જીવતે જીવંત પોતાના જન્મ દિવસે જ ગવડાવ્યાં પોતાના મરસીયા, લૂંટારુઓની ચડ્ડી બંડી ગેંગને જીપ પાછળ બાંધીને પોલીસ ચોકીએ લાવનારા મહીપતસિંહ બાપુની કહાની

મરદ મૂછાળા રીબડાનાં મહિપતસિંહ બાપુની કહાની જાણીને તમને પણ શૂરાતન ચઢી જશે, જુઓ કેવી રીતે જીવ્યા છે તેમનું જીવન

ગઈકાલે ગુજરાતમાંથી એક ખુબ જ દુઃખદ ખબર સામે આવી હતી. જેમાં રીબડાના વતની અને પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાનું અવસાન થયું હતું. મહિપતસિંહનું નામ ખુબ જ માનભેર લેવામાં આવે છે. તેઓ સૌરાષ્ટ્રના પીઢ ક્ષત્રિય અગ્રણી પણ હતા. તેમના નિધન બાદ સમસ્ત ક્ષત્રિય સમાજમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

મહીપતસિંહનો જન્મ એક સામાન્ય ખેડૂત પરિવારમાં થયો હતો. એક સમય એવો પણ આવ્યો હતો જયારે તેમને સરકાર દ્વારા બહારવટિયા પણ જાહેર કરવામાં આવ્યા હતા. ગરાસદારી ચળવળ અંતર્ગત 1952માં તેમની ધરપકડ કરવામાં આવી હતી. એક ઘા અને બેકટકાનો મિજાજ ધરાવતા મહિપતસિંહને સંદર્ભે 1957માં રાજકોટ, અમરેલી અને જૂનાગઢ એમ ત્રણ જિલ્લામાંથી એક વર્ષ માટે હદપાર કરવામાં આવ્યા.

જેના બાદ સરકાર દ્વારા ફરી 1963માં ત્રણ જિલ્લામાંથી હદપાર કરાયા, પરંતુ હાઇકોર્ટે તેમની માનહાની અંગે સરકારે વળતર ચૂકવવા આદેશ સાથે નિર્દોષ જાહેર કર્યા. ત્યારબાદ મહિપતસિંહ રાજકારણમાં જોડાયા. ગોંડલમાં તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા અને જીત પણ મેળવી હતી. આ ઉપરાંત તેમને ક્ષત્રિય સેનાની સ્થાપના કરી હતી અને તેના પ્રમુખ પણ રહ્યા હતા.

આ રીતે મહિપતસિંહ રાજકારણનું પણ ખુબ જ મોટું નામ બની ગયા હતા. વર્ષ 1986માં તેમને એક એવું કામ કર્યું હતું જેની ચર્ચાઓ ઠેર ઠેર થઇ હતી, એ સમયે ચડ્ડી બનિયાધારી ગેંગ દ્વારા ઠેર ઠેર આતંક મચાવવામાં આવી રહ્યો હતો . આ ગેંગે લોકોની ઊંઘ પણ હરામ કરી નાખી હતી. આ ચડ્ડી બંડી ગેંગ દ્વારા 16 જેટલા પેટ્રોલપંપો પર લૂંટ પણ કરવામાં આવી હતી.

પોલીસના નાકમાં પણ આ ગેંગે દમ કરી નાખ્યો હતો. ત્યારે જયારે આ ગેંગ અઢારમી વખત લૂંટ કરવા માટે મહિપતસિંહ બાપુના પેટ્રોલપંપ પર પહોંચી ત્યારે લૂંટને અંજામ આપે એ પહેલા જ બાપુએ ગેંગના 16 લૂંટારુઓમાંથી 2 લૂંટારૂઓને ઝડપી લીધા અને પોતાની જીપ પાછળ બાંધીને તાલુકા પોલીસને સોંપી દીધા હતા.

આ ઉપરાંત મહીપતસિંહે પોતાના 83માં જન્મ દિવસની ઉજવણી પણ ખુબ જ અલગ રીતે કરી હતી અને ત્યારે પણ તેઓ ચર્ચામાં પણ આવ્યા હતા. મહીપત સિંહે પોતાના 83માં જન્મ દિવસ પર મરસીયા ગવડાવ્યાં હતા. આ મરસીયા લોકસાહિત્યના 12 જેટલા કવિએ ગાયા હતા. આ ઉપરાંત તેમને વતન રીબડાની 111 દિકરીઓને કન્યાદાન પણ કર્યું હતું.

પોતાના જન્મ દિવસ પર મરસીયા ગવડાવવાને લઈને મહીપતસિંહે કહ્યું હતું, તેમણે જીવનના તમામ રંગો જોઇ લીધા છે અને એટલા માટે અંતિમ રંગ પોતાના જ મરસિયા પણ તેઓ જોવા માંગે છે અને એટલા માટે જ આ કાર્યક્રમ કર્યો હતો. કોઇ માણસ મૃત્‍યુ પહેલા મરસિયા સાંભળી ન શકે પરંતુ તેમણે જીવન જીવી લીધું છે અને હવે તેમને મરસિયા સાંભળવાની ઇચ્‍છા છે તેવું તેમણે કહ્યુ હતુ.

Niraj Patel