રાજકોટમાં ઈન્કેમટેક્સ વિભાગની મોટી કાર્યવાહી, RK ગ્રુપના સીઝ કરાયેલા 25 બેંક લોકર ખોલવાની કાર્યવાહી હાથ ધરી, એક જ લોકરમાંથી અધધધ કરોડ મળ્યા

રાજકોટની અંદર ઈન્કેમટેક્સ વિભાગ દ્વારા હાલ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે અઠવાડિયા પહેલા જ શહેરના જાણીતા આરકે બિલ્ડર્સ અને ગંગદેવ ગ્રુપ સહિતના સહયોગી વ્યવસાયિકોના 40થી વધુ ઠેકાણાં પર આવકવેરા વિભાગની ટીમોએ દરોડા પાડીને કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો ઝડપી પાડ્યા હતા. જેમાં આરકે ગ્રુપમાં 25 જેટલા બેંક લોકર સીઝ કરી દીધા હતા જેને ખોલવાની હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર મીડિયાના સૂત્રો પ્રમાણે ગઈકાલે 150 ફૂટ રિંગ રોડ પર સહકારી બેંકની બ્રાંન્ચનું એક લોકર ખોલવામાં આવ્યું હતું, જેની અંદરથી 3 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા છે. આખુ લોકર રોકડ રૂપિયાથી ભરેલું જોવા મળ્યું હતું. જોકે રોકડ સિવાય અન્ય કંઈ મળ્યુ ન હતું. આ રોકડ નાણાં બિનહિસાબી છે કે કેમ તેની ચકાસણી માટે આવકવેરા વિભાગે તે જપ્ત કર્યા છે.

આ પહેલા 40 સ્થળોએ હાથ ધરાયેલા દરોડા ઓપરેશન દરમિયાન ઈન્કમ ટેક્સે 6.40 કરોડની રકમ જપ્ત કરી જ હતી. તેમાં વધુ 3 કરોડનો ઉમેરો થયો છે. આવકવેરા દ્વારા 25 જેટલા બેંક લોકરો સીલ કરવામાં આવ્યા હતા અને તેમાંથી રોકડ, ઝવેરાત તથા બિન હિસાબી વ્યવહારો દર્શાવતા દસ્તાવેજો મળી આવવાની આવકવેરા વિભાગને આશંકા હતી. જેના બાદ લોકરમાંથી 3 કરોડ રોકડ મળી આવતા આવક વેરાન અધિકરીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

દિવ્ય ભાસ્કરના અહેવાલ પ્રમાણે પ્રાથમિક તપાસમાં 300 કરોડથી વધુની કરચોરીની આશંકા જાહેર કરવામાં આવી હતી. 350 કરોડના રોકડ વ્યવહારોનો ખુલાસો કરવામાં આવ્યો હતો. એક કિસ્સામાં તો 154 કરોડની જમીન ખરીદીમાં 144 કરોડના રોકડ વ્યવહારો થયા હતા. તેનાથી અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા અને તેમાં ઝીણવટભરી ઊંડી તપાસ થવાના નિર્દેશ છે. ઈન્કમ ટેક્સ દ્વારા સમગ્ર દરોડા ઓપરેશન વખતથી જ તપાસમાં અત્યંત ચુપકીદી રાખવામાં આવી રહી છે.

Niraj Patel