દિલધડક સ્ટોરી રસપ્રદ વાતો લેખકની કલમે

રંગોનો ત્યોહાર મુબારક – હોળીનાં રંગોથી આજે એક દીકરાએ અને એક દીકરીએ પોતાની માની ભીતરનો અંધકાર દૂર કરી માતાની દુનિયાને રંગીન બનાવી…..!!!

આજે હોળીનો ત્યોહાર છે. આપણાં ઘરમાં તો ક્યારેય હોળીનો ત્યોહાર ઉજવવામાં જ નથી આવતો…તો હું કંટાળી ગઈ છુ. મોમ, હું મારી ફ્રેંડના ઘરે જ હોળી સેલિબ્રેશન માટે જાવ છું. કમ સે કમ મને એના ઘરે તો તહેવાર જેવુ લાગશે, “ વિશ્વા એ એક ફરિયાદ કરતી હોય એમ બેગ પેક કરતાં કરતાં બીનાને કહ્યું.
આ સાંભળી તથ્ય પણ બોલ્યો : તો હું શા માટે અહીંયા રહું ? હું કોની સાથે હોળી રમીશ ? હું પણ તારી સાથે જ આવું છુ. મારા પણ એક જોડી કપડાં તારી જ બેગમાં નાખી દે ચાલ, ચાપલી !!

“એક તો આવવું પણ છે અને ચાપલી પણ કહેવી છે ?”, તથ્યના કપડાં બેગમાં ભરતા ભરતા વિશ્વા મોં મચકોડી બોલી.
બીના બંને ભાઈ બહેનની નોક જોક અને જઈ રહ્યા હતા એ ચૂપચાપ જોતી રહી ને આંખનો એક ખૂણો ભીનો કરી પોતાનું દુખ અને પીડા પોતાના બાળકોથી છૂપાવતી ગઈ. જેમ તે વર્ષોથી છૂપાવી રહી એમ. ને દિલમાં દર્દ હોવા છ્તા હસતું મોં રાખીને બંને ભાઈ બહેનને એક પ્રશ્ન પણ પૂછ્યા વગર જવાની મંજૂરી આપી. એ ચૂપચાપ ત્યોહારના દિવસે પણ પોતાના ઘરને નીરસ નજરે ખાલી ખમ થતું જોઈ રહી.

હજી છે પણ કેવડા બંને ? માંડ પંદર ને સોળ વર્ષના જ ને ? હજુ શું ખ્યાલ આવે એમને આ દુનિયાદારીનો ? આમ વિચારતા વિચારતા ખાલીખમ ઘર અને દિવાલોની વચ્ચે એકલી રહેલી બીના મન મનાવી ફળિયામાં રહેલા હીંચકા ઉપર જઈને બેસી ગઈ.
બીનાનો એકાંતનો સાથી એટલે હીંચકો. એની હરેક મનોવ્યથા એકલો હિંચકો જ જાણે…બાકી કોઈ નહી. બીના આજે પણ પોતાની એકલતાને ગૂંથવા માટે હીંચકે જઈ ચડી…

એને એની દીકરીના કહેલાં શબ્દો ખૂંચવા લાગ્યા, મનમાં એક જ વાત ઘૂંટાયા કરતી , કમ સે કમ મને એના ઘરે તો તહેવાર જેવુ લાગશે, “ અને ને સતત એ ખૂંચ્યા કરતી હતી.

ત્યોહાર જેવુ ક્યાંથી લાગે દીકરી ???

બસ આ જ શબ્દ મનમાં બોલી ને તરત જ આજથી 13 વર્ષ પહેલાની હોળી યાદ આવી ગઈ….

“બીના …એ બીના., આ કેસૂડાંના ફૂલ…..લે આટલા જ તે મંગાવ્યા હતા ને કે હજી વધારે જોઈએ”…ધ્વનિતે આખો કોથળો ભરીને કેસૂડાના ફૂલ બીનાની સામે ધરતા કહ્યું.

“અને આ લે તારા શરબતના બાટલા અને આ ધાણી , ખજૂર અને શીંગ, દાળિયા અને આ કંકુ ને ગુલાલ…અને હા આ પીચકારીઑ આપણાં બંને બાળકો માટે….ને આ તારા માટે સ્પેશિયલ મોગરાની વેણી…અને હા કાલે જ હોળી છે..તો મારી આપેલી સાડી ને એમાં અંબોડો જ વાળજે ને આ વેણી તો હું જ તારા માથે અંબોડામાં લગાવીશ…, તને પણ એવું તો લાગવું જોઈએ ને કે તું મારા માટે કેટલી ખાસ છે”, બીના સામે આંખ મિચકારી ને રોમેન્ટીક અંદાજમાં ધ્વનિત બોલ્યો.

“ શું તમે પણ…આ કાઇ આપણી પહેલી હોળી થોડી છે ?? અને હવે તો બે છોકરાના બાપ બન્યા…હજી એવા ને એવા જ રહ્યા” , થોડા મીઠા છણકા સાથે પ્રેમથી શરમાતા શરમાતા બીના બોલી અને બધી જ વસ્તુ આટોપવા લાગી.
લે વાયડી થામાં, આ કાઇ છેલ્લી હોળી પણ નથી…સમજી …..હું સિતેર વર્ષનો થઈશ તો પણ આપણાં ઘરમાં હોળી તો આમ જ મનાવાશે…!!
“અલા, તહેવાર છે શુભ શુભ બોલો “

“લે હું તો ભૂલી જ ગયો કે આ મારી ચંપાને વાતે વાતે વહેમ પડે !”

“ ચમ્પા વાળા, થાવ ઊભા ને જાવ છોકરાને સ્કૂલેથી લઈ આવો..જુઓ ઘડિયાળમાં કેટલા વાગ્યા? “
બસ , સ્કૂલે લેવા ગયા પણ ઘરે હજી પાછા ન ફર્યા….આજે તેર વર્ષ વીતી ગયા.સાચે જ એ હોળીનો તહેવાર છેલ્લો જ સાબિત થયો!!, બીનાનું હૈયું આજે તેર વર્ષ પહેલા કરેલા વિરહના આક્રંદને ફરી જગાવી રહ્યું હતું.
એ બસ અકસ્માત……એ ઘરે આવેલી એમ્બ્યુલન્સ…ને એ નિરાધાર બનેલ હસતો રમતો પરિવાર…કેમ હું ભૂલું એ હોળી ? જેવી હોળી આવે કે મને મનમાં જ થડકો પડે…કેમ આવી હોળી ??? નથી ગમતો મને હોળીનો તહેવાર ,….! હું કેમ સમજાવું મારા બાળકોને ??

ને ત્યાં જ ડોર બેલ વાગે છે…ને દરવાજો ખોલે છે તો વિશ્વા અને તથ્ય સામે જ દેખાયા….એના કેટલાય મિત્રો સાથે ને દરવાજો ખૂલતાં વેંત જ વિશ્વાએ કંકુ અને ગુલાલ લઈને બીનાને રંગવા લાગી અને કહેવા લાગી…” મોમ હેપ્પી હોલી…હેપ્પી હોલી….!!!!

અરે પણ હું તો વિધવા છું…આ કલર ???

આ કલર નથી મા !! આ અમારો પ્રેમ છે….તારા દીકરા અને દીકરીનો પ્રેમ છે. પ્લીઝ આજે અમારા પ્રેમના રંગે રંગાઈ જાવ !!, તથ્ય અને વિશ્વા બીનાના પગમાં પડીને ભીની આંખ સાથે બેસી જાય છે.
મોમ અમને માફ કરી દો…અમે તો એ ભૂલી જ ગયા હતા કે મારી મોમના રંગો એટ્લે અમે બંને…એના નીરસ જીવનને રંગીન બનાવવાની જગ્યાએ એકલા મૂકી ચાલ્યાં ગયાં. મારી ફ્રેંડના ઘરે જઈને અમને તહેવાર અને પરિવારનું મૂલ્ય સમજાયું. અમને માફ કરી દો. !!

આ સાંભળી બીનાએ પણ પોતાનાં હાથમાં કંકુ લીધું ને પોતાનાં બંને સંતાનોને માથે ઉડાવી કહ્યું હેપ્પી હોલી.. !!

Author: Nirmata – GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks