કૌશલ બારડ ખબર લેખકની કલમે

રામાનંદ સાગરના પરિવારે રાત ઉજાગરા કરીને રામાયણ અપડેટ કરી! ફરીવાર પ્રસારિત થઈ રહેલી રામાયણ ૧૭૦ મિલિયન લોકોએ જોઈ છે! વાંચો રોચક હક્કીકત

“મને નરેન્દ્રભાઈનો ફોન આવ્યો. તેમણે કહ્યું કે, મારી ઇચ્છા દેશને રામાયણ બતાવવાની છે! તેમણે દૂરદર્શન પર રામાયણ રી-ટેલિકાસ્ટ કરવાનો પ્રસ્તાવ મૂક્યો.”

આ કહેવું રામાનંદ સાગરના પુત્રવધુ નિશાબેન સાગરનું! રામાનંદ સાગર તો હવે રહ્યા નથી પણ તેમનો પરિવાર હજુ તેમનો વારસો જાળવી રાખે છે. નિશાબેન મૂળે તો ગુજરાતના, ખેડાના ઉત્તરસંડાના વતની અને મુંબઈના નગરશેઠિયા મોહનભાઈ પટેલના દીકરી. રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગર સાથે તેમનાં લગ્ન થયાં અને એ નાતે તેઓ રામાનંદ સાગરના પુત્રવધુ બન્યા.

Image Source

રાત ઉજાગરા કરીને રામાયણનું નવું વર્ઝન બનાવ્યું:
૧૯૮૭માં રામાનંદ સાગરની ‘રામાયણ’ જ્યારે દૂરદર્શન પર ટેલિકાસ્ટ કરવામાં આવી ત્યારે દેશમાં હજુ ટેલિવિઝનનું ચલણ નવુંનવું હતું. આ સિરીયલને મળેલો પ્રતિસાદ ખરેખર ભવ્ય હતો, અભૂતપૂર્વ હતો. ઘણા લોકોએ ખાલી રામાયણ-મહાભારત જોવા ગાંઠનું ગોપીચંદન ઘસીને ટીવીઓ લીધી હતી! હવે એ રામાયણ અત્યારે ફરીવાર દૂરદર્શન પર આવે છે. કોરોનાના લીધે દેશ લોકડાઉન છે ત્યારે લોકોને ઉત્તમ કક્ષાનું મનોરંજન મળે છે.

રામાયણને લોકડાઉનના સંક્રાતિકાળમાં પુન:પ્રસારિત કરવાની સરકારની ઇચ્છારૂપે રામાનંદ સાગરના પુત્રવધુ નિશાબેનને વડાપ્રધાનનો ફોન આવ્યો. એ પછી વડાપ્રધાનની ઓફિસમાંથી સેક્રેટરી રામાનંદ સાગરના પરિવાર સાથે કોન્ટેક્ટ કરતા રહ્યા. રામાયણનું જૂનું વર્ઝન અપડેટ કરવાની જરૂર હતી. એ સમય માંગી લે તેવું કામ હતું, પણ આ બાજુ સૂચના અને પ્રસારણ મંત્રાલય સંભાળી રહેલ કેબિનેટ મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વિટ કરીને લોકોને કહી દીધું હતું કે, રામાયણ ૨૮ તારીખથી રોજ સવારે ૯ વાગ્યે એક કલાક અને રાત્રે ૯ વાગ્યે એક કલાક બતાવવામાં આવશે.

સમય ઓછો હતો. નિશાબેન અને તેમના પરિવારે રાત ઉજાગરા કર્યા. ખાસ્સી મહેનત કરી રામાયણનું આધુનિક એવું અપડેટેડ વર્ઝન તૈયાર કરવામાં. ત્રણ વખત કોશિશ કરીને ફાઇનલ કર્યું. પછી રામાયણને દૂરદર્શનની ઓફિસે, દિલ્હી મોકલવામાં આવ્યું.

Image Source

અમારે એકેય રૂપિયો નથી જોઈતો!:
સ્વર્ગસ્થ રામાનંદ સાગરના પરિવારને દૂરદર્શને રામાયણના ૨૫,૦૦૦ પ્રતિ એપિસોડ આપવાની તૈયારી દર્શાવી. પણ નિશાબેને કંઈપણ લેવાને મનાઈ ફરમાવી! દેશને ઉત્કૃષ્ટ સંસ્કારોરૂપી મનોરંજન મળતું હોય તો એ જ અમારી કમાણી છે એવી એમની ધારણા! અને પછી ૨૮ માર્ચથી દૂરદર્શન પર રામાયણ નવી પેઢીને માટે શિખામણ અને જૂની પેઢી માટે યાદગીરીનો ભંડાર લઈને પ્રસારિત થવું શરૂ થયું.

આપણાં મનમાં એવો વિચાર સહેજે થાય કે, આજના ટેલિવિઝન અને થિયેટરને પણ પાછળ મૂકી ગયેલા ‘ઓવર ધ ટોપ’ના જમાનામાં, નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમના સમયમાં વેબસિરીઝો જોવા માટે લોકો તલપાપડ હોય ત્યારે રામાયણને કોણ જૂએ? પણ એ ધારણા ખોટી છે! આંકડો જાણવો છે? નીચે વાંચો:

Image Source

રામાયણને મળેલો પ્રતિસાદ અવિશ્વસીનય છે!:
પ્રસાર ભારતીના કર્તાહર્તા શશી શેખરે કહ્યું છે, કે ૨૦૧૫થી લઈને અત્યાર સુધીમાં દૂરદર્શન પર રામાયણ જેટલો બહોળો પ્રતિસાદ બીજી એકેય સિરીયલને નથી મળ્યો! ટીઆરપીની રેસમાં આ સિરીયલે આવતાવેંત જ હથોડાછાપ પર્ફોમન્સ દેખાડ્યું.

અત્યાર સુધીમાં દૂરદર્શન પર પ્રસારિત થયેલા રામાયણના એપિસોડને ૧૭૦ મિલિયન વ્યૂઝ મળ્યા છે. એટલે કહો ને કે, ૧૭ કરોડ! આનો મતલબ શો થયો? આપણી સંસ્કૃતિની વાતો લોકોને જાણવાની ઇચ્છા છે, મરી નથી ગઈ! પણ શરત માત્ર એટલી કે તમારે એવું આપવું તો પડશે ને? અત્યારે તો જે ઇતિહાસ પર આધારિત સિરીયલો બને છે, તેને જોવી કરતા તો મનોરંજન વગર વાંઝિયા રહેવું સારું! રૂપિયા કમાવવાની લાલચમાં પ્રોડ્યુસરો અને ડાયરેક્ટરો મૂળ ઇતિહાસમાં ધતૂરાછાપ બજર જ દબાવે છે! લાંબુંલચક થઈ જતું કથાનક ઇતિહાસને વફાદાર રહેતું નથી, સિરીયલોવાળાની તિજોરીને જ વફાદાર રહે છે!

આર્ટિકલ સારો લાગ્યો હોય તો આપના મિત્રોને પણ લીંક શેર કરી દેજો અને રામાયણ નિહાળજો!

Author: કૌશલ બારડ GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.