બોલિવૂડ અભિનેતા ઋષિ કપૂરનું ગુરુવારે સવારે 5.20 વાગ્યે 67 વર્ષની ઉંમરમાં મુંબઇની એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં નિધન થયું. અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને તેમના નિધનની પુષ્ટિ કરી છે. ઋષિ લાંબા સમયથી કેન્સરથી પીડિત હતા અને તેને ચેસ્ટ ઇન્ફેક્શન, શ્વાસ લેવામાં તકલીફ અને તાવને કારણે બુધવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ઋષિ કપૂરની છેલ્લી તસ્વીર આ વર્ષે ફેબ્રુઆરીમાં ત્યારે સામે આવી હતી, જયારે દિલ્હીની હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ તેમની તબિયત ફરી એકવાર કથળી હતી. આ દરમિયાન ઋષિ કપૂરને તાકીદે મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તસ્વીરમાં ઋષિ કપૂર માસ્ક પહેરેલ જોવા મળી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વાયરલ તાવના કારણે બે દિવસ પહેલા તેમને દક્ષિણ મુંબઈની સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં દાખલ પપ્પાને જોવા રણબીર કપૂર માસ્ક પહેરીને ત્યાં પહોંચ્યો હતો.

જણાવી દઈએ કે ઋષિ કપૂર 5 ફેબ્રુઆરીએ દિલ્હીથી મુંબઈ પરત ફર્યા હતા અને બીજા જ દિવસે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. જણાવી દઇએ કે અગાઉ ઋષિ કપૂર તેની આગામી ફિલ્મ ‘શર્માજી નમકીન’ના શૂટિંગ માટે દિલ્હી ગયા હતા જ્યાં અચાનક તબિયત ખરાબ થવાને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ પહેલા ઋષિ કપૂરે ટ્વીટ કરીને હોસ્પિટલમાં દાખલ થવાનું કારણ જાહેર કર્યું હતું. ઋષિ કપૂરે લખ્યું હતું – ‘મારા સ્વાસ્થ્ય વિશે તમે લોકોએ જે ચિંતા વ્યક્ત કરી છે તેના માટે હું તમારો આભારી છું. હું છેલ્લા 18 દિવસથી દિલ્હીમાં શૂટિંગ કરી રહ્યો છું. અહીં મને પ્રદૂષણ અને ન્યુટ્રોફિલ્સના અભાવને કારણે ઇન્ફેક્શન થઇ ગયું હતું, જેના કારણે મારે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું.’

ઋષિ કપૂરે આગળ લખ્યું હતું – ‘આ સમય દરમિયાન મને હળવો તાવ હતો, જેના કારણે મને ન્યુમોનિયા થવાનો ભય હતો. લોકોએ મારા વિશે જુદું જ વિચારી લીધું હતું. મેં તે બધી વાર્તાઓને વિરામ આપી દીધો છે અને હું આગળ પણ તમારું મનોરંજન કરવા તૈયાર છું.’

અગાઉ ઋષિ કપૂરના દાખલ થવાને લઈને અનેક મીડિયા અહેવાલોમાં એમ કહેવામાં આવ્યુ હતું કે તેમની કેન્સરની બીમારી ફરીથી આવી છે, જેના કારણે તેઓ હોસ્પિટલમાં દાખલ છે.
જણાવી દઈએ કે ઋષિ કપૂર ન્યૂયોર્કમાં 11 મહિના સુધી કેન્સરની સારવાર બાદ સપ્ટેમ્બર 2019માં મુંબઈ પાછા ફર્યા હતા. આ સમય દરમિયાન તેની પત્ની નીતુ કપૂર તેની સાથે હતી.

ઋષિ કપૂરે ખુદ 10 સપ્ટેમ્બર 2019ના રોજ ટ્વીટ દ્વારા આ માહિતી આપી હતી કે તેઓ 11 મહિના અને 11 દિવસ પછી ઘરે પરત ફર્યા છે.
પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના…