ખેલ જગત

ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ જર્સી પર ખાખી ટેપ ચિપકાવી કેમ રમવા ઉતર્યો ઋષભ પંત ? આખરે થઇ ગયો ખુલાસો

ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની T20 ઈન્ટરનેશનલ સિરીઝમાં 2-0ની અજેય જીત મેળવી લીધી છે. બંને મેચમાં ટીમ ઈન્ડિયા માટે વિનિંગ શોટ વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે ફટકાર્યો હતો. બીજી T20 ઇન્ટરનેશનલ મેચ 19 નવેમ્બર એટલે કે શુક્રવારના રોજ રાંચીના JSCA ઇન્ટરનેશનલ સ્ટેડિયમ કોમ્પ્લેક્સમાં રમાઇ હતી, જે ભારતે સાત વિકેટથી જીતી હતી. આ મેચમાં જ્યારે પંત ન્યૂઝીલેન્ડની ઇનિંગ દરમિયાન વિકેટકીપિંગ માટે બહાર આવ્યો ત્યારે તેની જર્સી પર એક ટેપ હતી.

પંતની ટેપવાળી જર્સીનો ફોટો ઘણો વાયરલ થયો હતો. ચાલો તમને જણાવીએ કે પંતે જર્સી પર ટેપ કેમ લગાવી હતી. પંત આ મેચમાં ટી-20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જર્સી પહેરીને રમવા ઉતર્યો હતો. આ જર્સીની જમણી બાજુ T20 વર્લ્ડ કપનો લોગો બનાવવામાં આવ્યો હતો, જેને છુપાવવા માટે પંતે તેના પર ટેપ લગાવી હતી. મેચની વચ્ચે, તેણે તેના પર હાફ સ્વેટર પહેર્યું હતું, જેના પછી તેની ટેપ દેખાતી ન હતી.

આ T20 સીરીઝ T20 વર્લ્ડ કપ પછી તરત જ રમાઈ રહી છે. ભારત તરફથી આ મેચમાં પંતે 6 બોલમાં 12 રન બનાવ્યા હતા. પંત પ્રથમ ચાર બોલમાં એક પણ રન બનાવી શક્યો ન હતો અને ત્યાર બાદ સતત બે છગ્ગા ફટકારીને ટીમને જીત અપાવી હતી. છેલ્લી મેચમાં પંતે આ મેચમાં એક ફોર અને સિક્સ વડે ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી, તે પણ તેના એક હાથે સિગ્નેચર શોટ.

પંતે વેંકટેશ અય્યર સાથે મેચ પૂરી કરી. ભારતે પ્રથમ મેચ પાંચ વિકેટે અને બીજી મેચ સાત વિકેટે જીતી હતી. સિરીઝની છેલ્લી મેચ હવે 21 નવેમ્બરે કોલકાતામાં રમાવાની છે. આ પછી બંને ટીમો વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી પણ રમાશે. પંતને ટેસ્ટ સીરીઝમાંથી આરામ આપવામાં આવ્યો છે.