નીરવ પટેલ લેખકની કલમે

એક એવી બેંક જ્યાં ના ATM કામ આવે છે, ના ચેકબુક કે ના થાય છે કોઈ રોકડ વ્યવહાર ફક્ત ચાલે છે અહીંયા રામ નામ….

આપણાં દેશમાં એક બેંક એવી છે જ્યાં ના એટીએમ, ના ચેકબુક ચાલે છે કે ના થાય છે અહીંયા કોઈ રોકડ વ્યવહાર. અહીંયા ચાલે છે ફક્ત “ભગવાન શ્રી રામ”નું ચલણ. અને આ બેંકના ખાતેદારો માત્ર હિન્દૂ જ નથી. બધા જ ધર્મના લોકોના અહીંયા ખાતા આવેલા છે. જેમાં હિન્દુઓની સાથે, મુસ્લિમ, શીખ અને ઈસાઈ ધર્મના પણ ખાતેદારો છે. અને આ બેંક સાથે અલગ અલગ ઉંમરના એક લાખથી પણ વધારે ખાતા ધારકો જોડાયેલા છે. કદાચ આ વાત માનવામાં નહિ આવે પણ આ વાત સાચી છે. આ બેંકનું નામ છે “રામ નામ બેંક” અહીંયા ખાતેદારોને રોકાણના બદલામાં વ્યાજરૂપે મળે છે આત્મિક શાંતિ. અને આ બેંક એક બે વર્ષથી નહિ પણ સો વર્ષ કરતાં પણ જૂની છે. તમને જણાવી દઈએ કે આ બેંક કુંભની અંદર શરૂ કરવામાં આવે છે. અને હાલમાં આ બેંકનું સંચાલન શ્રી આશુતોષ વાષર્ણય કરે છે. આ બેંકની શરૂઆત શ્રી આશુતોષના દાદા ઈશ્વરચંદ્રએ વીસમી સદીની શરૂઆતમાં એક સંગઠન શરૂ કરીને કરી હતી. જેઓ પોતે એક કારોબારી હતાં. આશુતોષ તેમના દાદાની વિરાસતને અત્યારે આગળ વધારી રહ્યાં છે.

આ બેંક દરેક કુંભમાં ખોલવામાં આવે છે.અત્યાર સુધી નવ કુંભમેળામાં એને ખોલવામાં આવી છે. હાલમાં પણ પ્રયાગની ધરતી પર યોજાઈ રહેલા કુંભમેળાના સેક્ટર ૬ માં આ બેંક કાર્યરત છે. આ બેંક વિશે આપને વધુ જણાવીએ કે આ બેંકમાં બીજી બેંકોની જેમ કોઈ રોકડ લેવડ દેવડ થતી નથી. છતાં આને બેંકનું નામ આપવામાં આવ્યું છે, તેની પાછળનું કારણ એ છે કે “રામ નામ બેંક” ના ખાતેદારોને આ બેંક દ્વારા ૩૦ પાનાની એક પુસ્તિકા આપવામાં આવે છે. જેમાં એક પાનાં ઉપર ૧૦૮ ખાના આવેલા હોય છે.

એ પુસ્તિકાની અંદર ખાતાધારક પ્રતિદિન ૧૦૮ વખત ભગાવન શ્રી રામનું નામ લખે છે. મનથી કંટાળેલા લોકો આત્માની શાંતિ માટે આ પુસ્તિકામાં રામ નામ લખી મનની શાંતિ અનુભવે છે.  અને આ નામ લખેલી પુસ્તિકા જેતે ખાતાધારકના ખાતામાંજ જમા કરવામાં આવે છે. સાથે સાથે બીજી બેંકોની જેમ આ બેંકમાં પણ બેંકના ખાતેદારોને પાસબુક આપવામાં આવે છે. મહત્વની વાત એ છે કે આ બેંક આ બધા કાર્ય માટે કોઈપણ જાતનો ચાર્જ વસુલ નથી કરતી. આ બેંક એક સામાજિક સેવા સંગઠન “રામ નામ સેવા સંસ્થાન” દ્વારા ચલાવવામાં આવે છે.

રામ નામ લખવા માટે ફક્ત લાલ રંગની શ્યાહીનો જ ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે લાલ રંગ પ્રેમનું પ્રતીક છે. અને રામ નામ લખતા સમયે પણ વ્યક્તિ ભગવાન શ્રી રામના પ્રેમમાં તલ્લીન થઈ જાય છે. રામ નામ લખતા સમયે તન મન માત્ર રામ લખવામાં જ તરબોળ થઈ જાય છે. જેના કારણે આત્મિક શાંતિ પણ પ્રાપ્ત થાય છે. આ બેંકના અધ્યક્ષ શ્રી ગુંજન વાષર્ણયનું કહેવું છે કે “ખાતાધારકોના ખાતામાં ભગવાન શ્રી રામનું દિવ્ય નામ જમા થાય છે, બીજી બેંકની જેમ પાસબુક પણ આપવામાં આવે છે તેમજ આ સેવા તદ્દન નિઃશુલ્ક છે. આ બેંકમાં માત્ર અને માત્ર ભગવાન શ્રી રામનું જ ચલણ ચાલે છે.રામ નામ લખવાની આ પ્રવૃત્તિને “લિખિતા જાપ” તરીકે ઓળખવામાં આવે છે. જે લખવાથી ધ્યાન મગ્ન થવાય છે. સુંદર અક્ષરોથી રામ લખવાના કારણે અંતરાત્માને સંપૂર્ણ સમર્પણ અને આત્મશાંતિનો બોધ થાય છે. શરીરની બધી જ ઇન્દ્રિયો ભગવાનની સેવામાં વ્યસ્ત થઈ જાય છે. આશુતોષનું કહેવું છે કે અહીંયા રામ નામ માત્ર એક જ ભાષામાં નહિ પણ હિન્દી, ઉર્દુ, અંગ્રેજી, બંગાળી, ગુજરાતી જેવી વિવિધ ભાષાઓમાં લખવામાં આવે છે.  ઈસાઈ ધર્મનું પાલન કરવા વાળા શ્રી પીટરસન દાસ જેમની ઉંમર ૫૫ વર્ષ છે તે ૨૦૧૨થી ભગવાન શ્રી રામનું નામ આ પુસ્તિકામાં લખી રહ્યા છે. તેમનું કહેવું છે કે “ભગવાન એક જ છે. એ ભલે રામ હોય, ઈસુ હોય, અલ્લાહ હોય કે નાનક.”હાલમાં પ્રયાગની ધરતી ઉપર કુંભમેળો ચાલી રહ્યો છે. આ મેળો ૧૫ જાન્યુઆરીથી લઈ અને ૪ માર્ચ સુધી યોજાશે. જો આપ પણ આ મેળાનો હિસ્સો બનવા જઈ રહ્યા હોય તો ચોક્કસ “રામ નામ બેંક” ની મુલાકાત લઈ શકો છો. પોતાનું ખાતું આ બેંક સાથે જોડી આત્મિક શાંતિનો અનુભવ કરી શકો છો.

લેખન/સંકલન : નીરવ પટેલ “શ્યામ”

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.>