ઇન્ડસ્ટ્રિયલિસ્ટ જ નહિ ફિલ્મ પ્રોડ્યુસર પણ રહી ચૂક્યા છે રતન ટાટા, અમિતાભ બચ્ચનની આ ફિલ્મમાં લગાવ્યા હતા કરોડો રૂપિયા

રતન ટાટાની પહેલી ફિલ્મ બની છેલ્લી, પાણીની જેમ વહાવ્યા હતા પૈસા- બોક્સ પર થયો હતો આવો હાલ

મહાન ઉદ્યોગપતિ રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન થયું છે. લોકો તેમને તેમના ઉમદા કાર્ય અને ટાટા ગ્રુપના ચેરમેન તરીકે ઓળખે છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે તેમનું બોલિવૂડ સાથે પણ ગાઢ જોડાણ છે. તેમની એક બોલિવૂડ ફિલ્મમાં ભાગીદારી રહી છે. તેમણે ફિલ્મ ‘ઐતબાર’નું સહ-નિર્માણ કર્યું હતું.

જી હા ! અમિતાભ બચ્ચન, જોન અબ્રાહમ અને બિપાશા બસુ સ્ટારર ફિલ્મ રતન ટાટા દ્વારા સહ-નિર્માણ કરવામાં આવી હતી. રતન ટાટાએ 2004માં વિક્રમ ભટ્ટ દ્વારા નિર્દેશિત રોમેન્ટિક સાયકોલોજિકલ થ્રિલર ‘ઐતબાર’નું સહ-નિર્માણ કર્યું હતું. ટાટાએ મનોરંજનની દુનિયામાં પહેલી વાર પ્રવેશ કર્યો હતો. રતન ટાટા સાથે આ ફિલ્મનું સહ નિર્માણ જતીન કુમારે પણ કર્યુ હતુ.

આ ફિલ્મ 1996ની હોલીવુડ ફિલ્મ ‘ફિયર’ની વાર્તા પર આધારિત હતી, જેમાં જુસ્સો અને કૌટુંબિક સંબંધો દર્શાવવામાં આવ્યા હતા. જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી શકી ન હતી. ફિલ્મનું બજેટ 9.50 કરોડ રૂપિયા હતું અને તેણે માત્ર 7.96 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મ પછી રતન ટાટાએ ફિલ્મ પ્રોડ્યુસ કરવામાં રસ દાખવ્યો ન હતો.

જણાવી દઈએ કે રતન ટાટાનો ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે ઓછો સંબંધ હોવા છતાં અહીંના લોકો સાથે તેમના સંબંધો ખાસ હતા. રતન ટાટાના આમિર ખાન સાથે સારા સંબંધો હતા, જ્યારે તેમણે બાંદ્રામાં કાર્ટર રોડ પર પોતાનું ઘર બનાવ્યું ત્યારે તેમણે આમિર ખાન અને કિરણ રાવને તેમના નવા ઘરમાં ડિનર માટે આમંત્રણ આપ્યું હતું. રતન ટાટાની અમિતાભ બચ્ચન સાથે પણ સારી મિત્રતા હતી.

આ સિવાય 60 અને 70 ના દાયકાની હીરોઈન સિમી ગ્રેવાલ સાથે રતન ટાટાના ગાઢ સંબંધો હતા અને બંને એક સમયે લગ્ન પણ કરવાના હતા. કેટલાક કારણોસર આમ ન થયું પરંતુ બંને સારા મિત્રો બનીને રહ્યા. સિમી ગ્રેવાલે પોતે જ એક ઈન્ટરવ્યુમાં આ વાત કહી હતી અને રતન ટાટાના ખૂબ વખાણ કર્યા હતા.

Shah Jina