PM મોદીની માતાના 100માં જન્મ દિવસે નિમીત્તે ગાંધીનગરના મેયર કરી બેઠા હતા આ ભૂલ, હીરાબાના નામથી માર્ગ બનાવવાની જાહેરાત કરી અને પછી…

આજે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાનો 100મો જન્મ દિવસ છે. આજના દિવસે પીએમ મોદી વહેલી સવારે જ માતાને મળવા માટે ગાંધીનગરમાં તેમના ભાઈ પંકજ મોદીના ઘરે આવી પહોંચ્યા હતા અને માતાના ચરણ ધોઈને તેમના આશીર્વાદ લઇ ભગવાન મંદિર સામે બેસી અને તેમના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન માટે પ્રભુ પાસે પ્રાર્થના કરી હતી. જેના બાદ પીએમ મોદી પાવાગઢ જવા રવાના થયા હતા.

હીરાબાના 100માં જન્મ દિવસને ખાસ બનાવવા માટે આજે કેટલાક ખાસ આયોજનો કરવામાં આવ્યા છે. આજે પીએમ મોદીના પરિવારજનો માતા હીરાબા સાથે જગન્નાથ મંદિર પહોંચ્યા છે અને ત્યાં તેમના દીર્ઘાયુ માટે વિશેષ પ્રાર્થના બાદ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. હીરાબાને દેશભરમાંથી જન્મ દિવસ માટે શુભકામનાઓ મળી રહી છે.

ત્યારે આ દરમિયાન ગાંધીનગર મહાનગર પાલિકાના મેયરે ગત રોજ રાયસણ ગામના એક 80 મીટરના રસ્તાને “પૂજ્ય હીરાબા” માર્ગ આપવાની જાહેરાત કરી દીધી હતી. પરંતુ આ દરમિયાન તેમની એક મોટી ભૂલ થઇ ગઈ હતી અને તેના કારણે હવે આ રોડનું નામ “પૂજ્ય હીરાબા માર્ગ” રાખવાનું મોકૂફ રાખવામાં આવ્યું છે.

મીડિયા રિપોર્ટ અનુસાર ગાંધીનગર મનપાના મેયર ઉત્સાહમાં આવીને એ વાત ભૂલી ગયા હતા કે રસ્તાઓના નામ પાડવાની સત્તા ગાંધીનગર મહાનગરપાલિકા પાસે છે જ નહીં અને બીજું એ પણ કે જે રસ્તાનું નામ હીરાબાના નામ ઉપર રાખવાની જાહેરાત કરી તે ગાંધીનગર મનપાની હદમાં આવતો પણ નથી. જ્યારે ગાંધીનગરને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો ત્યારે સ્પષ્ટ ઉલ્લેખ કરાયો હતો કે, જમીનની માલિકી સરકારના હસ્તક રહેશે, અને એટલે મનપા પાસે જમીનની માલિકી નથી.

શહેરમાં મુખ્ય રસ્તાઓ હાલ પણ પાટનગર યોજના વિભાગ હસ્તક છે. જ્યારે આંતરિક માર્ગો મનપાને માત્ર જાળવણી માટે જ સોંપાયા છે. જેના કારણે રોડના નામ પાડવાની સત્તા ગાંધીનગર મહાનગર પાલિકામાં નથી આવતી. તમને જણાવી દઈએ કે બે દિવસ પહેલા જ ગાંધીનગરના મેયર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ગાંધીનગરના રાયસણ પેટ્રોલ પંપથી 80 મીટરના રોડને ‘પૂજ્ય હીરાબા માર્ગ’ નામ આપવામાં આવશે.

Niraj Patel