અહીંયા મહાદેવના મંદિરમાં ભગવાનને ચડાવે છે કરચલા, જુઓ
ભગવાન શિવજી એટલે ભોળા સંભુ, દરેક ભક્તોની ભાવનાને શંકર ભગવાન સારી રીતે સાંજે છે અને તેમની મનોકામનાને પણ પૂર્ણ કરે છે. ભગવાન શંકરના મંદિરે જઈને આપણે શિવજીને બીલીપત્ર, દૂધ, ધતુરો અને રાખ જેવી વસ્તુઓ ચઢતા આપણે જોઈ છે, પરંતુ ગુજરાતમાં એક એવું પણ મંદિર આવેલું છે જ્યાં શિવજીને જીવતા કરચલાં ચઢાવવામાં આવે છે.

ભગવાન શિવજીનું આ અનોખું મંદિર આવેલું છે સુરતના ઉંમર ગામમાં, જ્યાં ભગવાન શિવજીને રામનાથ ઘેલા મહાદેવ તરીકે ઓળખાય છે. આ મંદિર 200 વર્ષ જૂનું છે. એવી પણ માન્યતા છે કે આ મંદિરમાં ભગવાન શ્રી રામના બાણથી જ શિવલિંગ પ્રગટ થયું હતું.

આ મંદિરની એક ખાસ વિશેષતા એ પણ છે કે અહીંયા ષડતિલા એકાદશીના દિવસે ભગવાન શિવજીના શિવલિંગ ઉપર જીવતા કરચલા ચઢાવવામાં આવે છે. આ મંદિર વિષે કહેવી માન્યતા છે કે આ સ્થાન ઉપર હજારો વર્ષો પહેલા જંગલ હતું અને ત્યારે ભગવાન શ્રી રામ જયારે વનવાસ દરમિયાન હતા અને તેમને તેમના પિતા રાજા દશરથના અવસાનના સમાચાર મળ્યા હતા અને તેમને પોતાના પિતાની તર્પણ વિધિ તાપી નદીના તટ ઉપર કરવાનું વિચાર્યું હતું. ભગવાન શ્રી રામે દરિયા દેવને પ્રાર્થના કરતા દરિયા દેવ બ્રાહ્મણનું રૂપ ધરીને આવ્યા અને તર્પણની વિધિ પૂર્ણ કરી હતી. ભગવાન શ્રી રામે આ સ્થાન ઉપર બાણ માર્યું અને અહીંયા શિવલિંગ પ્રગટ થયું હોવાની વાત પણ તાપી પુરાણમાં મળે છે.

એવી પણ માન્યતા છે કે આ મંદિરમાં કરચલા ચઢાવવાથી કાનની પીડા દૂર થાય છે. અને શિવલિંગ ઉપર ચઢાવવામાં આવેલા આ કરચલાને પછી તાપી નદીમાં વિસર્જિત કરવામાં આવે છે.