વડોદરામાં ભગવાન જગન્નાથની નીકળી અનોખી રથયાત્રા, વિજ્ઞાન અને પરંપરાનો જોવા મળ્યો અદભુત સમન્વય, જુઓ વીડિયો

ગઇકાલે અષાઢી બીજના પાવન દિવસે ઠેર ઠેર ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઈ હતી, જેમાં લાખો શ્રદ્ધાળુઓ પણ જોડાયા હતા. દેશના વિભિન્ન ક્ષેત્રોમાં આ રથયાત્રાના આયોજનો થયા હતા. જ્યાં ઘણી જગ્યાએ હાથી ઘોડા ઉપર વાજતે ગાજતે રથયાત્રા નીકળી હતી. ત્યાં વડોદરામાં પણ એક અનોખી રથયાત્રાના દર્શન થતા જોવા મળ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

વડોદરામાં જય મકવાણાએ ભગવાન જગન્નાથને એક નવીન ‘રોબોટિક’ રથયાત્રા યોજીને  તેને વિજ્ઞાન અને પરંપરાઓનું મિશ્રણ ગણાવ્યું. મીડિયા સાથે વાત કરતા જય મકવાણાએ કહ્યું, “આ આધુનિક રોબોટ દ્વારા રથયાત્રા ઉત્સવની ઉજવણી છે જેમાં ભગવાન રોબોટ રથ પર ભક્તો સમક્ષ દેખાય છે.”

ન્યુઝ એજન્સી ANI દ્વારા આ રોબોટિક રથયાત્રાની ઉજવણીનો એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે. જેમાં ભગવાન જગન્નાથ રોબોટિક રથ ઉપર સવાર થયેલા જોવા મળે છે અને ભક્તો તેમના ઉપર ફૂલોનો વરસાદ કરી રહ્યા છે, તેમજ રીમોર્ટથી આ રથને આગળ ધપાવવામાં આવી રહ્યો છે, રસ્તા ઉપર પણ ફૂલોનો વરસાદ કરેલો જોવા મળી રહ્યો છે.


સોશિયલ મીડિયામાં આ અનોખી રથયાત્રાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને અત્યાર સુધીમાં લાખો લોકોએ જોયો છે. તમને જણાવી દઈએ કે ગઈકાલે 1 જુલાઈના રોજ દેશના વિવિધ ક્ષેત્રોમાં ભવ્ય રથયાત્રાના આયોજનો કરવામાં આવ્યા હતા. અમદાવાદમાં પણ ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા વાજતે ગાજતે નીકળી અને સંપન્ન થઇ.

Niraj Patel