રસોઈ

ઇનસ્ટન્ટ ખમણ બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ રેસિપી નોંધી લો, અને આજે જ બનાવો, ખવડાવો તમારા પરિવારજનોને

આજે આપણે બનાવીશું ઇનસ્ટન્ટ ખમણ. એ પણ માત્ર 10 મિનિટમાં જ. નહી પલાળવાની લપ કે નહી કોઈ બીજી ઝંઝટ. નથી વધારે કોઈ સામગ્રીની જરૂર પડતી. ખમણ એ દરેક ગુજરાતી ઘરોમાં ખવાતા જ હશે. સવારે નાસ્તો હોય કે પછી બપોરનો જમણવાર, એમાં ખમણ ના હોય એ તો બને જ નહી. તો ચાલો આજે આપણે શીખીશું કે માત્ર 10 મિનિટમાં પોચા પોચા અને જાળીવાળા ખમણ કેવી રીતે બનાવવા એની સંપૂર્ણ રીત.

સામગ્રી:

 • 1 કપ ચણાનો લોટ
 • 1½ કપ પાણી
 • 1 ચમચી લીંબુના ફૂલ
 • 1 ચમચી ખાવાના સોડા
 • સ્વાદઅનુસાર નમક
 • ચપટી ખાંડ
 • કલર માટે ચપટી હળદર
 • 1 ચમચી તેલ

ખમણ વઘારવા માટેની સામગ્રી:

 • બે સમારેલા લીલા મરચાં
 • બે સૂકા લાલ મરચાં
 • બે થી ત્રણ મીઠા લીમડાના પાન
 • ત્રણ ચમચી સમારેલી કોથમીર
 • એક ચમચી તેલ
 • એક ચમચી રાઈ
 • ½ કપ ખાંડ
 • અડધો ગ્લાસ પાણી

રીત:સૌથી પહેલા ચણાના લોટને એક મોટા વાસણમાં લો, જેમાં તમને સરસ રીતે હલાવતા ફાવે. હવે એમાં લીંબુના ફૂલ, હળદર, નમક એક કરી સરસ રીતે હલાવી લો જેથી બધી જ સામગ્રી અને ચણાનો લોટ એકદમ સરસ મિક્સ થઈ જાય. ત્યારબાદ એમાં પાણી એડ કરી સરસ ચમચાની મદદ વડે હલાવી લેવાનું છે. ધ્યાન રહે એમાં કોઈ જ લોટની ગાંઠ ન રહે.એક મિનિટ સરખું હલાવ્યા પછી એમાં ખાવાના સોડા એડ કરો અને પછી એકસરખી રીતે એક સાઈડ હલાવી લો.એકદમ સરસ હલાવશો એટલે તૈયાર ખમણના ખીરામાં હવા ભળશે અને તમે જોઈ શકો છો કે ખીરામાં જ જાળી પડવા લાગશે અને ખીરું લોટના પ્રમાણમાં ડબલ થશે.જેટલી વધારે જાળી પડશે એટલા ખમણ વધારે સોફટ અને ફૂલાયેલા બનશે.હવે એક પ્લેટ લો અને એમાં ઓઇલથી ગ્રીસ કરી ખમણ માટેનું ખીરું પાથરી દો.અને સ્ટીમરમાં પહેલેથી પાણી ઉકળવા મૂકી દો. પાણી ઊકળે એટલે એમાં સ્ટેન્ડ મૂકો અને પછી ખમણ બનાવવા માટેની તૈયાર પ્લેટને સાચવીને સ્ટીમ કરવા મૂકી દો અને સ્ટીમરનું ઢાંકણ બંધ કરી 3 થી 4 મિનિટ સ્ટીમ થવા દો.હવે ખમણ એકદમ ચડી ગયા છે. એટલે ગેસ બંધ કરો અને ખમણની પ્લેટને થોડી ઠંડી થવા માટે મૂકી દો.ઠંડી થાય એટલે ખમણને કટિંગ કરો. તો તૈયાર છે ઇન્સ્ટન્ટ નાયલૉન ખમણ..

હવે જોઈએ કેવી રીતે વઘાર કરવો એની રીત.

ગેસ ઉપર એક કઢાઈ ગરમ કરવા મૂકી એમાં તેલ એડ કરો અને પછી તેલ ગરમ થાય એટલે એમાં રાઈ એડ કરી વઘાર કરો.રાઈ તતડી જાય એટલે એમાં મરચાં, સૂકું લાલ મરચું અને મીઠા લીમડાના પાન એડ કરી સાંતળો.હવે એમાં પાણી એડ કરી પાણીને ઉકાળો.પાણી ઊકળે એટલે ખાંડ અને કોથમીર એડ કરી ઉકળવા દેવાનું છે જ્યાં સુધી ખાંડ ઓગળે નહી.હવે ખાંડ ઓગળી ગઈ છે.ગેસ બંધ કરો એ પાણીને સહેજ ઠંડુ થવા દેવાનું છે. ઠંડુ થાય એટલે ચમચાની મદદથી ખમણની પ્લેટ ઉપર સ્પ્રેડ કરો. તૈયાર છે નાયલૉન ખમણ. સવારે નાસ્તામાં અથવા બપોરના ભોજન સાથે સર્વ કરો.

ઇનસ્ટન્ટ ખમણ બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks