રામાયણ’ સીરિયલ ફરીવાર દૂરદર્શન પર ટેલિકાસ્ટ થઈ એ સાથે લોકોને વિતેલા જમાનાના ડાયરેક્ટર રામાનંદ સાગર ફરીવાર યાદ આવ્યા. માત્ર રામાયણ જ નહી, રામાનંદ સાગરે અનેક ધાર્મિક સીરિયલો બનાવીને ભારતીય દર્શકોનાં દિલમાં રાજ કર્યું છે. રામાનંદ સાગરે ફિલ્મો પણ બનાવી છે પણ સફળતા તો તેમને ધારાવાહિકોનાં નિર્માણથી મળી.
અહીં વાત કરવી છે રામાનંદ સાગર સાથે કામ કરી ચૂકેલા એવા કલાકારોની, જેઓને આપણે ભલે કોઈ એક સીરિયલ થકી જાણતા હોઈએ પણ હક્કીકતમાં તેમણે રામાનંદ સાગરની અન્ય ધારાવાહિકોમાં પણ કામ કરેલું છે! રામાનંદ સાગરે આવા કલાકારોનું હિર પારખીને તેમને એકથી વધારે વાર મોકા આપ્યા છે. અહીં એ કલાકારોનાં નામ વાંચીને તમને નવાઈ જરૂર લાગશે:

અરૂણ ગોવિલ:
‘રામાયણ’માં રામનું પાત્ર ભજવનાર અરૂણ ગોવિલને કોણ નથી ઓળખતું? રામનાં પાત્ર થકી તેમને ખ્યાતિ એટલી મળી કે લોકો અરૂણ ગોવિલને જ ‘રામ’ માનવા માંડ્યા હતા! જો તમે રામાનંદ સાગરે જ બનાવેલી ‘વિક્રમ ઔર વેતાલ’ સીરિયલ જોઈ હશે તો ખ્યાલ હશે કે તેમાં રાજા વિક્રમનો રોલ પણ અરૂણ ગોવિલે જ ભજવ્યો હતો!

દીપિકા ચિખલીયા:
ગુજરાતી અભિનેત્રી અને રામાયણમાં માતા સીતાજીનું પાત્ર ભજવનાર દીપિકા ચિખલીયાની પ્રસિદ્ધિ વિશે પણ કંઈ કહેવાપણું નથી. સીતાજીના રોલમાં લોકો માત્ર આ જ અભિનેત્રીને સ્વીકારી શક્યા છે! દીપિકા ચિખલીયાએ પણ રામાનંદ સાગરની સીરિયલ ‘વિક્રમ ઔર વેતાલ’માં કામ કર્યું છે.

સુનીલ લહરી:
સુનીલ લહરી એટલે રામાયણના લક્ષ્મણ! લોકો લક્ષ્મણરૂપે સુનીલ લહરીને કદી ભૂલવાના નથી. લક્ષ્મણના પ્રભાવશાળી કિરદારને સુનીલ લહરીએ બરાબર ન્યાય આપ્યો છે. ઉલ્લેખનીય છે, કે સુનીલ લહરીએ પણ ‘વિક્રમ ઔર વેતાલ’માં કામ કરેલું છે.

વિજય અરોરા:
વધુ એક કલાકાર કે જેમણે રામાનંદ સાગરની ‘રામાયણ’ અને ‘વિક્રમ ઔર વેતાલ’માં અભિનય કર્યો છે. જો કે, વિજય અરોરાને વધારે લોકપ્રિયતા તો રામાયણમાં મેઘનાદ ઉર્ફ ઇન્દ્રજીતના વેશ થકી જ મળી!

પિંકી પરીખ:
ગુજરાતી અભિનેત્રી પિંકી પરીખે રામાનંદ સાગરની સાથે ઘણું કામ કર્યું છે. ‘શ્રીક્રિષ્ષા’ સીરિયલમાં ભગવાન કૃષ્ણનાં પત્ની દેવી રૂક્મણી તરીકે એમને વધારે ખ્યાતિ મળી છે. આ ઉપરાંત, ‘ઇતિહાસ કી પ્રેમકહાની’ અને ‘અલિફ લૈલા’ સીરિયલમાં પણ તેમણે કામ કરેલું. આ બંને ધારાવાહિકોનું નિર્માણ પણ રામાનંદ સાગરે જ કરેલું.

સ્વપ્નિલ જોશી:
આ કલાકારના ‘રામાયણ’ અને ‘શ્રીક્રિષ્ના’ ધારાવાહિકમાં આવેલા બંને રોલથી લોકો સુપેરે પરિચિત હશે. ‘રામાયણ’માં સ્વપ્નિલ જોશીએ કુશનું પાત્ર ભજવ્યું છે જ્યારે ‘શ્રીક્રિષ્ના’માં આ જ કલાકારે ભગવાન કૃષ્ણની કિશોરાવસ્થાનો રોલ પ્લે કર્યો છે.

શાહનવાઝ પ્રધાન:
રામાનંદ સાગરની ‘શ્રીક્રિષ્ના’માં નંદબાબાનો પાત્ર-અભિનય શાહનવાઝ પ્રધાને ભજવ્યો છે. આ ઉપરાંત ‘અલિફ લૈલા’ ધારાવાહિકમાં પણ તેઓ જોવા મળે છે.
આશા છે આ માહિતી તમને ગમી હશે. આર્ટિકલની લીંક આપના મિત્રો સાથે પણ શેર કરજો, ધન્યવાદ!
Author: કૌશલ બારડ: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.