કાળ બનીને ત્રાટકી ટ્રક, 7 લોકોના મોત ! પહેલા બાઇકસવાર અને પછી બસની રાહ જોઈ રહેલા લોકો…એકબાદ એક બધાને કચડ્યા- જુઓ વીડિયો

અહીં થયો મોટો અકસ્માત, બેલગામ ટ્રકે અનેક લોકોને કચડ્યા, 7 લોકોના મોત, હ્રદય કંપાવી દેશે વીડિયો

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર અકસ્માતોની ઘટના સામે આવતી રહે છે, જેમાં ઘણીવાર અનેક લોકોના મોત નિપજતા હોય છે તો ઘણીવાર કેટલાક ગંભીર ઘાયલ થતા હોય છે. ત્યારે હાલમાં મધ્યપ્રદેશના રતલામમાં એક મોટા રોડ અકસ્માતની ખબર સામે આવી. અહીં એક બેલગામ ટ્રકે રોડના કિનારે ચાલી રહેલા લોકોને કચડી નાખ્યા. ટ્રકની ચપેટમાં આવવાને કારણે 7 લોકોના મોત થયા છે, જ્યારે 10 જેટલા લોકો ઘાયલ થયા હોવાની ખબર છે. ઘાયલોને રતલામની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અકસ્માતનો ભોગ બનેલા લોકો માતાના કાર્યક્રમમાં ભાગ લઈને ઘરે પરત ફરવા માટે બસની રાહ જોઈ રહ્યા હતા અને ત્યારે જ ટ્રક કાળ બનીને ત્રાટકી. આ ઘટનાના CCTV ફુટેજ પણ સામે આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ કલેક્ટર અને એસપી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી. ડીએમએ ઘાયલોને યોગ્ય સારવાર આપવા સૂચના આપી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના રતલામ જિલ્લાથી લગભગ 27 કિલોમીટર દૂર સત્રુંડા ચારરસ્તા પર બની હતી. સત્રુંડા ઈન્ટરસેક્શનથી એક રસ્તો રતલામ જાય છે, એક ઉજ્જૈન અને એક ઈન્દોર જાય છે.

ટ્રક રતલામથી બદનવર જઈ રહી હતી. આ દરમિયાન જ સત્રુંડા ચાર રસ્તા પર ચૌપાટી પાસે ટ્રકનું ટાયર ફાટ્યું, જેના કારણે બસ સ્ટોપ તરફ ટ્રક બેકાબુ થઇ ગઇ હતી.આ દરમિયાન બસ સ્ટોપ પર રાહ જોઈ રહેલા લોકોને ટ્રકે ટક્કર મારી દીધી. ટ્રક તેમની ઉપર દોડી ગઈ હતી અને એક બાઇકને પણ ટ્રકે ટક્કર મારી હતી. અકસ્માતને લઇને ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો. આ ઘટનામાં 7 લોકોના મોત થયા છે, સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. મૃતકોમાંથી ચારની ઓળખ થઈ ગઈ છે.

પોલીસનું કહેવું છે કે ટ્રક RJ37 GA8319 રતલામથી ઈન્દોર જઈ રહી હતી. આ ટ્રકમાં ભેંસ સવાર હતી. સત્રુંડા ચોકડી પર અચાનક ટ્રકનું ટાયર ફાટતાં ટ્રક બેકાબૂ બની ગઇ અને તેને કારણે આ દુર્ઘટના સર્જાઇ. ગ્રામ્ય ધારાસભ્ય દિલીપ મકવાણાને દુઃખદ અકસ્માતની જાણ થતાં જ તેઓ ઈન્દોરમાં એક કાર્યક્રમ છોડી રતલામ જવા રવાના થઈ ગયા હતા. રતલામની સરકારી હોસ્પિટલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાની વ્યવસ્થા ન હોવાથી ગુસ્સે થઈને અધિકારીઓને ફોન પર સૂચના આપી.

તાત્કાલિક એમ્બ્યુલન્સની વ્યવસ્થા કર્યા બાદ ગ્રામ્ય ધારાસભ્યએ જાતે જ એમ્બ્યુલન્સમાં મૃતદેહ રાખ્યો હતો અને મૃતદેહને મેડિકલ કોલેજમાં મોકલી આપ્યો હતો. ધારાસભ્ય દિલીપ મકવાણાએ સીએમ સાથે ચર્ચા કર્યા બાદ મૃતકોના મૃતદેહો અને ઘાયલોને આર્થિક મદદ કરવાની પણ વાત કરી છે.

Shah Jina