ખબર

અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં આજથી મળતા બંધ થઇ જશે રેમડેસિવીર ઇન્જેક્શન, જાણો બંધ કરવાનું કારણ

કોરોનાની મહામારી દુનિયાભરમાં ફેલાઈ રહી છે, તેની ચપેટમાં કરોડો લોકો આવી ગયા છે અને લાખો લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે, ત્યારે હાલ લોકો કોરોનાથી બચવા માટેના ઉપાયો શોધી રહ્યા છે.

કોરોના સંક્રમિત દર્દીઓ માટે રેમડેસિવીર ઇન્જેક્શન સૌથી કારગર સાબિત થાય છે એવું સામે આવ્યા બાદ આ ઇન્જેક્શન ખરીદવા માટે લોકો લાઈનો લગાવે છે. દેશના ઘણા શહેરોમાં રેમડેસિવીર ઇન્જેક્શન ખરીદવા માટે મેડિકલ સ્ટોરની બહાર લોકોની લાઈનોના દૃશ્યો જોવા મળે છે.

અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં પણ રેમડેસિવીર ઇન્જેક્શન ખરીદવા માટે લોકોએ લાઈનો લગાવી હતી, પરંતુ હવે આજથી રેમડેસિવીર ઇન્જેક્શન મળતા બંધ થઇ જશે. ઝાયડસ હોસ્પિટલ દ્વારા ટ્વીટ કરી આ માહિતી અપાઈ છે.

અગાઉ ઝાયડસ હોસ્પિટલ તરફથી 5થી 12 એપ્રિલ સુધી રેમડેસિવીર ઇન્જેક્શન આપવાની ઝાયડ્સ તરફથી જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે હાલ અમદાવાદની ઝાયડ્સ હોસ્પિટલ તરફથી સૂચના જાહેર કરવામાં આવી કે આગામી નવો નિર્ણય ન થાય ત્યાં સુધી ઝાયડ્સ હોસ્પિટલ ખાતેથી રેમડેસિવીર ઇન્જેક્શનનું વેચાણ નહીં થાય.


ઉલ્લેખનીય છે કે રેમડેસિવીર ઇન્જેક્શનની માંગ વધવાના કારણે તેની કાળાબજારી પણ થતી જોવા મળી રહી છે ત્યારે આ વચ્ચે જ ડ્રંગ કંટ્રોલર ઓફ ઈંડિયાએ રેમડેસિવીર ઇન્જેક્શનની કાળાબજારી થવાની આશંકા વ્યક્ત કરી છે. કાળાબજારીની આશંકાએ ફૂડ એંડ ડ્રગ્સ વિભાગને સાવચેત રહેવા સૂચના આપી છે.