Salangpur dispute, Ramesh ojhas : હાલ ગુજરાતની અંદર સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર હનુમાન દાદાના મંદિરમાં ચાલી રહેલા વિવાદનો મુદ્દો ખુબ જ ચર્ચામાં છે. આ મુદ્દાને લઈને ઘણા બધા સાધુ સંતો અને કથાકારોએ પણ વિરોધ નોંધાવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર હનુમાનજીની વિરાટ પ્રતિમાની તસવીરો ઘણી વાયરલ થઇ રહી છે. જેમાં જોવા મળી રહ્યું છે કે આ પ્રતિમાની નીચે કેટલાક ભીંતચિત્રો દોરવામાં આવ્યા છે. જેમાં નીલકંઠવર્ણી (સહજાનંદ સ્વામીનું કિશોરાવસ્થાનું નામ) સમક્ષ હનુમાનજી નમસ્કાર કરે એ મુદ્રામાં દેખાઇ રહ્યાં છે.
રમેશભાઈ ઓઝાનો વીડિયો વાયરલ :
ત્યારે આ મામલે મોરારી બાપુએ પણ વિરોધ નોંધાવ્યો હતો. જેના બાદ હવે કથાકાર રમેશભાઈ ઓઝાનો પણ એક જૂનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં રમેશભાઈ ઓઝા સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે લાલ આંખ કરતા જોવા મળી રહ્યા છે. રમેશભાઈ ઓઝા આ વીડિયોમાં જણાવી રહ્યા છે કે, “સનાતન ધર્મ સાથે ચેડા થઇ રહ્યા છે. કેટલાક સાધુઓ મનફાવે તે પ્રકારના વાણીવિલાસ કરી રહ્યા છે. જેને સુધરવાની જરૂર છે.”
સ્વામિનારાયણ સંપ્રાદાય ખુબ જ મહત્વનો છે :
તેમને આગળ એમ પણ જણાવ્યું કે “સ્વામિનારાયણના સંતો આ પ્રકારનો વાણીવિલાસ કરી રહ્યા છે તે આમનામ નથી. તે આવું ભણ્યા છે અથવા તો તેમણે આવું વાચ્યું છે. તેનો સીધો જ અર્થ છે કે ક્યાંય ચોપડા ચિતરાણા છે. આ ખોટી રીતે ચિતરાયેલા ચોંપડાના પન્ના ફાડી નાખો. સ્વામિનારાયણ સંપ્રદાય ખુબ જ મહત્વનો સંપ્રદાય છે સનાતનનો. પરંતુ એવું કંઇ પણ ન કરો જેનાથી સનાતનને નુકસાન થાય. આ હું નથી બોલી રહ્યો. રમેશ ઓઝા નથી બોલી રહ્યો પરંતુ વ્યાસજીનો પ્રતિનિધિ બોલી રહ્યો છું.
શંકર મહાદેવ પર પણ કરી વાત :
રમેશભાઈએ એમ પણ જણાવ્યું કે “શંકર મહાદેવ છે. દેવાનો દેવ છે માટે જ તેમને મહાદેવ કહેવામાં આવે છે. તમામ સંપ્રદાય મહાદેવ બાબતે નિર્વિવાદિત છે. આ જોઇને દિલ દુભાય છે. તમે તમારા છોકરાને પગે લગાવડાવો. સમજીનો બોલો. પોતાના ઇષ્ટ પ્રત્યે અનન્ય ભાવ જરૂરી છે પરંતુ બીજાને હલકા ચિતરીને ન હોય.” ત્યારે હાલ સોશિયલ મીડિયામાં તેમના આ યુટ્યુબનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકોના પ્રતિભાવ પણ સામે આવી રહ્યા છે.