મુંબઈમાં ગલી ક્રિકેટ રમતો જોવા મળ્યો રોહિત શર્મા, છગ્ગો મારવાના ચક્કરમાં થઇ ગયો આઉટ, જુઓ વીડિયો

ભારતીય ટીમ આગામી થોડા દિવસોમાં ઈંગ્લેન્ડ પ્રવાસ માટે રવાના થવા જઈ રહી છે. જ્યાં તેણે 3 T20 અને ODI શ્રેણી રમવાની છે. ભારતીય ટીમ ગ્રુપ 2માં ઈંગ્લેન્ડ જવા રવાના થશે. પહેલું જૂથ 16 જૂન પછી અને બીજું 19 જૂને ઉડાન ભરશે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા પણ પહેલા ગ્રુપ સાથે ઈંગ્લેન્ડ જવા રવાના થઈ શકે છે.

રોહિતને દક્ષિણ આફ્રિકા સામેની 5 મેચની ઘરેલુ T20 શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે અને આ દરમિયાન તે મુંબઈમાં ગલી ક્રિકેટ રમતા જોવા મળ્યો હતો. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે વરલીના રોડ પર સ્થાનિક લોકો સાથે ગલી ક્રિકેટ રમતા જોવા મળી રહ્યા છે. જો કે રોહિત અહીં પણ શોટ રમવાના ચક્કરમાં કેચ આઉટ થતો જણાય છે.

રોહિતના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા ચાર્ટર્ડને બદલે કોમર્શિયલ ફ્લાઈટથી લંડન જશે. BCCIએ ખેલાડીઓને 15 જૂન સુધીમાં મુંબઈમાં એસેમ્બલ થવા માટે કહ્યું છે. આ ઉપરાંત બીજું જૂથ મુંબઈને બદલે બેંગ્લોરથી રવાના થશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 5 T20 મેચોની શ્રેણીની છેલ્લી મેચ બેંગ્લોરમાં રમાશે અને ત્યારબાદ અહીંથી ટીમ પોતાના આગામી પડકાર માટે રવાના થશે.

રોહિત ઉપરાંત વિરાટ કોહલીને પણ દક્ષિણ આફ્રિકા સામેની ઘરેલુ T20 શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે. રોહિત અને કોહલીની ગેરહાજરીમાં રિષભ પંત ટીમની આગેવાની કરી રહ્યો છે. કેએલ રાહુલ સિરીઝની શરૂઆત પહેલા જ ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. પંતના નેતૃત્વમાં ભારત તેની શરૂઆતની બંને મેચ હારી ચૂક્યું છે. ટીમને રોહિત અને કોહલીની ખોટ લાગી રહી છે. છેલ્લી બે મેચમાં પંતના ઘણા નિર્ણયો પર સવાલો ઉઠ્યા હતા અને હવે તેની કેપ્ટનશિપ પર પણ સવાલો ઉભા થયા છે. જો કે ગઈકાલે ભારતીય ટીમે ત્રીજી મેચમાં જીત મેળવી હતી.

Niraj Patel