કૌશલ બારડ ધાર્મિક-દુનિયા લેખકની કલમે

રથયાત્રાની મેદની જોઈને અંગ્રેજો પણ અભિભૂત થયેલા, ડિક્શનરીમાં નવો શબ્દ ઉમેર્યો હતો! વાંચો જગન્નાથજીની ‘જગરનોટ’ રથયાત્રાની જાણી-અજાણી વાતો

કોટે મોર ટહુક્યા, વાદળ ચમકી વીજ;
(મારા) રૂદાને રાણો સાંભળ્યો, આવી અષાઢી બીજ!

અષાઢી બીજ એટલે ગુજરાતીઓ માટે એક અણમોલ તહેવાર. કચ્છી માડુઓ માટેનું નવું વર્ષ અને ભગવાન જગન્નાથજી માટેની શ્રધ્ધાળુઓની ભક્તિનો તહેવાર! મોડું ચોમાસું બેઠું હોય તો પણ ગુજરાત-સૌરાષ્ટ્રના ખેડૂતોને અષાઢી બીજનો વિશ્વાસ હોય જ. અષાઢી બીજ સુધીમાં વાવણી થઈ જાય અને ધરતી હરિયાળી ચાદર ઓઢી લે. આવી હરિયાળી-સમૃધ્ધ ગુજરાતની નગરી કર્ણાવતીમાં નાથોના નાથ ભગવાન જગન્નાથ, હળધારી બલરામ અને બેન સુભદ્રાની રથયાત્રા નીકળે. લાખો માણસ એકઠું થાય, ગજરાજો મલપતા જાય, પ્રસાદ વહેંચાય, અનેક પ્રકારના કરતબો થાય, મોસાળમાં ભગવાનનું મામેરું ભરાય… જાણે આખો માહોલ જ ભક્તિમયબની જાય!

Image Source

હાલ ભગવાન જગન્નાથની ૧૪૨મી રથયાત્રા અમદાવાદ ખાતે નીકળવાની છે ત્યારે અહીં અમે તમને રથયાત્રા વિશે જણાવીશું એ બધી જ વાતો જે તમે જાણવા માગો છો અથવા તમારે જાણવી જોઈએ. કઈ રીતે થઈ શરૂઆત? શું મહત્ત્વ છે યાત્રાનું? આખા પરિપ્રેક્ષ્ય વિશે વાંચી લો અહીં ટુ ધ પોઇન્ટ મુદ્દાઓ :

અષાઢી બીજના દિવસે નીકળતી આ રથયાત્રાનો પ્રારંભ છેક ૧૮૭૬માં થયેલો. જગન્નાથ મંદિરના રામાનંદી સંપ્રદાયના ગાદીપતિ નૃસિંહદાસજીએ યાત્રાનો પ્રારંભ કરાવેલો. જગન્નાથજીનું મંદિર અંદાજે સાડા ચારસો વર્ષ જૂનું છે.

 ભગવાન જગન્નાથ એટલે શ્રીકૃષ્ણ. જગન્નાથરૂપે તેમનું મુખ્ય મંદિર તો ઓડિસાના પુરીમાં આવેલું છે. અહીં પણ અષાઢી બીજના રોજ ભવ્ય રથયાત્રા નીકળે છે. અમદાવાદની રથયાત્રા ભારતભરમાં બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે. આ સિવાય ગુજરાતમાં ભાવનગર, વડોદરાની રથયાત્રાઓ પ્રખ્યાત છે.

Image Source

આ ભવ્ય રથયાત્રામાં લાખોની માત્રામાં શ્રધ્ધાળુઓનો સાગર ઉમટે છે. ભગવાન જગન્નાથનો નંદીઘોષ રથ, બહેન સુભદ્રાનો કલ્પધ્વજ રથ અને બલરામનો તાલધ્વજ રથ મુખ્ય આકર્ષણ છે, જે માનવમેદની દ્વારા ખેંચવામાં આવે છે. આ ઉપરાંત હાથી, ઘોડા, અખાડાના મહંતોની સવારીઓ, વિવિધ કરતબબાજોના ખેલો અને ‘જય રણછોડ, માખણચોર!’ના નાદ રથયાત્રાની ભવ્યતાનાં પાસાં છે. આ વખતની રથયાત્રામાં ૧૮ ગજરાજો અને ૧૦૧ ટ્રકો શામેલ છે.

રથયાત્રાના થોડા દિવસ અગાઉ ત્રિમૂર્તિને જલસ્નાન કરાવવામાં આવે છે. રથયાત્રાના દિવસે સવારના ચારેક વાગ્યાના પહોરે મંગળા આરતી કરવામાં આવે છે. સૂર્ય નારાયણ પૃથ્વી પર કિરણો છૂટાં મૂકવાની તૈયારી આરંભે એ વખતે ગુજરાતના મુખ્યમંત્રી ‘પહિંદવિધી’ કરીને રથયાત્રાનો શુભારંભ કરાવે છે. પહિંદવિધી એટલે સોનાની સાવરણીથી ભગવાનની રથયાત્રાનો માર્ગ સાફ કરવો. ઓરિસ્સાના પૂરીમાંથી આ પ્રથા ચાલી આવે છે. બહુ સમય વીતી ગયો છે એ વાતને કે જ્યારે કલિંગાધીપતિ ખુદ પહિંદવિધી કરતા.

Image Source

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા પ્રભુના મંદિરથી રથયાત્રા નીકળે છે તે ભગવાનના મોસાળ મનાતા સરસપુરમાં આવે છે. અહીં ભાણેજો(જગન્નાથ, સુભદ્રા અને બલદેવ)નું મામેરું સ્થાનિકો દ્વારા કરવામાં આવે છે. મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. ખાસ કરીને મગ અને જાંબુંનો પ્રસાદ આપવામાં આવે છે. ચોમાસાની શરૂઆતમાં આ બંને ચીજો શરીરની હિતરક્ષક છે. આ ઉપરાંત ખીચડી પણ વહેંચવામાં આવે છે. પ્રભુને પણ ખીચડીનો ભોગ ચડાવવામાં આવે છે. આશરે ૧૩ કિલોમીટર ઉપરનો રૂટ તય કરીને રાત્રે આઠેક વાગ્યાના સુમારે પ્રભુ ફરીવાર નીજમંદિર પધારે છે ત્યારે આખો દિવસ પ્રભુ સાથે ફરેલા ભાવિકો, પોલીસરક્ષકો અને અર્ધલશ્કરી દળોના મુખ પર પરમ સંતોષ વ્યાપે છે.

જેઠ મહિનાની પૂનમના રોજથી ભગવાનને જમાલપુરના મુખ્ય મંદિરથી સરસપુર લઈ જવામાં આવે છે. એ પછી રથયાત્રા આડા બે’ક દિવસ બાકી રહે એટલે ભગવાન નીજમંદિરે પાછા પધારે છે. મોસાળ સરસપુરમાંથી પાછા ફરેલા પ્રભુએ વધારે પડતી કેરીઓ આરોગી લીધી હોઈ તેમની આંખો મોટી થઈ જાય છે. ‘ભગવાનને આંખો આવી’ની આ પ્રથા બહુ રસપ્રદ છે. આ વખતે ‘નેત્રોત્સવ’ ઉજવવામાં આવે છે અને ભંડારો કરી હજારો સાધુ-સંતોને દૂધપાક અને માલપુડાનું જમણ અપાય છે.

 જૂના અમદાવાદના નિર્ધારીત માર્ગ ઉપર જ દરવર્ષે ભગવાન જગન્નાથ નગરચર્યા પર નીકળે છે. અમદાવાદ ચાહે બદલાય જાય પણ પ્રભુનો માર્ગ નથી બદલાવાનો!

 આઝાદી પછીથી લઈ ૧૯૯૨ સુધીમાં ક્યારેક-ક્યારેક રથયાત્રાના તહેવારો નીચ માનસિકતા ધરાવતા તત્ત્વો દ્વારા કોમી એકતાનું ખંડન કરવાના પ્રયાસો થતા રહ્યા હતા. પણ ૧૯૯૨ બાદ એકંદરે મુસ્લીમો પણ પ્રભુની રથયાત્રા માટે માન ધરાવતા થયા છે. આ વખતે તો મુસ્લીમ બિરાદરો દ્વારા જગન્નાથ મંદિરને ચાંદીનો રથ પણ અર્પણ કરવામાં આવ્યો છે.

 અંગ્રેજી ડિક્શનરીને  ‘Juggernaut/જગરનોટ’ શબ્દ આ રથયાત્રાની જ દેન છે. Juggernaut શબ્દનો અર્થ થાય છે ‘જેને રોકીના શકાય તેવું’. જગન્નાજીના આ પર્વની સિંધુના વહેણ જેવી વણથંભી મેદની જોઈને અંગ્રેજોએ એક નવો શબ્દ ડિક્શનરીમાં ઉમેર્યો.

સરકાર દ્વારા કરવામાં આવતી રૂટની સુરક્ષા પણ પ્રશંસાપાત્ર છે. હાલ હજારોની માત્રામાં પોલીસ અને અર્ધ લશ્કરી દળોના જવાનો ખડેપગે હોય છે. આધુનિક ટેક્નોલોજીનો પણ સુરક્ષા વ્યવસ્થામાં સુંદર રીતે ઉપયોગ કરવામાં આવે છે.

અષાઢી મેઘની ઝરમર વરસતી હોય, ધરતીમાતા લીલું ઓઢણું ઓઢીને માનવોને ખુશાલી પ્રદાન કરી રહી હોય એ વખતે કર્ણાવતી નગરીમાં પ્રભુ સામે ચાલીને ભક્તોને દર્શન આપવા આવે એ દિવસ એટલે અષાઢી બીજ અને એ પર્વ એટલે ‘રથયાત્રા’નું મહત્ત્વ તો અનેરું જ હોય ને!

જય જગન્નાથ!
જય રણછોડ, માખણચોર!

Author: Kaushal Barad GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks