લઠ્ઠાકાંડ: રોજિદમાં થયા લાશોના ઢગલા, એકસાથે નીકળી એટલી બધી અર્થીઓ કે દહેલી ઉઠી ધરતી, ચિતા ખૂટી તો જમીન પર કર્યા અંતિમ સંસ્કાર

હાલ તો ગુજરાતમાં લઠ્ઠાકાંડથી હાહાકાર મચી ગયો છે. બોટાદના બરવાળાનું રોજિદ ગામ મુખ્ય સેન્ટર હતું. જેટલા લોકોના મોત થયા છે તેમાં સૌથી વધુ બરવાળાના હોવાથી અહીં ચારેતરફ ખૂબ જ ભયાનક માહોલ જોવા મળી રહ્યો છે. ઝેરી દારૂ પીવાને કારણે ગઇકાલથી અત્યાર સુધીમાં 24 જેટલા લોકોના તો મોત થઇ ચૂક્યા છે અને 30થી પણ વધુ હોસ્પિટલમાં દાખલ છે. જેમાંથી કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. સોમવારના રોજ બનેલી આ ઘટનાથી આખુ ગુજરાત સ્તબ્ધ છે.

લઠ્ઠાકાંડના જયેશ નામના મુખ્ય આરોપીની પીપળજથી ધરપકડ પણ કરવામાં આવી છે. 600 લીટર જેટલું કેમિકલ આરોપીએ પૂરું પાડ્યું હતું. AMOS કેમિકલ કંપનીમાંથી મેથિનોલ લવાયુ હતુ. ATS,ક્રાઈમ બ્રાંચની ટીમ કંપની સુધી પહોંચી છે.બરવાળાના મૃતકોને આજે અગ્નિદાહ આપવામાં આવ્યો હતો અને આ દરમિયાન એકસાથે આટલા લોકોના અંતિમ સંસ્કારથી ધરતી પણ દહેલી ઉઠી હતી. આજે વહેલી સવારથી જ એકસાથે 5-5 મૃતદેહોની ટ્રેક્ટરમાં અંતિમયાત્રા નીકળી રહી છે. જે દ્રશ્ય ખરેખર દર્દનાક છે.

તસવીર સૌજન્ય : ન્યુઝ18

મહિલા અને બાળકોના કરુણ આક્રંદથી આખું ગામ દ્રવી ઉઠ્યું હતું. 24 મૃતકોમાંથી 15 લોકો બરવાળા અને 9 લોકો ધંધૂકાના રહેવાસી હોવાનું સામે આવ્યુ છે. હાલમાં બરવાળા પોલીસે 14 બૂટલેગરો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. નાનકડા એવા રોજીદમાં ચિતા પણ ખૂટી પડી હતી અને તેને કારણે જમીન પર જ અંતિમ સંસ્કાર કરવા પડ્યા હતા. હજી તો બીજા મૃતદેહોને હોસ્પિટલમાંથી લાવવાના બાકી છે અને તે બાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી 24 લોકો મોતને ભેટ્યા છે અને રોજિદ ગામમાં મોતનો આંકડો 9 પહોંચ્યો છે. ગામના સ્મશાનમાં માત્ર બે જ ચિતા છે અને તેને કારણે કેટલાકની અંતિમ વિધિ જમીન પર કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, કેટલાક દર્દીઓને ગંભીર હાલતમાં ભાવનગરની સર ટી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત બીજા કેટલાકને બોટાદ ખાતે ખસેડવામાં આવ્યા છે.

પોલિસે આ બનાવને પગલે દારૂ બનાવનારા અને દારૂ વેચનારાની તાત્કાલિક ધરપકડ હાથ ધરી હતી. જો કે આ સમગ્ર ઘટનાને પગલે DYSPની અધ્યક્ષતામાં SITની પણ રચના કરવામાં આવી છે, જે તપાસ કરી સરકારને રીપોર્ટ સોંપશે.એવું કહેવામાં આવી રહ્યુ છે કે, આ પહેલા રોજિદના ગ્રામજનોએ પંચાયતને પત્ર લખી ગામમાં દારૂબંધી કરાવવા માટે રજૂઆત પણ કરી હતી.

Shah Jina