવા મોટા માણસ સાથે ઓળખાણ હોય તો ક્યારેક કામમાં આવે એવું વિચારીને એ વેપારી સાથે દેવલો તરત જે જેડી ને મળ્યો. જેડી એ એને આવકાર્યો ગામ વિષે પૂછ્યું અને પછી વશરામ ભગત વિષે વાત કાઢી.એની દીકરી વિષે વાત કરી.દેવલાને લાગ્યું કે જેડી વશરામ ભગતને સારી રીતે આમ ઓળખે છે. અને પછી સંબંધ વિષે વાત કરી અને જેડી એ કહ્યું.

“હું ઈચ્છું છું કે એની દીકરી મારે ત્યાં વહુ બનીને આવે.. એની ઈચ્છા હોય તો.. હું બીજા શેઠિયા કરતા અલગ થી વિચારવા વાળો માણસ છું. હું મારા દીકરાની વહુઓ સાધારણ ઘરમાંથી લાવવા માંગું છું.મોટા બે ય દીકરાને આ જ રીતે પરણાવ્યા છે હવે સહુથી નાનો અને છેલ્લો દીકરો પણ આ જ રીતે પરણાવવો છે. બોલો તમારે વાત હાંકવાની. આપણે બહુ પરિચય નથી તમારો પણ તોય તમારે એમ કહેવાનું કે મારા ધ્યાનમાં તમારી દીકરી હતી અને હું વાત ચલાવું છું કારણકે આપણા સમાજમાં જ્યાં સુધી કોઈ જાણીતી વ્યક્તિ વાતચીત ના ચલાવે ત્યાં સુધી સંબંધ લગભગ થતો નથી. કોઈ સાવ અજાણ્યો માણસ કયારેય પણ કોઈના ઘરે જઈને દીકરીનો હાથ માંગી શકતો નથી” જેડી એ ડી એમ યાની કે દેવજી માવજી યાની કે દેવલાને વાત કરી.

“ ઓકે પણ એ ગામમાં પણ સાધારણ કુટુંબની બીજી ઘણી બધી દીકરીઓ છે.એના કરતા ઘર પણ સારું તમે કહેતા હો તો બચું ભાયા ને વાત કરી જોવ, ગોબર વાલજીને પણ બે દીકરી વરાવાની છે. ચંદુ ધરમશીને ત્યાં પણ એકદમ રૂપાળી દીકરી છે. મગન કેશવને ત્યાં તો સહુને આંટી મારે એવી છોકરી છે. દેવલો પતા ખોલતો હતો.

image source – .ytimg.com

“ આ જેડી ને સલાહની જરૂર નથી, સહકારની જરૂર છે. બોલો આપશો. તમારાથી આ કામ ન થઇ શકે એમ હોય તો હું પ્લાન બી અમલમાં મુકું. બોલો તમે ખખડીને કહી દો, પછી વાતનું વતેસર થાય એ મને જરાય નહિ પોસાય. તમારાથી થાય એમ હોય તો કહો ના થાય એમ હોય તો ચોખ્ખી ના પાડી દો. આ તો તમારોય સમય બગડે છે અને મારો ય સમય બગડે છે.જેડી ને સમય બગડે એ ન પાલવે” અને દેવલા એ તરત જ હા પાડી દીધી. જેડી ને નારાજ કરવાનો એને લેશ માત્ર ઈરાદો નહોતો. આવા મોટા માણસને કામ આવવું એ તેનું સૌભાગ્ય સમજતો હતો અને દેવલા એ નક્કી કરી લીધું કે ગમે તે થાય જેડીના મોટા દીકરા ગૌતમ સાથે અંજુનો એ સંબંધ કરાવીને જ રહેશે..!!

અને પછીના શનિવારે વશરામભગતની વાડીયે સુરતથી ચાર ચાર ચાર બંગડી વાળી ગાડીઓ આવી. દેવલાએ અગાઉથી બધી જ તૈયારી કરી દીધી હતી. અંજુને કહી દીધું હતું કે તું બાજુના ગામમાં જઈને બરાબર તૈયાર થઈને રહેજે. પણ અંજુએ ઘસીને ના પાડી દીધી હતી અને કહ્યું.

“ હું રોજની રીતે જ તૈયાર થઈશ. ભગવાને જેવો વાન આપ્યો છે એવો જ વાન દુનિયાને બતાવાય એની સાથે ખોટી છેડછાડ નહિ કરવાની. ખોટું વધારે આશા અને અપેક્ષા જન્માવે છે.અને પરિણામે બે ય પક્ષે અસંતોષ થાય અને આવો અસંતોષ કાયમી કકળાટનું ઘર બને છે. એક તો દેવલાને જેડીની વાતમાં સમાજ નહોતી પડતી અને હવે આ અંજુની વાતમાં સમજ ન પડી એ માથું ખંજવાળતો રહ્યો. ચા પાણી અંજુએ બધા મહેમાનોને આપ્યાં. વાડીની સ્થિતિ જોઇને જેડીએ હાશકારો અનુભવ્યો. પાંચેક લીંબુડીના ઝાડ હતા ત્યાં બધાં ખાટલા ઢાળી ઢાળીને બેઠાં. ગામમાંથી આઠેક જગ્યાએ ચા પાણી પીવા માટેનો જબરદસ્ત આગ્રહ થયો. વશરામભગતનો વહેવાર ગામમાં સારો હતો.મહેમાનો બધા ચા પાણી પીવા ગયા.ગૌતમ અને અંજુની મુલાકાત ગોઠવવામાં આવી.

image source : blogspot.com

“હું ગામડામાં રહેલી છું.શહેરનું વાતાવરણ અપનાવવામાં સંભવ છે કે થોડી વાર પણ લાગે અથવા અમુક બાબતો કાયમ ગળે ન પણ ઉતરે એવું પણ બને” અંજુએ ગૌતમને કહ્યું.

“સમય બધું જ શીખવાડી દે છે. મારું કુંટુંબ શહેરમાં રહે છે એટલું જ બાકી ગામડું અમારી નસેનસમાં વ્યાપેલું છે” ગૌતમે જવાબ આપ્યો.
“ખબર છે દીકરી બધું જ સાંભળી લે પણ જયારે એના માં બાપ અને ભાઈઓ વિષે સંભળાવાવમાં આવે ને ત્યારે કોઈ પણ દીકરી હોય એને ઊંડો આઘાત લાગે છે. કારણ કે એ બધું જ છોડીને આવી હોય છે.” અંજુએ ગૌતમની આંખમાં આંખ નાંખીને વાત કરી.

“ખાતરી આપું છું કે એવું બનશે જ નહિ.અમારું કુટુંબ આવનાર વહુની સંભાળ રાખે છે એને કશું જ સંભળાવવામાં આવતું નથી. મારી બને ભાભીને પૂછીને ખાતરી કરી લેવાની છૂટ છે”

“મારે ઘણું બધું શીખવું પડશે સહકાર તો આપશોને?? સાંભળ્યું છે કે શહેરમાં કોઈની પાસે સમય નથી હોતો અને ખાસ કરીને સુરતમાં!! રાતે બે બે વાગ્યા સુધી બધા આડા અવળા રખડ્યા કરે છે.મને તો દસ વાગ્યે જ ઊંઘ આવી જાય છે.સવારમાં હું પાંચ વાગ્યે તો જાગી જાવ છું” અંજુ એક એક વસ્તુનો તાગ લેવાની કોશિશ કરતી હતી. સામે ગૌતમ પણ યોગ્ય ઉતર વાળતો હતો.

પૂછપરછની પ્રક્રિયા પૂરી થઇ, અંજુ અને ગૌતમને આ સંબંધ મંજુર હતો. રૂપિયો નાળીયેર અપાયું. નર્મદાબેન અંજુના થનાર સાસુ પલ્લવીબેનને બાજુમાં એક ઝાડ નીચે લઇ ગયા અને કીધું.

“ભગવાનનો આભાર માનું છું કે દીકરી સારા ઠેકાણે જાય છે. એ ગામડાની છે કોઈ કચાશ રહી જાય તો એને પ્રેમથી શીખવજો. ભૂલ હોય તો એને ખીજાશો તોય ગમશે.આજથી તમે જ એના સર્વેસર્વાં છો પલ્લવીબેન ખાતરી આપું છું કે મારા આપેલા સંસ્કારોમાં કોઈ જ ખામી નહિ હોય!!બસ એ જીવી જાય એવું કરજો” પલ્લવીબેને નર્મદાબેનનો હાથ હાથમાં લઈને સાંત્વના આપી.વશરામ ભગત અને જેડી બને વેવાઈઓ એક બીજાને ભેટી પડ્યા. દેવલો સહુથી વધુ ખુશ હતો એણે જેડી નું કામ કરી આપ્યું હતું.
બે મહિના પછી ધામધૂમથી લગ્ન લેવાયા.એ પહેલા જેડીએ ચોખવટ કરી દીધી હતી કે કરિયાવરમાં એ કશું જ નહિ લે. દીકરી જ સહુથી મોટો કરિયાવર છે. અને એ પ્રમાણે જ થયું. વશરામભગતને સાવ ઓછા ખર્ચમાં પ્રસંગ પતે એવું જ જેડીએ કર્યું. જેડીએ પોતાની પુત્ર વધુને બધું જ આપ્યું હતું. ગામ મોઢામાં આંગળા નાંખી ગયું અને લોકો વાતો કરતાં હતા કે અંજુ સારા ભાગ્ય લઈને આવી છે. રંગે ચંગે અંજુ અને ગૌતમના લગ્ન લેવાયા. લગ્ન બાદ અંજુ પિયર આવી પણ એકદમ ખુશ હતી.પોતાના સાસરિયાના વખાણ કરતાં એ થાકતી નહોતી.પોતાની સાસુ અને બને જેઠાણીઓના એ બે મોઢે વખાણ કરતી હતી. અઠવાડિયા પછી ગૌતમ એને તેડી ગયો. બનેનો સંસાર સુખરૂપ ચાલવા લાગ્યો.

ત્રણ માસ પછી દેવલાને જેડી મીની બજારમાં મળી ગયા અને ભેટી પડ્યા.પરાણે પોતાના ઘરે લઇ ગયા. ડી એમ ઉર્ફે દેવજીની બરાબર આગતા સ્વાગતા કરી. અને પછી ઉપરના માળે જેડી અને ડી એમ વાતે વળગ્યા.

image source : imimg.com

“શેઠ હવે તો કહો કે તમને કેમ ખબર પડી કે અંજુ એ આ ઘરને લાયક હતી.તમે અને વશરામ ભગત એકબીજાને અગાઉ મળ્યાં હોય એમ તો લાગતું નથી. વશરામ ભગતના બીજા કોઈ સંબંધી એ કદાચ તમને વાત કરી હોય તો તમે આ સંબંધમાં એને વચ્ચે નાંખો.તમે એમ પણ ના કર્યું અને મને જ કેમ મોરીયાત કર્યો મને સાલું હજુ એ સમજાતું નથી.પણ એક વાત નક્કી તમે માણસ પારખું તો છો જ એમાં શંકાને કોઈ સ્થાન નથી” ડી એમ બોલ્યો.
“ નિર્જીવ હીરા હાથમાં આવે ત્યાં જ હું એને પારખતો હોવ તો સજીવને તો પારખી જ શકુને?? અજાણી ખાણના પથ્થરને જો ઓળખી શકતો હોવ તો કાઠીયાવાડી ખમીરને તો હું ઓળખી જ શકુને!! હવે તમારા પેટમાં જે ડચૂરો ભરાયો છે એ કાઢવો જ પડશે. તમે મો બંધ રાખીને જે રીતે આ કાર્ય પાર પાડ્યું છે એવી રીતે જ અત્યારે જે વાત કરું છું એ પણ પેટમાં જ રાખજો” કહીને જેડી એ વાત શરુ કરી.

“આજથી લગભગ ચૌદેક વરસ પહેલાની વાત છે. હું સુરત થી મારા દેશમાં આવતો હતો હું અને મારા ઘરના બે જ કારમાં હતા. તમારા ગામ પાસેથી જ નીકળ્યો હતો. વરસાદ સવારથી જ શરુ હતો. રાતના આઠેક વાગી ગયા હતાં. વશરામ ભગતની વાડીની આગળ જ એક વોંકળો બે કાંઠે જતો હતો.ગાડી આગળ જઈ શકે તેમ નહોતી. હવે હું ગાડી પાછી વાળીને ફરીને જવા માંગતો હતો.વીસેક કિલોમીટર ફેરાવો લઈને હું આગળ જઈ શકે તેમ નહોતો.હાથમાં બતી લઈને વશરામ ભગત મારી કાર પાસે આવ્યા.વરસાદ શરુ હતો. પરાણે એ મને વાડીએ લઇ ગયા. એમની પત્ની બીમાર હશે એ વખતે ત્યારે અંજુ લગભગ દસ વરસની હશે.અંજુએ આદુ નાંખીને ચા બનાવ્યો. અમે એ નાનકડી છોકરીની આવડત પર ખુશ થઇ ગયા. અમે તો જવા તૈયાર જ થયા હતા પણ વશરામભગત ના આગ્રહથી રોકાઈ ગયા. અંજુએ બાજરાના રોટલા અને સરગવાની કઢી બનાવી અને સાથે દૂધ અને ગોળ કેરીનું અથાણું. વરસાદને કારણે ભૂખ પણ ખુબ લાગેલી એટલે હું અને મારી ઘરવાળી બે બે રોટલા ઝાપટી ગયા.

વશરામ ભગત પણ અમારી સાથે જમ્યા. વળી એ ગામમાં બે દિવસથી વરસાદ હતો. દળવાની ઘંટી બંધ હતી. બાજરાનો જે લોટ હતો એ વપરાઈ ગયો હતો. મારા ઘરના અંદરના ઓરડામાં સુતા હતા. અમે બહાર.રાતે મારા ઘરનાએ નર્મદા બહેન અને અંજુની વાત સાંભળી લીધી હતી.અંજુ એ રાતે ભૂખી રહી હતી! અમને આગ્રહ કરીને એ દસ વરસની દીકરીએ આતિથ્ય ભાવના નિભાવી હતી.આ વાતની જાણ મારા ઘરનાએ બીજે દિવસે મને કરી હતી. વળી બીજે દિવસે અમે સવારમાં સાત વાગ્યે જાગ્યા તો એ દીકરી ગામમાંથી ચણાનો લોટ પલળતી પલળતી લઇ આવી અને સરસ મજાના ડુંગળી અને લસણ નાંખીને પુડલા કર્યા હતા. એક તો ટાઢોડું અને એમાં પુડલા મારા બહુ જ વહાલા એટલે હું મંડ્યો પુડલા ઝાપટવા. પણ ત્રણ પુડલા ખાધા પછી મારી પત્નીએ મારી સામે ડોળા કાઢ્યા. મેં ખાવાનું અટકાવી દીધું. ચા પી ને અમે કાર લઈને નીકળ્યા. રસ્તામાં મારી પત્ની મને ખીજાણી અને કહ્યું. એ દીકરી રાતની ભૂખી હતી. એક રોટલો વધ્યો હતો રાતે એ એની બીમાર માને ખવરાવી દીધો. અને સવારમાં તમે પુડલા ઉપર પુડલા ઝાપટવા માંડ્યા. કોઈની ઘરે ખાવા જાવ છો કે ખાતર પાડવા.પરિસ્થિતિનો તો ખ્યાલ રખાયને!! એ દસ વરસની છોડીમાં જ એ ઠરેલ પણું છે એ જોઇને હું છક થઇ ગયો. એ વખતે મારું કોઈ નામ નહિ થયેલું અને લોકો મને એટલા બધા ઓળખતા પણ નહિ!! પણ આ દીકરી મગજમાં વસી ગયેલ!! જ્યારે જયારે હું બાજરાનો રોટલો જોઉને ત્યારે મને અંજુ યાદ આવતી અને મનમાં થતું કે ભગવાન કરે ને આ દીકરી મારા ઘરે મારા ગૌતમની પત્ની બનીને આવે તો સોનામાં સુગંધ ભળે. જે દીકરી ઘરે આવેલ મહેમાનોને પેટ ભરીને જમાડે એ દીકરી જ્યાં સાસરીયે જાય ત્યાં દીપી ઉઠે એ વાત સો ટકા સાચી છે!! હું લગભગ એકાદ વરસે આડા અવળી રીતે આ કુટુંબની ખબર અને સમાચાર લઇ જ લેતો. બસ અને છેલ્લે તમારા દ્વારા મારા મનની ઈચ્છા પૂરી કરી લીધી. બસ આ સિવાય અમારે કશી જ ઓળખાણ નહોતી. ચૌદ વરસ થઇ ગયા મારો ચહેરો એ ભૂલી ગયા પણ આજ સુધી હું એ સરગવાની કઢી અને રોટલો નથી ભૂલી શક્યો!! બસ યોગ્ય સમયની રાહ જોતો હતો અને એ સમય તમારા દ્વારા આવી ગયો અને આજે અંજુ મારા ઘરની પુત્રવધુ છે અને ડીએમ હું તમારો આજીવન ઋણી છું. અને તમે નહિ માનો ડી એમ કે આજે પણ મારા ઘરે અઠવાડિયામાં ચાર વાર સાંજે બાજરાના રોટલા અને કઢી બને છે અને એ પણ અંજુ વહુના હાથની જ” કહેતા કહેતા જેડી લાગણીશીલ બની ગયા. થોડી વાર અટકીને પછી જેડી બોલ્યાં.
“ લોકડાયરામાં ઘણી વાર મેં એક વાત સાંભળેલી કે ઘરે કોઈ મહેમાન આવે ને તમે એને જમાડો એ માણસ જાતની પ્રકૃતિ છે. પણ તમે ભૂખ્યા રહીને બીજાને જમાડોને એ મારા સાહેબ આ દેશની સંસ્કૃતિ છે. અને આ સંસ્કૃતિ જાણે અજાણે આવી અંજુઓના હાથે પેઢી દર પેઢીપર્યંત જીવતી રહે છે.” જેડી એ વાત પૂરી કરી. દેવલાને રહસ્ય પકડાઈ ગયું હતું. સાવ અજાણ્યા માણસોને નિસ્વાર્થભાવે જમાડવાનું કર્મ આવડું મોટું ફળ આપશે એ ખબર નહોતી વશરામભગતને કે નહોતી અંજુને!!

લેખક:- મુકેશ સોજીત્રા
૪૨, “હાશ”, શિવમ પાર્ક સોસાયટી,સ્ટેશન રોડ,
મુ.પો ઢસા ગામ તા.ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks