સિક્યુરિટીને ચકમો આપીને મેદાનમાં ઘુસી આવ્યો રોહિત શર્માનો ચાહક, મેદાનની વચ્ચે જ પગમાં પડી ગયો, જુઓ વીડિયો

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટી-20 સિરીઝની બીજી મેચ ગઈકાલે રાંચીના જેએસસીએ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચની અંદર ભારતીય ટીમે શાનદાર બોલિંગ કરતા ન્યુઝીલેન્ડની ટીમને છ વિકેટ ઉપર 153 રન ઉપર જ રોકી દીધી. જવાબમાં ભારતની ટીમે પણ 17.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને જીત મેળવી લીધી. ભારત બંને ટી-20 મેચ જીતી ગયું છે.

ત્યારે આ દરમિયાન મેદાન ઉપર એક અલગ જ દૃશ્ય જોવા મળ્યું હતું. ન્યુઝીલેન્ડના બેટિંગ સમયે સુરક્ષામાં ચૂક થતી જોવા મળી અને મેદાનની વચ્ચે દોડીને ઘુસી ગયો. એટલું જ નહીં તે સીધો જઈને ફિલ્ડિંગ કરી રહેલા કપ્તાન રોહિત શર્માના પગમાં પડી ગયો. આ દરમિયાન સુરક્ષા કર્મીઓ પણ મેદાનમાં દોડ્યા પરંતુ તે દર્શક તેમને પણ ચકમો આપીને તેમની વચ્ચેથી નીકળી ગયો.

જો કે દર્શકે જેવો જ પેવેલિયનમાં પ્રવેશ કર્યો ત્યારે જ સુરક્ષાકર્મીઓએ તેને પકડી લીધો. મેચની વચ્ચે જે પ્રકારે સુરક્ષાને અંગુઠો બતાવીને દર્શક મેદાનમાં ઘુસી આવ્યો તેના બાદ સુરક્ષાને લઈને પણ ઘણા સવાલ ઉભા થઇ રહ્યા છે. દર્શક જે પેવેલિયનમાંથી મેદાનમાં ઘુસ્યો તે વીવીઆઈપી માટે રિઝર્વ હતું.  તે જગ્યાએ કોઈને પ્રવેશ માટેની અનુમતિ નથી. પરંતુ તે જ જગ્યાએથી દર્શક સિક્યુરિટીને ચકમો આપીને મેદાનમાં પહોંચી ગયો.


તમને જણાવી દઈએ કે રોહિત શર્માએ ટોસ જીત્યા પછી બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જેમાં ન્યુઝીલેન્ડની ટીમે ભારતને જીતવા માટે 154 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તેના જવાબમાં રોહિત-રાહુલે 117 રનની મેચ વિનિંગ ઓપનિંગ પાર્ટનરશિપ નોંધાવી હતી. જેમાં રોહિતે 36 બોલમાં 5 છગ્ગા અને 1 ચોગ્ગાની મદદથી 55 રન કર્યા હતા, તો બીજી તરફ રાહુલે 49 બોલમાં 65 રનની ઈનિંગ રમી હતી.

Niraj Patel