ખબર

ગુજરાતમાં અહીં શરૂ થશે 1000 બેડની કોવિડ હોસ્પિટલ, 400 બેડની હોસ્પિટલ રવિવાર સુધીમાં થશે તૈયાર, જાણો વિગત

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સાથે વાતચીત કરીને જામનગરમાં 1000 બેડની ક્ષમતા સાથે ઓક્સિજન વ્યવસ્થા ધરાવતી કોવિડ હોસ્પિટલ શરૂ કરવા અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અનુરોધનો ત્વરિત પ્રતિસાદ આપતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ગુજરાતમાં કોરોના સંક્રમણની મહામારીની વિપદામાં જનતાની સેવામાં સરકાર સાથે રિલાયન્સ પરિવાર પણ પડખે ઊભો છે તેની ખાતરી આપી હતી.

રિલાયન્સ ફાઉન્ડેશને જણાવ્યું હતું કે, તે ગુજરાતના જામનગરમાં ઓક્સિજન સપ્લાય સાથે 1000 બેડની કોવિડ -19 હોસ્પિટલ બનાવી રહ્યુ છે. વિશેષ બાબત એ છે કે આ હોસ્પિટલમાં વિના મૂલ્યે સારવારની સુવિધા મળશે.

મુકેશ અંબાણીએ મુખ્યમંત્રીશ્રીને જણાવ્યું કે, આગામી રવિવાર સુધીમાં 400 બેડની હોસ્પિટલ તો ઓક્સિજન સુવિધાઓ સાથે જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા શરૂ કરી દેવાશે. ત્યારબાદ વધુ 600 બેડની ક્ષમતા સાથેની હોસ્પિટલ શરૂ કરવાનું ઇન્ફ્રાસ્ટ્રકચર સહિતનું નિર્માણ કાર્ય હાથ ધરીને 1000 બેડની સંપૂર્ણ ક્ષમતા સાથેની હોસ્પિટલ એકાદ સપ્તાહમાં શરૂ કરવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સંપૂર્ણ પ્રયાસરત રહેશે.

જામનગરમાં નિર્માણ થનારી રિલાયન્સની હોસ્પિટલ માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સૂચના અને માર્ગદર્શનમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસના નેતૃત્વમાં જિલ્લા કલેકટર, તેમજ જિલ્લા વહિવટીતંત્ર સંકલનની જવાબદારી સંભાળી રહ્યા છે.