હવન કરી રહેલા 25 જેટલા લોકો મંદિરના કૂવામાં પડ્યા, 4-5 લોકોના મોત, તસવીરો જોઈને ધ્રુજી જશો

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર અકસ્માતની ખબર સામે આવે છે, ઘણીવાર આવા અકસ્માતોમાં અનેક લોકો પોતાના જીવ પણ ગુમાવતા હોય છે. ત્યારે હાલમાં અકસ્માતની ખબર મધ્યપ્રદેશના ઇન્દોરમાંથી સામે આવી રહી છે, જેમાં આજે એટલે કે ગુરુવારે રામનવમીના દિવસે એક મોટી દુર્ઘટના સર્જાઇ. સ્નેહ નગર પાસે પટેલ નગરમાં આવેલા શ્રી બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિરના પગથિયા કૂવામાં 25થી વધુ લોકો પડી ગયા હતા. લોકોને કુવામાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. અકસ્માત બાદ ચારે તરફ અફરાતફરીનો માહોલ છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 4-5 લોકોના મોત થયા હોવાની ખબર છે. આ સિવાય 19 લોકોને બચાવી લેવાયા છે.

કહેવામાં આવી રહ્યું છે કે કુવાની ઊંડાઈ 50 ફૂટથી વધુ છે. ડઝનેકથી વધારે લોકો તેની અંદર પડ્યા હોવાની આશંકા છે. પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત-બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું. 19 લોકોને દોરડાની મદદથી બહાર કાઢીને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા. રામનવમી નિમિત્તે બેલેશ્વર મંદિર ખાતે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન પ્રાચીન સ્ટેપવેલની છત ધરાશાયી થવાને કારણે લગભગ 2 ડઝન કરતા વધુ લોકો તેમાં પડી જવાની આશંકા છે.

એક પ્રત્યક્ષદર્શી અનુસાર, ધાર્મિક કાર્યક્રમ દરમિયાન મંદિરના પ્રાચીન પગથિયાંની છત પર શ્રદ્ધાળુઓની મોટી ભીડ એકઠી થઈ હતી અને છત વધુ લોકોનો બોજ સહન કરી શકતી ન હોવાને કારણે તે ધરાશયી થઇ હતી. અત્યાર સુધીમાં જે 19 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે તેમને નાની-મોટી ઈજાઓ થઈ છે. ફાયર બ્રિગેડના કેટલાક કર્મચારીઓને નીચે ઉતારવામાં આવ્યા હતા. અંદર ફસાયેલા લોકોને દોરડાની મદદથી બહાર કાઢવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા.

આ મામલાની નોંધ લેતા મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે વહીવટીતંત્રને શ્રદ્ધાળુઓને સુરક્ષિત રીતે બહાર કાઢવાનો નિર્દેશ આપ્યો હતો. શિવરાજ સિંહ ચૌહાણે ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું હતું કે ભગવાનની કૃપાથી અમે બધા પૂરા બળ સાથે બચાવ કાર્યમાં રોકાયેલા છીએ. હું સંપર્કમાં છું, ભગવાન રામની કૃપાથી અમે વધુ સારા સંસાધનો એકત્ર કરી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે આ મંદિર લગભગ 60 વર્ષ જૂનું છે અને કન્યા પૂજનનો કાર્યક્રમ હોવાથી મંદિરમાં ભક્તોની ભીડ વધુ હતી.

પીએમ મોદીએ ટ્વીટ કરીને આ ઘટના વિશે દુખ વ્યક્ત કર્યુ, ટ્વિટમાં તેમણે લખ્યુ કે, તેઓ ઈન્દોરમાં બનેલી ઘટનાથી ખૂબ જ દુઃખી છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ઈન્દોરના કલેક્ટર અને કમિશનર સાથે ફોન પર ચર્ચા કરી હતી. ઉલ્લેખનીય છે કે, રામનવમી પર એટલે કે આજે આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરીમાં મોટી દુર્ઘટના સર્જાતા સર્જાતા ટળી હતી. વેણુગોપાલ મંદિર પરિસરમાં પંડાલમાં શોર્ટ સર્કિટ બાદ ભીષણ આગ લાગી હતી અને તે બાદ પોલીસ ફોર્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી આગને ઓલવવાના પ્રયાર શરૂ કરાયા હતા અને આ ઉપરાંત રેસ્ક્યુ ટીમે ભક્તોને મંદિરમાંથી બહાર કાઢ્યા હતા.

Shah Jina