ખબર

હજીરા-ઘોઘા વચ્ચે શરૂ થયેલી રો-પેક્સમાં ખર્ચ વધુ પણ સમયની ભરપૂર બચત, જાણી લો મુસાફરી ખર્ચ કેટલો છે

ગુજરાત માટે છેલ્લા બે મહિના ખુબ જ ફાયદાકારક રહ્યા, કેવડિયા કોલોનીમાં કેટલાય પ્રોજેક્ટનું લોકાપર્ણ, સી-પ્લેનનું લોકાર્પણ, જૂનાગઢ રોપ-વેનું લોકાર્પણ અને હવે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી હજીરા-ઘોઘા રો-પેક્સ સેવાનો પ્રારંભ કરાવ્યો. જેના કારણે ઘોઘા અને હજીરા વચ્ચેનું અંતર સાવ ઘટી ગયું. આ લોકાપર્ણ પ્રસંગે વડાપ્રધાને જણાવ્યું હતું કે, “દિવાળી અવસરે ગુજરાતના લોકોને તહેવારનો ઉપહાર છે. સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના લોકોનું વર્ષો જૂનું સપનું સાકાર કર્યું છે.”

Image Source

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચેનું અંતર તો સાવ ઓછું થઇ ગયું પરંતુ હાલમાં ચર્ચા એ વાતની છે કે મુસાફરી ખર્ચ પહેલા કરતા પણ વધારે થઇ ગયો છે.  જો કે આ મુસાફરીમાં સમયની ભરપૂર બચત થવાની છે, સાથે સાથે બીજી સુવિધાઓનો પણ આનંદ માણી શકાશે.

Image Source

રો-પેક્સ ફેરી દ્વારા સમયની ઘણી જ મોટી બચત થશે, તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચેનું અંતર પણ નજીવું બની જશે. આ બંને સ્થળો વચ્ચે 370 કિલોમીટરનું અંતર ફક્ત 60 કિલોમીટરનું બની જશે, સાથે જો સમયની વાત કરવામાં આવે તો અંદાજે જે 12 કલાક જેટલો ટ્રાવેલિંગનો સમય હતો તે હવે માત્ર 4 કલાકનો બનીને રહી જશે.

Image Source

જો ખર્ચની વાત કરવામાં આવે તો રો-પેક્સ ફેરીમાં મુસાફરી ખર્ચ (જનરલ, એક્ઝિક્યુટિવ,લૉન્જ ક્લાસ) રૂ. 525થી 1500, સુધીનો છે, જો તમે સાથે મોટર સાયકલ લઈને જાવ તો તો તેના માટે તમારે પ્રતિ મોટરસાઈકલ રૂ. 350 વધારાના ચૂકવવાના રહેશે. એવી જ રીતે કાર માટે પ્રતિ કાર રૂ. 1200થી 1350 ચાર્જ છે, ટેમ્પો માટે રૂ. 4000, બસ રૂ. 5000, ટ્રક રૂ. 7500થી 15000 સુધીનો ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે.

Image Source

આ ઉપરાંત જો તમે રો-પેક્સ ફેરીની અંદર જવા માંગતા હોય તો બીજા પણ કેટલાક ખાસ નિયમોનું તમારે ધ્યાન રાખવું પડશે. જેમ કે ફેરી ઉપડવાના સમય કરતા બુકિંગ એક કલાક પહેલાં બંધ થઈ જશે. બોર્ડિંગ-ચેક ઈન ફેરી ઉપડવાના સમયથી 30 મિનિટ વહેલું થઈ જશે. કોઈ પણ ટિકિટ ઓટોમેટિક રદ નહીં ગણાય અને રિફંડ નહીં મળે. અડધી ટિકિટ 2 થી 12 વર્ષના બાળકો માટે લેવાની રહેશે. આઇડી પ્રૂફ પણ તમામ મુસાફરોએ ફોટો આઈડી સાથે રાખવું પડશે. ફેરી કે ટર્મિનલ પ્રિમાઈસીસમાં ધુમ્રપાન, તમાકુનું સેવન ગેરકાયદે ગણાશે અને તેનો ભંગ કરનારા પાસેથી રૂ. 2500 દંડ વસૂલાશે.

Image Source

સલામતી માટે તમામ મુસાફરોએ આખા પ્રવાસમાં ટિકિટ કાઉન્ટર પરથી અપાયેલો રિસ્ટ બેન્ડ પહેરવો પડશે. એવું ન કરવા બદલ પણ રૂ. 500 દંડ કરવામાં આવશે.જો રો-પેક્સ ફેરીની ક્ષમતાની વાત કરવામાં આવે તો તેની અંદર 500 મુસાફરો, 500 કાર, 300 મોટરસાઈકલ, 30 ટ્રક, 7 નાના ટ્રક આવી શકે છે.