દૂરદર્શન પર ફરીવાર પ્રસારિત થઈ રહેલ સ્વર્ગસ્થ રામાનંદ સાગરની ‘રામાયણ’ સીરિયલ લોકપ્રિયતાના જે અવનવા કીર્તિમાન સ્થાપિત કરી રહી છે તેની માહિતી હાલ તમે અનેક માધ્યમો દ્વારા વાંચી રહ્યા હશો. લોકડાઉનમાં ઉત્કૃષ્ટ ધાર્મિક મનોરંજન લોકોને સરકારી ચેનલ દ્વારા મળી રહ્યું છે અને લોકોનો પણ સામે એવો જ પ્રતિભાવ છે.
તમને જાણીને સુખદ આશ્વર્ય થશે કે હવે રામાયણની સરખામણી ભારતીય ટેલિવિઝન શો સાથે કરવાની વાત જૂની થઈ ગઈ! હા, રામાયણે વિશ્વ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે.

એક દિવસમાં સૌથી વધુ જોવાયેલ ટેલિવિઝન શો:
૧૬ એપ્રિલનો દિવસ ભારતીય ટેલિવિઝન સીરિયલ માટે ઇતિહાસ બની ગયો, જે ‘રામાયણ’ થકી બન્યો. ૧૬ એપ્રિલના દિવસે રામાયણ એક દિવસમાં વિશ્વમાં સૌથી વધારે દર્શકો દ્વારા જોવાયેલ ટેલિવિઝન શો બન્યો. આ દિવસે ૭.૭ કરોડ(૭૭ મિલિયન) લોકોએ રામાયણ જોઈ. આ આંકડો વિશ્વ રેકોર્ડ બનાવનારો હતો. અત્યાર સુધીમાં દુનિયાનો કોઈ પણ ટેલિવિઝન શો એક દિવસમાં આટલી બહોળી સંખ્યામાં દર્શકો મેળવી શક્યો નથી.
પ્રસાર ભારતીએ ટ્વિટ કરીને આ ખુશખબરી ટ્વિટર પર દર્શકો સાથે શેર કરી છે. લોકો પણ રામાયણની આ ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ દૂરદર્શનને અને રામાયણના સ્ટારકાસ્ટને અભિનંદન આપી રહ્યા છે.

આ રેકોર્ડ પણ રામાયણનાં નામે:
પ્રસાર ભારતીના નિર્દેશક શશિ શેખરે અગાઉ ટ્વિટ કરીને માહિતી આપી હતી કે, ૨૦૧૫થી અત્યાર સુધીમાં જનરલ એન્ટરટેઇનમેન્ટ કેટેગરી(સીરિયલ્સ)માં રામાયણ સૌથી પહેલાં સ્થાને છે. કહેવાનો મતલબ કે, ૨૦૧૫થી રામાયણ જેટલી ટીઆરપી કોઈ ટેલિવિઝન શો લાવી શક્યો નથી.
આ નવાનવા રેકોર્ડ થોડું વિચારવા માટે પણ મનને મજબૂર કરે છે, કે આજથી ત્રણેક દાયકા અગાઉ જ્યારે રામાયણ બની ત્યારે આજના જેવી આધુનિક ટેક્નોલોજી નહોતી. કેમેરા, ફિલ્મ સેટ, મેકઅપ, થ્રી-ડી ટેક્નોલોજી વગેરે કશું જ આજના જેવું નહોતું. એ જ રામાયણ આજે લોકોને આજની ભભકાદાર સિનેમેટોગ્રાફીથી છવાયેલી સીરિયલો, વેબ સીરિઝો વચ્ચે પણ સૌથી વધારે પસંદ આવી રહ્યો છે. કારણ? હજુ પણ ભારતીય સાત્ત્વિક અને જીવન-મૂલ્યોને વણી લેતું મનોરંજન ઇચ્છે છે. શરત એટલી કે એવું દેખાડનાર કોઈ હોવું જોઈએ!

બીજો એક સવાલ છે, કે દૂરદર્શનને હાલ જે વિશાળ માત્રામાં દર્શકોની સંખ્યાનો ‘જેકપોટ’ હાથ લાગ્યો છે તે તેનાથી જળવાશે ખરો? રામાયણ, મહાભારત, શ્રી ક્રિષ્ના અને ચાણક્ય જેવી સીરિયલો પૂરી થશે પછી દૂરદર્શન અને તેને સંલગ્ન ચેનલોની સ્થિતી પાછી હતી તેવી થઈ જશે? આવનારા સમયમાં ખબર પડી જશે.
ત્યાં સુધી તો –
સીતારામ ચરિત અતિ પાવન;
મધુર, સરસ અરુ અતિ મન ભાવન!
પુનિ-પુનિ કિતને હો સુને સુનાયે;
હિય કી પ્યાસ બુઝત ના બુઝાયે!
સારું લાગ્યું હોય તો લીંક આપના મિત્રો સાથે શેર કરી દેજો અને હાલ પૂરતા દરેકને આઘેથી રામરામ કરવાનું રાખી ઘરે રહેજો!
Author: કૌશલ બારડ: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.