થોડા સમય પહેલા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જૂનાગઢની અંદર રોપ-વે સેવાનું ઈ-લોકાર્પણ કર્યું હતું. રોપ-વે સેવા શરૂ થયા બાદ ઘણા લોકો જૂનાગઢ ખાસ રોપ-વે દ્વારા દર્શન કરવા માટે ગયા હતા, અને દિવાળી સમયમાં ખુબ જ મોટી ભીડ પણ જામી હતી. પરંતુ એ બધા વચ્ચે જ રોપ-વે સર્વિસને રોકી દેવાની ફરજ પડી ગઈ હતી.

રોપ-વેને રોકી દેવાનું કારણ જૂનાગઢમાં ફૂંકાતો પવન હતો. આ અગાઉ જ્યારે તેનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું ત્યારે દાવો કરવામાં આવ્યો હતો કે 180 કી.મી.ની ઝડપે ફૂંકાતા પવનની પણ રોપ-વે ઉપર કોઈ અસર નહીં થાય પરંતુ માત્ર 45-60 કી.મી.ની ઝડપે ફુંકાતા પવનના કારણે રોપ-વેને સવા કલાક સુધી રોકી દેવામાં આવી હતી.

જો કે, પવની ગતિ ફરીથી ધીમી પડવાના કારણે સવારે 8:00ની બદલે 9:30 કલાકે ધીમી ગતિએ રોપ-વે સુવિધા શરૂ કરી દેવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે દિવાળીની રજાઓના સમયમાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં જૂનાગઢ ફરવા માટે પહોંચ્યા હતા. અને અચાનક રોપ-વે બંધ થઇ જતા તે પણ મુશ્કેલીમાં મુકાયા હતા, તેમજ અગાઉ કરવામાં આવેલા 180 કી.મી. પવન ફૂંકાવા છતાં રોપ-વેને કોઈ અસર નહીં થાય એ દાવા સામે પણ સવાલો ઉભા થયા છે.