કૌશલ બારડ લેખકની કલમે

ઔરંગઝેબને સરખે ખાવા ન દેનાર અને અફઘલ ખાનની છાતીના પડો ચીરી નાખનાર છત્રપતિ શિવાજીની ગૌરવવંતી વાત! વાંચો હિંદુહ્રદય સમ્રાટ શિવાજી મહારાજની અદ્ભુત કહાણી

ભારતવર્ષની પ્રજા તેમના અમુક મહાનાયકોને સદાયને માટે યાદ રાખશે. દિવસો વીતીને મહિના થશે, વર્ષો ને સદીઓ વિતશે પણ પૃથ્વીરાજ ચૌહાણ, મહારાણા પ્રતાપ કે છત્રપતિ શિવાજી કદી ભુલાવાના નથી! આ હિંદવા તારણહારોએ માત્ર યુધ્ધભૂમિ પર જ ડંકો નહોતો વગાડ્યો, સાથે-સાથે સુરાજ્ય શાસન વ્યવસ્થાથી પ્રજાના દિલ પણ જીત્યાં હતાં. 19 ફેબ્રુઆરી એટલે હિંદુહ્રદયસમ્રાટ મહારાજ છત્રપતિ શિવાજીની જન્મજયંતિ. આજના યુગમાં બાળકોને વંચાવવા જેવી વાતો હોય તો એ સહ્યાદ્રી ને દખ્ખણની પહાડીઓ ખુંદનારા અને ઇસ્લામિક વિદેશી સલ્તનતને બુરી રીતે પછાડ આપનારા શિવાજીની છે. નવી પેઢીને વીર્યવાન બનાવવી હોય તો ભારતના આ મહાનાયકની વાતો વાંચવી જ રહી.

19 ફેબ્રુઆરી, 1630ના રોજ પૂણે નજીક શિવનેરીના કિલ્લામાં શિવાજીનો જન્મ થયેલ. માતા જીજાબાઈ પ્રસુતિ પૂર્વે જોજનો દુરથી ઘોડેસ્વારી કરીને આવેલા! ભગવાન શિવના વરદાન સ્વરૂપ દિકરાનું નામ પાડ્યું : શિવાજી. પિતા શાહજી ભોંસલે તો ક્યાં દિકરાને હેત કરવા જ પામતા! એ વખતે ઉત્તરમાં ઔરંગઝેબ અને દખ્ખણમાં બીજાપુર, અહેમદનગર ને ગોલકોંડાની ઇસ્લામિક સલ્તનતો ફૂલીફાલી હતી. શાહજી બીજાપુરના સુલ્તાનના લશ્કરમાં હતા. એક ઠેકાણેથી બીજે ઠેકાણે બદલતા એમણે આખી જીંદગી કાઢી હતી.

પણ શિવાજીના ઉછેરમાં આથી કોઈ ખામી ન આવી. એનામાં પ્રખર રાષ્ટ્રવાદ, પ્રજાહિતની ઉદ્દાત ભાવના અને નિર્ભય ધર્મપ્રેમના ઉચ્ચ સંસ્કાર સિંચનારા હતાં ત્રણ જણા : માતા જીજાબાઈ, દાદા કોંડદેવ અને સમર્થ ગુરૂ રામદાસ. દાદા કોંડદેવે શિવાજીને પટ્ટાબાજી, ઘોડેસ્વારી અને બીજી હરેક યુધ્ધકૌશલ વિદ્યામાં નિપૂણતા અપાવી. માતા જીજાબાઈએ રામાયણ-મહાભારતના પાઠોનું ચિંતન-મનન કરાવ્યું. પરદેશી વિધર્મીઓની ગુલામી એ જ વખતથી શિવાજીને કઠવા લાગી. સમવયસ્કોની નાનકડી સેના બનાવી અને માત્ર 19 વર્ષની ઉંમરે તોરણાનો દુર્ગ જીતી લીધો! હા, આ એ ઉંમર હતી જ્યારે આજના યુવાનો સુંદર યુવતીઓના સ્વપ્નો જોવામાં રચ્યા હોય છે!

એ પછી તો શિવાજીની જીત વણથંભી વધતી જ ચાલી. બીજાપુરના સુલતાનના પેટમાં તેલ રેડાયું. શિવાજીના પિતા તેમના દરબારમાં નોકરી કરતા. એમના વતી શિવાજી પર દબાણ લાવવાનો પ્રયત્ન કર્યો. સુલ્તાન તો એ વખતે જ શિવાજીનું હીર પારખી ગયેલો જ્યારે શાહજી બાળ શિવાને બીજાપુરના દરબારમાં લાવેલા અને શિવાજીએ લાખ વાતેય બીજાપુર સલ્નતની ગાદી ભણી સલામ નહોતી ભરી! એ પછી થોડો વખત શિવાજી થંભ્યા. પિતાની રિહાઈના સમાચાર આવતાવેંત ફરીવાર યુધ્ધો ચાલુ..!

શિવાજીની લડત આપવાની પધ્ધતિ ભારતના બીજા હિન્દુ રાજવીઓ કરતા નોખી હતી. પોતાની સેનાનો ફોગટમાં વ્યય કરવાનું તેઓએ કદી ઉચિત નહોતું ધાર્યું. ઓછા નુકસાન સાથે ભરપૂર ફાયદો જ તેમનું ધ્યેય રહેલું. એ માટે તેઓએ ગેરીલા યુધ્ધનીતિનો પ્રયોગ કરેલો. કદી ખુલ્લાં મેદાનમાં લડાઈ ના આપી. દુશ્મનોને પહાડીઓમાં, ખીણોમાં ને ઘોર જંગલોમાં જ આંતર્યા, ને સાફ પણ કર્યા. વખત આવ્યે પીછેહઠ પણ એ માણસ કરી શકતો, ને આથી જ ફરીવાર સિંહની જેમ ત્રાટકી પણ શકતો. તેમણે ચલાવેલી આવી કૂટનીતિઓનો તો બહુ રોચક મજાનો ઈતિહાસ છે. ઘણીવાર તેમને દુશ્મન કલ્પી પણ ના શકે એ હદે યુધ્ધ ચાલાકી વાપરી જાણી છે.

પોતાની ભવાની તલવારની આણ હેઠળ તેમણે દખ્ખણમાં એક સ્વતંત્ર સામ્રાજ્ય ઊભું કર્યું. તોરણાનો કિલ્લો, સિંહલગઢ, જવાલીનો કિલ્લો વગેરે અનેક કિલ્લાઓ સર કરીને મરાઠા સામ્રાજ્યનો પાયો નાખ્યો. હવે તેણે ઔરંગઝેબની મુઘલ સલ્તનતને પણ પડકાર ફેંક્યો. શિવાજીની વધતી જતી આણથી દાજી ઉઠેલા બીજાપુરના સુલ્તાને શિવાજીને જીવતા કે મૃત પકડવાનો આદેશ આપીને કદાવર હાથી જેવા ભાસતા અફઝલખાનને શિવાજી પાસે મોકલ્યો. અફઝલખાને પોતાની છાવણીમાં શિવાજીને પ્રેમથી મળવા બોલાવ્યા. શિવાજીએ અફઝલખાનની ક્રુર દાનત પારખી લીધી. વાઘના નખ અને છાતી પર બખ્તર પહેરીને પહાડી શરીરવાળા અફઝલને તેઓ ભેંટ્યા. અફઝખાને ભેંટતી વખતે હાથમાંની કટાર શિવાજીના બરડામાં ઘુસેડવાનો યત્ન કર્યો પણ ત્યાં તો પહેરણની નીચેના બખ્તરનો ખડીંગ દેતોકને અવાજ થયો..! એ જ વખતે વિજળીક શાં વેગે શિવાજીએ હાથમાંના વાઘ નખ વડે અફઝલખાનની છાતી ચીરી નાખી. દગો..દગોના અવાજ કરતો અફઝલ ભફ..દઈને હેઠો પડ્યો. એમના સૈનિકો દોડ્યા પણ અગાઉથી જ નક્કી કર્યાં મુજબ શિવાજીના બહાદુર સૈનિકો અમુક-અમુક અંતરે ઉભેલા જ હતા – તેમણે એકેએક દુશ્મનને રહેંસી નાખ્યો. ઈતિહાસ આજે પણ અફઝલની છાતીને ને શિવાજીના વ્યાઘ્રનખને ભુલ્યો નથી. એ પછી બીજાપુર સાથે બે હાથોહાથની લડાઈઓ થઈ જેમાં શિવાજીએ બીજાપુરનો ‘દાડીયોયે ના આવવા દીધો’ એમ કહેવું ખોટું નથી!

મુઘલ સામ્રાજ્ય વખતે સુરત ભારતનું ધીકતું બંદર હતું. મુઘલોનો મોટાભાગનો વ્યવહાર અહીંથી ચાલતો. ભારતનું મક્કા તરીકે ઓળખાતું આ બંદર પુષ્કળ સમૃધ્ધિ ધારાવતું હતું. જ્યારે ઔરંગઝેબની સામે બોલવાની પણ ભારતના કોઈ રાજાઓમાં હામ નહોતી ત્યારે શિવાજીને બબ્બે વાર સુરતને લૂંટ્યું હતું, એમના સુબાઓને ખો ભુલાવી દીધી હતી! અને એ સઘળી સંપત્તિ માત્ર રાષ્ટ્ર નિર્માણાર્થે જ વાપરી જાણી હતી.

પુરંદરની સંધિ વખતે શિવાજીને ઘણાં કિલ્લાઓ મુઘલ સલ્તનતને પાછાં આપવા પડેલા પણ એ પછી શિવાજીએ ફરીવાર એ સંધિને ના ગણકારતા પોતાની વિજયયાત્રા આગળ વધારી હતી. સંધિ બાદ આગ્રાના કિલ્લામાં મિજબાનીને બહાને ઔરંગઝેબે શિવાજીને કેદ કરેલા અને શિવાજી પણ એવી જ સિફતથીછટકી ગયેલા એ વાતો જાણીતી છે. અંતે, 1674માં પોતાને મહારાષ્ટ્રના પૂર્ણ સ્વતંત્ર શાસકના રૂપમાં ‘છત્રપતિ’ તરીકે ઘોષિત કરેલ. શિવાજીનો આ રાજ્યાભિષેક એમના કઠોર પરિશ્રમ, હિતેચ્છુઓની સદાની શિખામણ, સાથીઓનો અણમોલ સહકાર અને માતા ભવાનીની સદાની અમીદ્રષ્ટિનું પરીણામ હતું. એમના સાથીદારોમાં તાનાજી માલસુરે જેવા વીરનરનું નામ કદી વિસરાય તેમ નથી. સિંહલગઢ ચડાઈ વખતે ઘેર દિકરાના લગ્ન હોવા છતાં યુધ્ધમાં આગેવાની લેનાર અને શહીદ થનાર એ નરવાહન આજે પણ ‘ગઢ આલા પર સિંહ ગેલા’ની ઉક્તિથી અમર છે.

3 એપ્રિલ, 1670ના રોજ રાયગઢના કિલ્લામાં હિંદમાતના આ અજાજૂડ બેટાએ પ્રાણ છોડ્યાં. એમના પછી પુત્ર શંભાજીએ ગાદી સંભાળી.

મહારાષ્ટ્રની મુલાકાત લો ત્યારે શિવાજીએ જીતેલા એકાદ કિલ્લાની મુલાકાત જરૂર લેજો. એ વિશાળ સહ્યાદ્રિની પહાડીઓ પર નજર નાખજો, જેના પર શિવાના ઘોડા રાત-દિ’ ફરતા હતાં. એ માણસે પચ્ચાસેક વર્ષની આખી જીંદગી સદંતર રઝળપાટમાં વિતાવી. એમની તલવારે કદી વિસામો ના ખાધો. એમના ઘોડા કદી ના થંભ્યા કે ના એમનું સૈન્ય સિકંદરના સૈન્યની જેમ નમાલું નીવડ્યું! આ બધું કોના માટે કર્યું – અલબત્ત, આપણા માટે જ સ્તો! એ માણસે જીંદગીમાં કદી નીતી નહોતી ચુકી, કોઈ બેન-દિકરી પણ ઉઠીને નજર નાખી નહોતી કે ના કોઈ ગરીબને અંશ માત્રની પરેશાની આપી હતી. બસ, આટલું યાદ રાખશો તોયે ઘણું છે!

જય ભવાની!
જય શિવાજી!

Author: Kaushal Barad GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks