મોરબીની સિવિલ હોસ્પિટલમાં PMના આગમન પહેલા મોડી રાતે રિનોવેશન, જ્યાં લાશોના ઢગલા હતા ત્યાં ચાલ્યો રંગરોગાન કાર્યક્રમ

પીએમ મોદી આજે એટલે કે 1 નવેમ્બરના રોજ મોરબી જવાના છે. ત્યારે તેમના આગમન પૂર્વે જ બિસ્માર પડેલી મોરબી સિવિલ હોસ્પિટલમાં રાતોરાત રીનોવેશન શરૂ કરવામાં આવ્યું છે. સિવિલમાં રાતોરાત રંગરોગાન કરવામાં આવી રહ્યું છે અને ઘણા સમયથી જામેલો કચરો પણ દૂર કરવામાં આવી રહ્યો છે. આ બધુ પીએમ મોદીને સારું લગાડવા માટે કરાવવામાં આવ્યુ.

રાતોરાત પેવર બ્લોક પણ લગાડવામાં આવ્યા. મોરબીમાં રવિવારના રોજ બનેલી દુર્ઘટનાએ સમગ્ર ગુજરાત સહિત દેશમાં ઓહાપોહ મચાવી દીધો હતો. અત્યાર સુધીમાં આ ઘટનામાં સરકારી ચોપડે 134 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ પણ થયા છે, જેને મોરબીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ તમામ બાબતોની રૂબરૂ માહિતી મેળવવા પીએમ મોદી આજે મોરબીની મુલાકાતે છે.

જેને લઇને મોરબીની હોસ્પિટલમાં રાતોરાત રંગરોગાન કરવામાં આવ્યુ. જેની કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા. તાત્કાલિક ધોરણે પીએમ આવવાને કારણે સમારકામ ચાલું કરવાથી અનેક તર્કવિતર્ક સર્જાયા છે. સિવિલ હોસ્પિટલમાં કલર કરવામાં આવ્યો અને એલ્યુમિનિયમ સેક્શનના નાનાં નાનાં રૂમ પણ બનાવવામાં આવ્યા. જે મોરબી સિવિલ હોસ્પિટલમાં ઝૂલતા પુલ દુર્ઘટનાને કારણે 100થી વધુ મૃતદેહો લાવવામાં આવ્યા

ત્યાં રાતોરાત રંગરોગાન કાર્ય ચાલ્યુ. હોસ્પિટલમાં તૂટેલાં પાણીનાં કૂલર હટાવી દેવાયા અને નવાં કૂલર તાત્કાલિક મૂકાયા. તેમજ હોસ્પિટલમાં તૂટેલાં બેડને પણ દૂર કરાયા અને નવાં બેડ લાવવામાં આવ્યા. બીજી તરફ એલ્યુમિનિયમ સેક્શનના નાના નાના રૂમ પણ બનાવાયા. જે સિવિલ હોસ્પિટલની બિસ્માર હાલતમાં હતી એ પીએમ મોદીની મુલાકાતને કારણે રાતોરાત જ નવી દેખાવા લાગી.

Shah Jina