[અહીં એ બધું જણાવવામાં આવશે, જે ખરેખર અજાણ્યું છે અને જબરદસ્ત છે. શરત માત્ર એટલી કે, ઘડીભર ફાલતુ વાતોને ભૂલીને ધીરજ ધરીને વાંચી જજો. ને ગમે તો લીંક શેર પણ કરી જ દેજો.]
ક્યારેક સવાલ એ થાય કે આપણે ભારતના ઇતિહાસને જાણીએ છીએ જ કેટલો? ૫ થી ૧૨ ધોરણના પાઠ્યપુસ્તકોમાં જેનો સમાવેશ કરવામાં આવ્યો છે એ જ ઇતિહાસ છે? ઇતિહાસ આટલો જ છે? ના, કદાપિ નહી. ઇતિહાસ માત્ર આટલો તો નથી જ અને આવો પણ નથી! ઇતિહાસ બહુ નોખો છે.
એ રક્તરંજિત, સ્વાભિમાનથી શોભતો અને ભારતના સર્વાંગી ગૌરવને યર્થાથ ઠરાવતો ભૂતકાળ જોવો હોય તો એકાદ ડોકિયું રાજસ્થાનની ભૂમિ પર કરી જોવું. અહી મળે છે ગંજાવર કિલ્લાઓ, વિશાળ સ્તંભો – રાજમહેલો, અનેક શૂરવીરોની ગાથાઓ અને અસંખ્ય નારીઓના સ્વાભિમાનની મહેકતી કથાઓ. આજે વાત કરવી છે એક કિલ્લાની. કિલ્લો તો જાણે ભારતનો બીજો સૌથી મોટો કિલ્લો છે, પણ વાત માત્ર એના સ્થાપત્યની કે ડિઝાઇનની નથી. અહીં વાત છે એક ક્ષત્રિય રાજાની કુરબાનીની અને અનેક રાજપૂતાણીઓના જૌહરની. હવે શરૂ થતી રોચક અને રહસ્યભરી ગૌરવમય ઇતિહાસની વાત વાંચો નીચે:

ભારતનો બીજા નંબરનો સૌથી વિશાળ કિલ્લો —
રાજસ્થાનની ઉત્તર-પૂર્વે સવાઇ માધુપર જીલ્લો આવેલો છે. આ જીલ્લો બે પર્યટન સ્થળોથી ખાસ્સો પ્રખ્યાત છે: એક તો રણથંભોર નેશનલ પાર્ક, કે જ્યાં વિહરતા વાઘો, વનો ને પહાડીઓ જોવા એ જીવનનો એક લ્હાવો છે. બીજું સ્થળ એટલે રણથંભોરનો કિલ્લો; જેની હડીમદસ્તા જેવી દિવાલો જોઈને આંખો ફાટી પડે છે, જેનું કંઈ કેટલાંય વિસ્તારમાં થયેલું અડીખમ બાંધકામ જોઈને ઘડીભર કોઈ પણ માણસ ઘા ખાઈ જાય છે!
રણથંભોરનો કિલ્લો આજે પણ લોકોમાં પ્રખ્યાત છે. બહારથી આ કિલ્લાની તોતિંગ અજગર જેવી પડેલી દિવાલો જોઈને તો અચંબિત થઈ જ જવાય પણ અંદરનો નજારો તો એનાથી પણ બહેતર છે. દુશ્મનો આ કોટનું એક કાંગરું તો શું, ‘કાંકરી’ પણ ખેરવી શકે તો ભયો-ભયો! અલાઉદ્દીન ખિલજી પણ અહીંથી ભૂંડે હાલે હારીને ગયો હતો!
આ કારણે શત્રુ માટે આ કિલ્લો માથાનો દુ:ખાવો રહ્યો —
રણથંભોરનો કિલ્લો અજેય રહ્યો છે. સીધી રીતે તેના પર કોઈ પણ આક્રમણખોર કબજો નથી જમાવી શક્યો. એનું કારણ છે – કિલ્લાનું બહુ વિચારપૂર્વક અને બુધ્ધિમત્તાથી કરેલું બાંધકામ. આ જોરાવર કિલ્લાની ત્રણે બાજુ ઊંડી ખીણ છે, જ્યાંથી કોઈ કાળે દુશ્મનો આવી શક્યા નહી. વળી, એક તરફથી જે પ્રવેશમાર્ગ છે ત્યાં કિલ્લાનો મજબૂત દરવાજો છે. આમ તો કિલ્લામાં સાતેક દરવાજા છે. દરવાજાઓની રચના એવી છે કે, દૂરથી તે દુશ્મનોની નજરે ના ચડે. ખબર ના પડે કે અહીં દરવાજો છે! પ્રવેશદ્વારની આ એક ખૂબી છે અને બીજું એ કે, કદાચ શત્રુસૈન્ય હાથીને દોડાવીને દરવાજો તોડવાની કોશિશ કરે તો એમાં પણ એ નાકામ રહે. દરવાજા ત્રાંસા છે. હાથીના મસ્તકના લાગમાં ઝટ ન આવે એવી એની રચના છે.

જ્યારે હમ્મીરદેવ સામે ખીલજી ભૂંડી રીતે હાર્યો —
રણથંભોરના કિલ્લાની વાત આવે ત્યારે એક બહુ પ્રખ્યાત પંક્તિ હોઠ પર અનાયાસે આવી જાય:
સિંહ સુવન, સતપુરુષ વચન, કદલી ફલે એક બાર;
તિરિયા તેલ ઔર હમીર હઠ, ચઢે ન દૂજી બાર!
આ બે લાઇનનો અર્થ આમ થાય છે: “સિંહ એક જ વાર સહવાસ કરે, સંત મહાત્મા એક જ વાર બોલે, કેળમાં એક જ વાર ફળ આવે, પરણવા જતી સ્ત્રીને એ વખતે એક જ વાર તેલ ચડે. બસ, કંઈક આવી જ હમ્મીરદેવની હઠ છે – એક વાર ઠાની લીધું એ ઠાની લીધું!”
લોકમુખે ચઢી ગયેલી આ પંક્તિઓની પાછળ એક સિંહપુરુષના શૌર્યનો અવિશ્વસનીય ઇતિહાસ રહેલો છે. એ માણસ એટલે રાવ હમીરદેવ ચૌહાણ. એક એવો ક્ષત્રિય, જેના લીધે રણથંભોર પ્રખ્યાત છે, જેના લીધે રાજસ્થાનની મરુભોમકા ઉજળી છે.
રણથંભોરનો કિલ્લો લગભગ ચોથી સદીમાં બંધાયેલો હોવાનું કહેવાય છે. એ વખતે યાદવવંશના રાજવી જયંતે આ કિલ્લો બંધાવ્યો હોવાનું માનવામાં આવે છે. જો કે, એ વખતે કિલ્લો એટલો વિશાળ કે જોરાવર નહી હોય જેટલો બાદમાં એને કરવામાં આવ્યો. એ પછી તો ઘણો વખત વીત્યો. શાહબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણને તરાઇનના યુધ્ધમાં હરાવ્યો અને ભારતમાં જુલ્મી અફઘાન સત્તાના પગરવ થયા. કહેવાય છે કે, પિતાજીના મૃત્યુ બાદ પૃથ્વીરાજ ચૌહાણના પુત્રએ રણથંભોરમાં આવીને રાજધાની વસાવી. આમ, આ કિલ્લો ચૌહાણોના હાથમાં આવ્યો.

એમાં સૌથી પ્રસિધ્ધ એટલે રાજા હમીરદેવ ચૌહાણ. કિલ્લાને એણે અભેદ બનાવ્યો. ૭ કિલોમીટરમાં વિસ્તરેલા એના ક્ષેત્રફળમાં અનેક બાંધકામો થયાં, સુવિધાઓ થઈ. હમીરદેવ ચૌહાણ એક બહાદુર રાજવી હતા. એ સમયે દિલ્હીની ગાદી પરથી ગુલામવંશનું શાસન ઉતર્યું હતું અને ખીલજીવંશનો ઉદય થયો હતો. કાકા જલાલુદ્દીન ખીલજીની કત્લ કરીને જેને રાક્ષસીવૃત્તિનો રાજવી કહેવો ઉચિત રહે એ અલાઉદ્દીન ખીલજી ગાદીએ આવ્યો હતો. અનેક દુર્ગુણોથી આ રાજવી ખદબદતો હતો. છતાં તેની પાસે વિશાળ સૈન્ય હતું અને લાગ વરતી જનારી બુધ્ધિ હતી એની ના નહી.
બન્યું એવું કે, અલાઉદ્દીન ખીલજીનો સેનાપતિ મુહમ્મદ શાહ દિલ્હીથી ભાગ્યો. શા માટે ભાગ્યો? કહેવાય છે કે, અલાઉદ્દીનની એક બેગમ સાથે તેને સબંધ હતો અને અલાઉદ્દીનને તેની જાણ થઈ ગઈ હતી. જો કે, ખીલજીઓના જનાનખાનામાં આવા આડાસબંધોના બનાવો કંઈ નવા નહોતા.
મુહમ્મદ શાહ ભાગ્યો તો ખરો પણ એને ભારતભરમાં કોઈએ આશરો ના આપ્યો. બધેથી જાકારો મળ્યો. પાછળ ખીલજીઓના ઘોડાના ડાબલાં ગાજતાં હતાં. આખરે મુહમ્મદ શાહ રણથંભોર આવ્યો. એ વખતે પૃથ્વીરાજ ચૌહાણ ‘રાય પિથોરા’ના વંશજ એવા હમ્મીરદેવ અહીં રાજ કરતા હતા. એણે મુહમ્મદ શાહને આશરો આપ્યો. રાજપૂતો માટે આશરા ધર્મ કંઈ નવી વાત નથી. આ જાતિ પરાપૂર્વથી અમુક ટેક શ્વાસ જેવી છે: ગાય અને બહેન-દીકરીની રક્ષા અને આશરે આવેલાને રક્ષણ. આ ટેક વિસરી જાય એ રાજપૂત નથી રહેતો. યાદ હશે તમને – મુઝ્ઝફરશાહને જામનગરના રાજવી જામ સતાજીએ આશરો આપીને સામે ચાલીને મુગલ બાદશાહ અકબરની સામે વેર બાંધ્યું હતું, જેના પરિણામે ગુજરાતનું પાણીપત કહેવાતું ‘ભૂચરમોરી’નું ભયંકર યુધ્ધ થયેલું. એક મુસ્લિમ બાદશાહને કાજે હજારો જામવંશી જાડેજાઓ ખપી ગયેલા!
બસ, કંઈક આવું અહીં પણ થયું.

અલાઉદ્દીને સંદેશો મોકલ્યો કે મુહમ્મદ શાહને સોંપી દો. પણ એ શી રીતે બને? હમીરદેવની ઘસીને ના આવી, એ મતલબની કે ‘થાય તે કરી લો!’ અલાઉદ્દીન કાળજાળ થયો. વિશાળ સેના લઈને એ રણથંભોર માથે ચડી આવ્યો. પણ રાવ હમીરને રોળી નાખવાની એની ભાગાકારી ગણતરીમાં છેદ ઉડવાની જગ્યાએ વદીઓ ચડી!
રણથંભોરના કિલ્લાનું મહત્ત્વ એણે ઓછું આક્યું હતું. પણ ખરેખર આ કિલ્લાને ભેદવો એટલે કુરુક્ષેત્રના મેદાનમાં દ્રોણાચાર્યએ બનાવેલા સાત કોઠા ભેદવા! અલબત્ત, અભિમન્યુ દ્રોણના તો સાતમાંથી છ કોઠા ભેદી શક્યો હતો પણ અહીં હમીરદેવના રણથંભોરનો એક કાંકરો પણ ખેરવવો અલાઉદ્દીનની સેના માટે લોઢાના ચણા ચાવવા બરાબર હતું. એક તો ગુડા ભાંગી નાખે એવી રણથંભોરની ભૂગોળ અને ઉપરથી ‘મહાદેવ હર!’ના નાદ સાથે રાજપૂતોના છાતી સોંસરવા ઉતરી જતાં તીરોનો મારો… થાય શું? ખીલજીસેના ખોટા દોકડાની જેમ પાછી ફરી. મુહમ્મદ શાહ તો ના મળ્યો પણ અલાઉદ્દીનને મોટાપાયે ખર્ચો બેઠો ને માણસો ગયા.
પણ હજુ વાર હતી. ભારતના ક્ષત્રિયો સાથે હંમેશા જે બનતું આવ્યું છે તે હવે બનવાનું હતું. હવે વખત આવે છે: જયચંદોના જાગવાનો! એ ત્રણ જણ હતા: રણમલ, રણતીપાલ અને સામંત ભોજરાજ. હતા તો હમીરદેવના સૈન્યના સેનાપતિઓ. પણ નમકહરામ થઈ ગયા – ખીલજીની લાલચમાં આવીને. ‘ઘર ફૂટ્યે ઘર જાય’ એ ઉક્તિ અહીં સાર્થક ઠરી. ત્રણે કમાન્ડરો ખીલજી સાથે ભળ્યા. રણથંભોરના ગુપ્તમાર્ગો, કોઠારો અને અન્ય સંવેદનશીલ જગ્યાઓની માહિતી ખીલજીને મળી ગઈ. એ ફરીવાર આક્રમણ લાવ્યો.

હમીરદેવને ગદ્દારોએ વાળેલા દાટ વિશે માહિતી મળી ગઈ હતી. હવે કિલ્લામાં રહીને યુધ્ધ કરવાનો શો ફાયદો? ચૌહાણોની સેના બહાર આવી. હમીરદેવે રાજઘરાનાની સ્ત્રીઓને કહી દીધું કે, કેસરિયો ઝંડો નમી પડે અને કાળો ઝંડો લહેરાવા લાગે એટલે માની લેજો કે આપણા અંજળપાણી પૂરાં થયાં! પછી ઘડીભરનું મોડું ના કરશો. અનેક રાણીઓ કેસરી વસ્ત્રો પહેરીને તૈયાર બેઠી. માત્ર રાણીઓ જ નહોતી, એમાં સ્વાભિમાની દાસીઓ પણ હતી, વૃધ્ધ રાજમાતાઓ પણ હતી અને ફૂલની કળી જેવી દીકરીઓ પણ હતી. રાજપૂરોહિત વિધી કરવાનો સામાન લઈને તૈયાર બેઠા હતા.
‘શિવ-શમ્ભો’ના નારા સાથે રણમાં ઉઠતી જોરાવર આંધીની જેમ રાજપૂતોનું સૈન્ય બહાર આવ્યું. સેના તો ખીલજીની પણ હતી, પણ આ તો દાવાનળ હતો! ખબર હોય કે, શત્રુઓ જીતશે તો બહેન-દીકરી કે માતૃભૂમિ સલામત નથી રહેવાની ત્યારે જે જુસ્સો આવે એ અલાઉદ્દીનના સૈન્યમાં ન હતો, હમ્મીરદેવના લશ્કરમાં ભરપૂર હતો! કેસરિયા કરીને જ ઉતરેલા રાજપૂતો કપાયા તો ખરા, પણ ખીલજીની સેનામાં જે ભંગાણ પડ્યું એ અભૂતપૂર્વ હતું. સલ્તનતનો હરેક સૈનિક થોડી વારમાં જીવ બચાવવાને હાંફળોફાંફળો થવા લાગ્યો. રણથંભોરની પહાડીઓ તેમને ભયંકર લાગવા માંડી. રાવ હમ્મીરની તલવાર સપ્તસિંધુમાં ગર્જન કરતી કોઈ મૃત્યુદાયક અને કિનારે કાળો કરેરાટ કરી નાખનારી લહેર જેવી લાગવા માંડી. ભૌગોલિક રીતે રાજસ્થાનની ભોમમાં પગરવ માંડવા માટે થઈને રણથંભોરનું મહત્ત્વ સારી પેઠે જાણનારા અને તેને જીતવાને માટે તલપાપડ થનારા અલાઉદ્દીનને હવે પાસે જ રહેલો રણથંભોર આકાશગંગાઓની પેલે પાર આવેલા કોઈ તેજસ્વી તારક જેટલો દૂર લાગવા માંડ્યો. આખરે ફરીવાર ખીલજી સેના હારી. હારી તો ઠીક, હવે પોબારા ગણવા માંડી.

એક મિનિટ! પેલા ત્રણ ગદ્દારો આ વેળા શું કરતા હતા? એણે સમય સાધ્યો. એને જાણ તો હતી જ ચૌહાણોની પ્રથાની. અલાઉદ્દીનની ખીલજી સેના જેવી હારતી ભાળી કે તરત તેણે કાળા વાવટા ફરકાવ્યા અને કિલ્લા તરફ દોડવા લાગ્યા! દાવ તો તેણે ખરેખરનો અજમાવ્યો હતો.
હમીરદેવની નજર ગઈ. ‘અરે! પેટ માથે પાટું મારનારાઓ…’ કમાન્ડરોના કાળા વાવટાના ફરકાવવાના કાળા કર્મો જોઈ હમીરદેવનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો. ઘોડાને દોડાવી મૂક્યો એ ત્રણેની પાછળ.
કિલ્લામાં પહોંચી જ ગયેલા રણમલને ઊભો ચીરી નાખ્યો —
પેલા ત્રણેએ પાછળ જોયું તો ધૂળની ડમરી ઉડતી દેખાણી. આટલી ઝડપ તો હમીરદેવના અશ્વની જ હોય! મારી નાખશે હમણાં! અને ખરેખર એમ જ બન્યું. સેનાપતિ રણમલ પાછળ રહી ગયેલો. કિલ્લાની નજીક તો પહોંચી જ ગયો હતો. એક વાંભનું છેટું હતું. પણ જ્યાં કિલ્લામાં દાખલ થવા જાય છે એ વખતે જ પાછળ દેમાર વેગે આવી રહેલા રાવ હમીરની તલવાર વીજળીક વેગે ઝટકાણી. આવી સીધી રણમલની ગરદન ઉપર. ક્ષણનો પણ સમય ન વીત્યો ને સીધું રણમલનું માથું માખણના પીંડાની જેમ ધડથી અલગ થઈ ગયું. હમીરદેવનું આ સંઘેડાઉતાર પરાક્રમ બેજોડ હતું. આજે પણ તમે રણથંભોરનો કિલ્લો જોવા રખે જાઓ તો જોજો કે, કિલ્લાના ‘હાથી દરવાજા’ની આગળ એક મસ્તકનું શિલ્પ છે. અહીં જ રણમલનો ધડો ભાંગ્યો હતો. ભારતની ભાવિ પેઢીઓ આવીને જુએ અને શીખે કે, બધું કરજો પણ આ ન કરતા!

હમીરદેવના અશ્વનું અવિશ્વસનીય પરાક્રમ —
કિલ્લામાં મુખ્ય ચાર દરવાજા છે: નવલખી દરવાજો, અંધેરી દરવાજો, એલિફન્ટ ગેટ અને ગણેશ દરવાજો. ગણેશ દરવાજાની સામે ઊભાં રહો એટલે કાળમીંઢ પથ્થરની કરાડ પર એક નિશાન જોવા મળશે. નિશાન ઘોડાનાં ડાબલાનાં છે. અહીંથી ઊંચે જોજો. છેક ક્યાંય સુધી તો આ પથ્થરની કુદરતી કરાડ માત્ર થોડો ત્રાંસ લેતી ઉપર સુધી ચાલી જાય છે. એ પછી આવે છે છેક ઊંચે કિલ્લાની દિવાલ. દિવાલની ઊંચાઈ પણ ઘણી છે. કરાડની અને એ પછી કિલ્લાની દિવાલનો ટોટલ મારો તો એકાદ બહુમાળી ઇમારત પણ વામણી લાગે!
હમીરદેવે રણમલને તો કાપી નાખ્યો. પણ પેલા બીજા બે સેનાપતિઓ અંદર ઘૂસી ગયા હતા. એણે કિલ્લાના દરવાજા અંદરથી બંધ કરી દીધા. હમીરદેવના મુખ પર ચિંતાના વાદળો છાયા. હવે શું કરવું? હમીર દેવને ખ્યાલ તો હતો જ કે, આ ત્રણ નમકહરામોએ જે શોકસંદેશ ફરકાવતા કાળા વાવટા ફરકાવ્યા હતા તે ઉપર ઝરૂખેથી તાકી રહેલી રાણીઓએ જોઈ લીધા હશે. અને તેઓ જે આગળનું પગલું ભરવાની હતી તે ભયંકર હતું. ચૌહાણોની જીત થઈ હતી. હવે રાજઘરાનાની સ્ત્રીઓને રોકવી જોઈએ. કાળા વાવટા ફરકાવીને પેલા ત્રણે જે ભ્રમ પેદા કર્યો હતો એ વહેલીતકે દૂર કરવામાં જ વાત રહેતી હતી. ને આ બાજુ કિલ્લાના દરવાજા દેવાઈ ગયા હતા!

વખત ગુમાવવો પોસાય તેમ નહોતો. આરાધ્ય દેવ ભગવાન શિવનું સ્મરણ કરીને હમીરદેવે ઘોડાની લગામ મરોડી. ઘોડાને થોડે દૂર લઈ ગયા. લગામ ઝાટકી અને પવનવેગી અશ્વ સડસડાટ કરતો કાળમીંઢ પથ્થરોની દિવાલ ભણી દોડ્યો. દિવાલ પાસે પહોંચતા જ શરૂઆતના બે ડાબલાં સીધાં પથ્થરો પર ટેકવ્યાં અને થોડી જ વારમાં એ વીજળીક ઝડપે છલાંગ લગાવીને કરાડનું ચઢાણ કરતો દેખાયો! બસ વધારે થોડીક ક્ષણો અને ઉપરના ફકરામાં જેનો વિસ્તાર આપ્યો છે એ સઘળું ચઢાણ પાર કરીને, દુર્ગની રાંગ ઠેકીને અશ્વરાજ કિલ્લાની અંદર!
આ અવિશ્વસનીય પરાક્રમ હતું. આવું કરવા માટે અશ્વ કેવો પાણીદાર જોઈએ એનું માપ હજુ સુધી નથી નીકળી શક્યું. જે કરાડ ઉપર નજર નાખવા માત્રથી તમરી ચડે એ અભેદ માર્ગને રાવ હમીરના ઘોડાએ ભેદી બતાવ્યો હતો. આવું તો બહુ જોયું નથી. એક ચેતકનું આવું પરાક્રમ સાંભળ્યું છે, બીજું જુનાગઢમાં કાળુ મેરે કરી બતાવેલું. વધારે પણ કોઈ છે – પણ યાદ નથી.

અંદર જઈને હમીરે શું જોયું?
ઘોડો અંદર પહોંચી ગયો. પણ હાય રે! અહીં તો ‘બખત ગયો બીત’! રણથંભોર તો ભડકે બળતો હતો. રાણીઓ ક્યાં ગઈ? રાજપૂતાણીઓ કેમ દેખાતી નથી? હોય તો દેખાય ને! ભડભડતો અગ્નિ જાણે કહેતો હતો કે, એ તો મારી અંદર સમાઈ ગઈ છે! ગૌરવવંતી રાજપૂતાણીઓએ તો જ્યારે કાળા વાવટાને ઊંચો થતો જોયો હતો ત્યારે જ જોહર આરંભી દીધું હતું. રાજપુરોહિતે ઝટપટ વિધી પતાવી અને પછી જૌહરકુંડના ભડભડતા અગ્નિમાં એકસાથે અનેક રાજપૂતાણીઓ ‘જય ભવાની!’ના એકનાદ સાથે કૂદી પડી હતી. એમને જીવ નહોતો વ્હાલો, જીવતર સાથે એમણે જન્મી ત્યારથી જ નહી જેવો સબંધ રાખેલો. એમને વ્હાલી હતી ઇજ્જત! કોઈ કાફરની શી મજાલ કે ક્ષત્રિયાણીના દેહ ભણી નજર પણ નાખી શકે! અને વળી અલાઉદ્દીન તો આવા કરતૂતો માટે કુખ્યાત હતો. યુધ્ધ જીતી લીધું એટલે ક્ષત્રિયાણી પણ પોતાની થઈ જશે, એમ? કદાચ ધરતી ઉપરતળે થઈ જાય તોય ના બને! આ હતું રાણીઓનું અગ્નિજૌહર.
આ વખતે બીજું જોહર પણ થયું હતું. એ જલજૌહર હતું. એ કિલ્લાની રાંગની બહારના એક તળાવમાં થયું: પદ્મલા તળાવમાં. આ કોણે કર્યું? રાજપરિવારની પુત્રીઓએ – દીકરીઓએ! એમાં કુમળી વયની બાળાઓથી લઈને મુગ્ધાવસ્થાની કિશોરી હતી. પૂર્વે ક્ષત્રિય રાજપરિવારોમાં એવો રિવાજ હતો કે, પરિણીત સ્ત્રી અગ્નિજૌહર કરે, જ્યારે કુંવારી કન્યાઓ જળજૌહર કરે. હમીરદેવની કુંવરી ‘પદ્મલા’એ આ જૌહરનું નેતૃત્વ લીધેલું. ‘જય દુર્ગે!’ અને ‘જય ભવાની!’ના નારા સાથે રાજબાળાઓ પદ્મલા તળાવના પાણીમાં સમાઈ ગઈ! આ દેવીઓ જ હતી ને? લાખ વંદન પણ ઓછાં પડે તેમને!

હમીરહઠ —
રણવિજયી હમ્મીર દેવને સત્કારવા માટે અહીં કોઈ હતું નહી. હવે તો રણથંભોરનો આ વજ્ર શો કિલ્લો ભેંકાર ભાસતો હતો. બાળાઓનો કોલાહલ શમી ગયો હતો, રાણીઓના ઝાંઝર ઝણકાર હવે તો ભગ્ન હ્રદયમાં આભાસી રીતે જ ઝણકતા હતા… ચોતરફ ભેંકાર! ખીલજી અલાઉદ્દીન અને ત્રણ પાપીઓના પ્રતાપે કેટલા જીવો અકાળે જતા રહ્યા હતા!
ઉદાસ હમીરદેવને હવે જીવવું અકારું લાગ્યું. તેઓ ભગવાન શિવના શિવલીંગ આગળ આવ્યા અને પોતાને હાથેથી તલવાર ચલાવીને મસ્તક નોખું કરીને શિવજીના ચરણોમાં અર્પિત કરી દીધું! તેરા તુજકો અર્પણ, ક્યાં લાગે મેરા? એક સાક્ષાત્ શૂરવીરતાના અવતાર સમાન નરવીરનું જીવન અહીં પૂર્ણ થયું!
એક લોકવાયકા કહે છે કે, જ્યારે હમીરદેવે ભગવાન શિવને શિર ચડાવી દીધું ત્યારે શિવજીએ અવાજ કર્યો હતો કે, ‘આ ના બને. તારા જેવા વીરનું મસ્તક હું ના લઈ શકું. લઈ લે પાછું!’
હમીરદેવે ઘસીને ના પાડી. એકવાર થઈ ગયું એ થઈ ગયું! આજે પણ રાજસ્થાનમાં ‘હમીરહઠ’ શબ્દપ્રયોગ પ્રસિધ્ધ છે. કોઈના વધારે પડતા આગ્રહને લોકો આ શબ્દપ્રયોગથી સંબોધે છે.
સિંહ સુવન, સતપુરુષ વચન, કદલી ફલે એક બાર;
તિરિયા તેલ ઔર હમીર હઠ, ચઢે ન દૂજી બાર!
કહેવાય છે કે, હમ્મીર દેવના બલિદાન પછી હારેલા અલાઉદ્દીને આ કિલ્લાનો કબજો લીધો પણ અંદર કશું કાઢી લીધાં જેવું હતું નહી!

એ પછી તો આ કિલ્લા ઉપર અનેક રાજ્યોના કબજાઓ આવ્યા. આઝાદીની પૂર્વસંધ્યા સુધી એ જયપુરના રાજવીઓના શિકરાનું સ્થળ પણ રહ્યો. પણ હમીરદેવ અને રણથંભોર તો એક વાયકા જેવો જ ઇતિહાસ થઈ ગયો! હવે હમીર તો ન જ થાય!
રાવ હમીરદેવ ચૌહાણ તો એક જ થઈ ગયા! આજે પણ આ પરાક્રમવીરની ગાથા સાંભળીને મસ્તક વિનયાદરથી ઝૂકી પડે છે. આપણે એના વિશે કેટલાં અંધારામાં છીએ? વળી, જે કિલ્લો ભેદવા માટે અલાઉદ્દીન સહિત મુઘલોને પણ લોહીનું પાણી કરવું પડ્યું છતાં જે કદી કોઈ સામે ન ઝૂક્યો એના વિશે આપણી જાણકારી પણ કેટલી? બહુ સીમિત!
કિલ્લાની અંદર ગણેશજીનું પ્રખ્યાત મંદિર —
રણથંભોર નેશનલ પાર્કના ત્રીજા ઝોનની અંતર્ગત આવતા રણથંભોરના કિલ્લાની અંદરનું સ્થાપત્ય પણ જોવા જેવું. રાવ હમીરદેવ પણ કલાપ્રેમી, વિદ્યાપ્રેમી અને સ્થાપત્યપ્રેમી હતા. ‘સારંગધર સંહિતા’માં તેમના નામે શ્લોકો પણ મળે છે. કિલ્લાની અંદર વિશાળ તળાવો બાંધીને પાણીની પ્રશંસનીય વ્યવસ્થા કરવામાં આવેલી છે. દરેક તળાવના એક ખૂણે કૂવો ખોદવામાં આવેલ છે, જેથી તળાવનું પાણી જમીની માર્ગે ગળાઈને કૂવામાં જાય. આમ, શુધ્ધ પાણી કાયમ માટે મળતું રહે. આ ઉપરાંત, જોતા રહીએ એવી કલાકોતરણી ધરાવતા બીજાં પણ મહેલો સહિતનાં અનેક બાંધકામો છે.
કિલ્લાની અંદર ગણપતિ દાદાનું એક મંદિર આવેલું છે. પુરાણા મંદિરનું મહત્ત્વ લોકોમાં ઘણું છે. ભાદરવા મહિનામાં ગણેશચતુર્થી આવે ત્યારે અહીં પાંચ દિવસ મેળો ભરાય છે. દૂર-સુદૂરથી લોકો આવે છે. ભગવાન ગણેશના ચરણોમાં શીશ ઝૂકાવે છે અને રણથંભોર દૂર્ગની રાંગ પરથી ચારેબાજુ ફેલાયેલી અતૂટ વનરાઈને જોઈને, ભગવાનની આ અમૂલ્ય પ્રસાદી વડે મન તૃપ્ત કરે છે.

રખે એમાંથી કોઈ યાત્રાળુઓને હમીરદેવ તલવાર ઘૂમતી સંભળાતી હશે? કોઈને અગ્નિમાં કૂદતી રાજપૂતાણીઓનો ધીરગંભીર સ્તુતિનાદ સંભળાતો હશે? કાન હોય તો સંભળાય!
[ભારતના ગૌરવ જેવો આ ઇતિહાસ તમે વાંચ્યો એ બદલ ધન્યવાદ. મહેરબાની કરીને આપના અન્ય મિત્રોને પણ લીંક શેર કરજો. જેથી એ પણ જાણી શકે રણથંભોરના રણબંકાની વાતને!
એક નોંધ: અહીં ‘જૌહર’ની વાત આપણા વારસાના-સંસ્કૃતિના ગૌરવમયી ઇતિહાસના ભાગરૂપે કરવામાં આવી છે. બીજી કોઈ ભાવના રહેલી નથી.]
Author: Kaushal Barad GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks