કૌશલ બારડ લેખકની કલમે

આ છે ભારતનો પ્રથમ 5G સ્માર્ટફોન! રિઅલમીના આ ફોનની કિંમત અને ટેક્નોલોજી કેવી છે?

ભારતમાં હજુ સુધી 5G ઇન્ટરનેટ સર્વિસ ભલે શરૂ નથી થઈ પણ માર્કેટમાં હરણફાળ ભરવા માટે બે ડગલાં આગળ ચાલી રહેલી ટેક-કંપનીઓએ 5G સ્માર્ટફોન બજારમાં મૂકવાની શરૂઆત કરી દીધી છે. ૨૪ ફેબ્રુઆરીના રોજ સાંજે છ વાગ્યાથી રિઅલમી(Realme)એ ભારતમાં પ્રથમ 5G સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. આ સિવાય IQOO કંપનીએ પણ રિઅલમીના થોડા કલાક બાદ તેનો ‘આઇકૂ – ૩’ 5G સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે.

રિઅલમીએ લોન્ચ કરેલા ભારતના પ્રથમ 5G સ્માર્ટફોનનું નામ છે : Reamle X50 Pro. આ ફોન હવે કંપનીની ઓફિશિયલ વેબસાઇટ અને ફ્લિપકાર્ટ પર ઓનલાઇન વેંચાણ માટે ઉપલબ્ધ છે. અહીં જાણીશું ભારતના આ પહેલાં 5G ફોનના ‘હાઇ-ટેક’નું લેબલ લગાડેલા ફિચર વિશે:

Image Source

કુલ મળીને ૬ કેમેરા સાથેનો ફોન:
આ ફોન બે કલરમાં ઉપલબ્ધ છે : રસ્ટ રેડ(ગેરુ જેવો લાલ) અને મોસ ગ્રીન(શેવાળ જેવો લીલો). ફોનમાં ફ્રન્ટ સાઇડ ૨ અને બેક સાઇડ ૪ એમ કુલ મળીને ૬ કેમેરા આવે છે. પાછળ તરફનો મુખ્ય કેમેરો ૬૪ મેગાપિક્સલનો હશે જ્યારે આગળનો મુખ્ય સેલ્ફી કેમેરો ૩૨ મેગાપિક્સલ સાથેનો. દરેક કેમેરામાં ૨૦x સુધી ઝૂમિંગ થઈ શકશે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડના લાટેસ્ટ વર્ઝન ‘એન્ડ્રોઇડ-૧૦’ સાથે આવશે.

૩૫ મિનિટમાં થઈ જશે ચાર્જિંગ:
રિઅલમીએ લોન્ચ કરેલા આ 5G સ્માર્ટફોન સાથે ‘સુપરડાર્ટ’ ચાર્જર આવશે, જેનું આઉટપુટ ૬૫ વોટ હશે! આ સુપરફાસ્ટ ચાર્જરથી ગણીને ૩૫ મિનિટમાં ફોન ફુલ ચાર્જ થઈ જશે. ફોનની બેટરીની ક્ષમતા ૪૨૦૦ mAh હશે.

Image Source

5G કરતા પણ ૪૦% ઝડપી છે ફોનનું વાઇફાઇ:
‘Realme X50 Pro’ ફોન સાથે અદ્યતન વાઇફાઇ ટેક્નોલોજી પણ આપવામાં આવે છે. ફોનનું નેટવર્ક 5Gનું રહેશે પણ તેમાં આપેલું વાઇફાઇ આ નેટવર્ક સ્પીડ કરતા પણ વધારે કામ આપી શકશે. વાઇફાઇ-૬ તરીકે ઓળખાતી આ ટેક્નોલોજી નેટવર્ક કરતા ૪૦% વધારે ડાઉનલોડની સ્પીડ આપશે.

કિંમત અને અન્ય ફિચર:
આ સિવાય ફોનના અન્ય ફિચર વિશે વાત કરીએ તો, વધારે પડતા લોડિંગ છતાં ફોન જલ્દીથી ગરમ ન થાય એ માટે હાઇ એફિસિયન્સી VC કૂલિંગ સિસ્ટમ આપવામાં આવી છે. ફોનમાં ડિસ્પ્લેની અંદર ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવેલ છે, જે પલકમાત્રમાં ફોનને અનલોક કરી આપે છે. આ ઉપરાંત ફેસ અનલોકની સિસ્ટમ તો ખરી જ! ફોનમાં ૬.૪૪ ઇંચની ફુલ HD (૨૪૦૦x૧૦૮૦ પિક્ચલ) ડિસ્પ્લે આપવામાં આવી છે. રેમ અને સ્ટોરેજના આધારે ફોનની કિંમતોમાં ફેરફાર રહેશે. 6GB, 8GB અને 12GB રેમ ધરાવતા ફોન મળશે, જેમાં સ્ટોરેજ ક્ષમતા 128GB અને 256GBની હશે.

રેમ અને સ્ટોરેજના આધારે ફોનની કિંમત આ પ્રમાણે છે : (1) 6GB + 128 GB = ૩૭,૯૯૯/- (2) 8GB + 128 GB = ૩૯,૯૯૯/- (3) 12GB + 256GB = ૪૪,૯૯૯/-

Image Source

કેવી હશે 5Gની સ્પીડ?:
ભારતમાં કદાચ ૨૦૨૦ પૂરું થતા સુધીમાં કે ૨૦૨૧માં 5G નેટવર્ક આવી જશે. રિલાયન્સ જિઓના જણાવ્યા અનુસાર, તેઓએ 5G માટે બધી તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે પણ દેશના અનેક વિસ્તારોમાં હજુ 4G નેટવર્ક પણ સરખું કામ નથી આપતું, એવામાં પહેલી પ્રાથમિકતા ભારતમાં આ નેટવર્કને વ્યવસ્થિત કરવાની છે.

જો કે, આજે વિશ્વના અમુક દેશોના લોકો આરામથી 5Gની મજા માણી રહ્યા છે. આર્જેન્ટિના, સાઉથ કોરિયા, અમેરિકા, ઇંગ્લેન્ડ, ચીન, પ્રાગ અને જાપાન જેવા દેશોમાં હાલ આ સર્વિસ ચાલુ છે. 5G નેટવર્કની સ્પીડ વિશે સામાન્ય ધારણા તો ‘1GB/સેકન્ડ’ની છે. મતલબ આપણે એકાદ જીબીનું મૂવી એક સેકન્ડમાં ડાઉનલોડ કરી શકીએ! ૧૯૮૦માં ૨.૪ કેબી પ્રતિ સેકન્ડ જેવી સ્પીડ અને માત્ર ફોન કોલ્સ માટે હેન્ડસેટ મોબાઇલ બનાવી ચૂકેલો માનવી જોતજોતામાં 1GB પ્રતિ સેકન્ડની અકલ્પનીય છલાંગ લગાવી ગયો છે.

આર્ટિકલ જાણકારીયુક્ત લાગ્યો હોય તો આપના મિત્રોને પણ શેર કરજો, ધન્યવાદ!
Author: કૌશલ બારડ; GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.