તારક મહેતામાં દયા બેન આવશે કે નહિ તે ફાઇનલ થઇ ગયું, અસિત મોદીએ કરી દીધો સૌથી મોટો ખુલાસો

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ઘણા વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. હાલમાં જ આ શોનો નવો પ્રોમો સામે આવ્યો હતો, જેને જોઈને ફેન્સ ખૂબ જ ખુશ થઇ ગયા હતા. પ્રોમોમાં ફરી એકવાર દયાબેનનું ગોકુલધામ સોસાયટીમાં પરત ફરવાનું દર્શાવવામાં આવ્યું હતું. ત્યારથી એવી અટકળો ચાલી રહી હતી કે દિશા વાકાણી શોમાં દયાબેનના પાત્રમાં વાપસી કરવા જઈ રહી છે શોમાં દયાબેનનો રોલ કરનાર અભિનેત્રી દિશા વાકાણીની શોમાં પરત ફરવાની ફેન્સ છેલ્લા 5 વર્ષથી રાહ જોઈ રહ્યા છે. તે શોની લાઈફ હતી.

જેઠાલાલ સાથેની તેની કેમેસ્ટ્રી અને કોમિક ટાઈમિંગ ચાહકોને ખૂબ જ પસંદ હતી. બીજી વખત માતા બન્યા બાદ ચાહકો અનુમાન લગાવી રહ્યા હતા કે દિશા કદાચ શોમાં પરત ફરી શકે છે, પરંતુ હવે તે શક્ય નથી. જો કે લાંબા સમય બાદ શોમાં દયાબેનના રોલમાં અન્ય કોઈ જોવા મળશે. શોના નિર્માતા અસિત મોદીએ ઈ-ટાઇમ્સ સાથેની વાતચીતમાં ખુલાસો કર્યો છે કે દિશા વાકાણી આ શોમાં દયાબેન તરીકે જોવા મળશે નહીં. દયાબેનના પાત્ર માટે ઓડિશન ચાલી રહ્યા છે, ટૂંક સમયમાં નવી અભિનેત્રી દયાબેનનું પાત્ર ભજવશે.

તેણે પ્રેગ્નેન્સી દરમિયાન વર્ષ 2017માં મેટરનિટી લીવ લીધી હતી, ત્યારબાદથી તે શોમાં પરત ફરી નથી. નિર્માતાએ કહ્યું, “અમને દિશાને બદલવામાં આટલો સમય લાગ્યો કારણ કે દિશાએ લગ્ન પછી થોડો સમય કામ કર્યું. બાદમાં તેણે પ્રસૂતિ રજા લીધી અને પછી બાળકની સંભાળ લેવા માટે વિરામ ચાલુ રાખ્યો. તેણે ક્યારેય નોકરી છોડી નથી. અમને આશા હતી કે દિશા પાછી આવશે, પરંતુ પછી રોગચાળો આવ્યો. અમે સાવધાની સાથે શૂટિંગ કરી રહ્યા હતા, પરંતુ તે સમયે દિશા રોગચાળામાં શૂટિંગ કરતાં ડરી રહી હતી. તે આવી શકે તેમ ન હતી.

તેમણે કહ્યું, “અમે તેની રાહ જોવાનું નક્કી કર્યું હતું કારણ કે તે શો સાથે લાંબા સમયથી સંકળાયેલી છે. તે પરિવાર જેવી છે. તાજેતરમાં જ તેણે તેના બીજા બાળકને જન્મ આપ્યો છે અને હવે તે શોમાં પરત ફરી શકશે નહીં. અમે નવી દયાબેનની શોધમાં છીએ.” અસિત મોદીએ વધુમાં કહ્યુ કે, નવી દયાબેનની શોધમાં ઓડિશન ઘણા તેજ ચાલી રહ્યા છે અને જલ્દી જ અમે આ રોલ માટે કોઇ અભિનેત્રીને ફાઇનલાઇઝ કરી લઇશું. સાથે જ ઓડિયન્સને નવા કેરેક્ટર વિશે અમે સમય સમય પર અપડેટ પણ આપીશું.

Shah Jina