ભારતના દિગ્ગજ શેરબજાર રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાએ 14 ઓગસ્ટ રવિવારના રોજ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સવારે 6.45 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. 62 વર્ષીય ઝુંઝણવાલાએ 5 હજાર રૂપિયાથી લઈને લગભગ 46.18 હજાર કરોડ રૂપિયાની સફર કરી હતી. તેમના વિશે કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે કે ઝુનઝુનવાલાનું માત્ર શેરબજારથી જ નહિ પણ બોલિવૂડથી પણ કનેક્શન હતુ. રાકેશ ઝુનઝુનવાલા વિશે એવું કહેવાય છે કે શેરબજાર સિવાય તેમને ફિલ્મોનો પણ ઘણો શોખ હતો.
આ જ કારણ છે કે તેમણે પોતાના પૈસા ફિલ્મોમાં પણ લગાવ્યા. ફિલ્મોમાં રસ ધરાવતા ઝુનઝુનવાલાએ બોલિવૂડની 3 ફિલ્મોમાં પૈસા રોકીને ઘણો નફો મેળવ્યો હતો. શ્રીદેવીની ફિલ્મ ઈંગ્લીશ વિંગ્લિશ સિવાય તેમણે શમિતાભ અને કી એન્ડ કા ફિલ્મોમાં પણ પૈસા રોક્યા હતા. ફિલ્મોમાં પૈસા લગાવવાનો તેમનો નિર્ણય સાચો સાબિત થયો અને તેમણે પ્રોડ્યુસર તરીકે ઘણી કમાણી કરી. જણાવી દઈએ કે શ્રીદેવીની ફિલ્મ ઈંગ્લિશ વિંગ્લિશ 11 કરોડ રૂપિયાના બજેટમાં બની હતી અને ફિલ્મે લગભગ 78 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
આ ફિલ્મથી ઝુનઝુનવાલાએ પણ સારો એવો નફો કર્યો હતો. ફિલ્મ ઈંગ્લિશ વિંગ્લિશ સિવાય, ઝુનઝુનવાલાએ 2016માં કરીના કપૂર અને અર્જુન કપૂર સ્ટારર ફિલ્મ કી એન્ડ કામાં પણ રોકાણ કર્યું હતું. કી એન્ડ કાનું બજેટ 20 કરોડ રૂપિયા હતું અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 100 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.વર્ષ 1999માં રાકેશ ઝુનઝુનવાલાએ હંગામા ડિજિટલ મીડિયાને ઑનલાઇન પ્રમોશન એજન્સી તરીકે શરૂ કર્યું અને પછીથી તેના અધ્યક્ષ બન્યા.
ચેરમેન બન્યા પછી તેણે નામ બદલીને હંગામા ડિજિટલ મીડિયા એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ કરી દીધું. 2021માં તેણે હંગામા મ્યુઝિક અને હંગામા પ્લે ઓટીટી પ્લેટફોર્મ પણ લૉન્ચ કર્યા. રાકેશ ઝુનઝુનવાલાનો જન્મ 5 જુલાઈ 1960ના રોજ એક રાજસ્થાની પરિવારમાં થયો હતો. તેમનો સંપૂર્ણ ઉછેર મુંબઈમાં થયો હતો. તેમના પિતા આવકવેરા કમિશનર હતા. રાકેશ ઝુનઝુનવાલાએ સિડનમ કોલેજમાંથી અભ્યાસ કર્યો હતો અને ત્યાર બાદ તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ પાસ થયા હતા.
તેણે કોલેજના દિવસોથી જ શેરબજારમાં રોકાણ કરવાનું શરૂ કરી દીધું હતું. ભારતમાં રોકાણકારો તેમને સૌથી વધુ અનુસરે છે અને તેમને આદર્શ માને છે. ઝુનઝુનવાલાને ભારતના વોરેન બફેટ પણ કહેવામાં આવતા હતા. તેઓ માત્ર શેરબજારના બાદશાહ જ નહોતા પરંતુ બોલિવૂડ સાથે પણ તેમનું ખાસ જોડાણ હતું. શેરબજારના દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાના નિધનના સમાચારથી દરેકને આઘાત લાગ્યો છે.