ખબર

રિલાયન્સ ફાઉન્ડેશનની કોરોના સામે લડવા મોટી ઘોષણા

દેશમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્ર સૌથી વધુ સંક્રમિત રાજ્ય છે. ત્યારે દેશની આર્થિક રાજધાની મુંબઇમાં પણ કોરોનાએ કહેર મચાવ્યો છે. આ વચ્ચે રિલાયન્સ ફાઉન્ડેશન કોરોના દર્દીઓની મદદ માટે આગળ આવ્યુ છે. રિલાયન્સે પોતાની કામગીરીમાં વધારો કર્યો છે. રિલાયન્સ હવે બીએમસી સાથે મળીને કોરોના દર્દીઓ માટે 875 બેડનું સંચાલન કરશે.

સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ કોરોના દર્દીઓ માટે કુલ 650 પથારીનું સંચાલન સંચાલન કરશે. રિલાયન્સ ફાઉન્ડેશન નવા 100 આઈસીયુ બેડની વ્યવસ્થા કરશે અને તેનું સંચાલન અને વ્યવસ્થાપન પણ કરશે. આ તમામ આઈસીયુ બેડ 15મી મેથી તબક્કાવાર કાર્યરત થઈ જશે.

બીએમસી દ્વારા જારી કરવામાં આવેલા માર્ગદર્શિકા અનુસાર હળવા, મધ્યમ અને અસિમ્પટમેટિક દર્દીઓની સારવાર માટે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સની ટ્રાઇડન્ટ હોટેલમાં 100 બેડ શરૂ કરવામાં આવી રહ્યા છે. બધું મળીને રિલાયન્સ ફાઉન્ડેશન કુલ 145 આઇસીયુ બેડ સહિત લગભગ 875 બેડનું સંચાલન કરશે. જે સેવન હિલ્સ હોસ્પિટલ અને ટ્રાઇડન્ટ, બીકેસીમાં કાર્યરત રહેશે.

તમને જણાવી દઇએ કે, રિલાયન્સે જામનગરની રિફાઇનરીમાં મેડિકલ ઓક્સિજનનું ઉત્પાદન પણ શરૂ કરી દીધુ છે. કંપનીએ 700 ટન ઓક્સિજનનું ઉત્પાદન કરી હોસ્પિટલોને પહોંચાડ્યો છે. તેઓ કોરોના ગ્રસ્ત રાજ્યોને વિનામૂલ્યે મેડિકલ ઓક્સિજન પહોંચાડી રહ્યા છે.

રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને અધ્યક્ષ નીતા અંબાણીએ કહ્યું કે, ફાઉન્ડેશન હંમેશાં આગળ વધીને રાષ્ટ્રની સેવા કરવા તૈયાર છે. કોરોના રોગચાળા સામેની લડતમાં દેશને સમર્થન આપવાની આપણી જવાબદારી છે. અમારા ડોકટરો અને આરોગ્ય કાર્યકરો દિવસ-રાત જરૂરિયાતમંદોને કંટાળ્યા વિના તબીબી સુવિધાઓ આપી રહ્યા છે. માત્ર મહારાષ્ટ્ર જ નહીં, અમે ગુજરાત, દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દમણ-દીવ અને નગર હવેલીમાં દરરોજ 700 એમટી ઓક્સિજન પહોંચાડી રહ્યા છીએ. એટલું જ નહીં, ઓક્સિજન સપ્લાયના જથ્થામાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. અમે દેશ અને દેશવાસીઓને મદદ કરવા માટે તમામ પ્રયત્નો કરીશું. આપને જણાવી દઈએ કે ગયા વર્ષે રિલાયન્સ ફાઉન્ડેશને વિશ્વનો સૌથી મોટો અનાજ વિતરણ કાર્યક્રમ ‘અન્ન સેવા’ ચલાવ્યો હતો. આ અંતર્ગત 5.5 કરોડ લોકોને ખોરાક આપવામાં આવ્યો હતો.