અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે દરેક વ્યક્તિ પોતાનાથી યથાયોગ્ય દાન આપી રહ્યા છે. સમગ્ર દેશભરમાંથી લોકો દિલ ખોલીને દાન આપે છે ત્યારે અત્યાર સુધીમાં લગભગ 1600 કરોડ રૂપિયાનું દાન પણ મંદિર ટ્રસ્ટ પાસે આવી ગયો છે. દેશભરમાંથી એક લાખ 50 હજાર જેટલી ટીમ ઘર ઘરમાં જઈને દાન એકત્ર કરી રહી છે.
તો રામ મંદિરના નિર્માણ માટે ઘણા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ચાંદીની ઈંટોનું દાન પણ કરી રહ્યા છે. શ્રી રામ જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પાસે ચાંદીની ઘણી બધી ઈંટો દાનમાં આવી ગઈ છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે અત્યારસુધી 400 કિલો ચાંદીની ઈંટો દાનમાં આવી ચુકી છે.
હવે ટ્રસ્ટ દ્વારા રામભક્તોને આગળથી ચાંદીની ઈંટો ના આપવા માટેની અપીલ કરવામાં આવી છે, કારણ કે બેંક લોકર્સની અંદર તેને રાખવા માટેની જગ્યા હવે બચી નથી.
ટ્રસ્ટના સદસ્ય ડૉ. અનિલ મિશ્રાએ જણાવ્યું કે રામ મંદિરના નિર્માણ માટે સમગ્ર દેશમાં લોકો ચાંદીની ઈંટો મોકલી રહ્યા છે. હવે અમારી પાસે આટલી વધારે માત્રામાં ચાંદીની ઈંટો થઇ ગઈ છે તેને સુરક્ષિત રાખવાની સમસ્યા સામે આવીને ઉભી છે. એટલા માટે ટ્રસ્ટ દ્વારા હવે ચાંદીની ઈંટોનું દાન ના કરવાની અપીલ કરવામાં આવે છે. અમારા બધા જ બેંક લોકર્સ ચાંદીની ઈંટોથી ભરાઈ ગયા છે.
ડૉ. મિશ્રાએ આગળ જણાવ્યું હતું કે ટ્રસ્ટ રામભક્તોની ભાવનાઓનું સન્માન કરે છે પરંતુ તેમને અપીલ છે કે તે દાનમાં ચાંદીની ઈંટો ના મોકલે. અમારે તેને સાચવવા માટે ઘણા જ પૈસાનો ખર્ચ કરવો પડે છે. મિશ્રાએ કહ્યું કે જો આગળ રામ મંદિરના નિર્માણ માટે ચાંદીની ઈંટોની જરૂર પડશે તો શ્રદ્ધાળુઓને ફરીથી તેને દાન કરવા માટેની અપીલ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આગામી 39 મહિનાની અંદર જ ભવ્ય રામ મંદિરનું નિર્માણ થવાનું છે. ત્યારે સમગ્ર દેશમાં રામ મંદિરના નિર્માણને લઈને ખુબ જ ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે.