પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજે બાંયો ચઢાવી છે, હાલાં જ દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી દ્વારકેશ કમલમનો લોકાર્પણ કાર્યક્રમ ભવ્ય રીતે યોજવામાં આવ્યો હતો. આજે સવારે દસ વાગ્યાથી શરૂ થયેલ આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપરાંત આગેવાનો, નગરનો જોડાયા હતા જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સહિત સાંસદ પૂનમબેન માડમ, કેબિનેટ મંત્રી મુળુ બેરા, પ્રદેશ મહામંત્રી રત્નાકરજી, રજની પટેલ, કુંવરજીભાઈ બાવળિયા, આર.સી. ફળદુ, હકુભા જાડેજા સહિતના અનેકનો સમાવેશ થાય છે.

ત્યારે આ દરમિયાન ઓચિંતા ક્ષત્રિય સમાજના કાર્યકરો ધસી આવ્યા અને રૂપાલા હાય હાય, રૂપાલાની ટિકિટ રદ કરોના નારા લગાવ્યા. સેંકડોની સંખ્યામાં આવેલા કાર્યકરોએ હલ્લાબોલ જેવો માહોલ સર્જ્યો અને આશરે 11 વાગ્યા આસપાસ આ ભવ્ય કાર્યક્રમમાં કાળા વાવટા ફરકાવીને ક્ષત્રિય યુવાનોએ “રૂપાલા હાય હાય” ના નારા લગાવ્યા અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સાથે સૂત્રોચ્ચાર કર્યા.

ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી સાથે એલસીબી, એસ.ઓ.જી. સહિતના પોલીસ સ્ટાફની ટીમે પરિસ્થિતિ પારખી વિરોધ વ્યક્ત કરતા કાર્યકરોને સ્થળેથી દૂર ખસેડ્યા હતા. આ દરમિયાન ક્ષત્રિય લોકો દ્વારા ખુરશીઓ પણ ઉછાળવામાં આવી હતી. જણાવી દઇએ કે, પરસોત્તમ રૂપાલાને બદલવાની આગ ક્ષત્રિયાણીઓના જૌહરથી લઈને હવે ભાજપ સુધી પણ પહોંચી છે.

પાટીલના કાર્યક્રમમાં રાજપૂતોએ રૂપાલાનો વિરોધ નોંધાવ્યો અને મોટી સંખ્યામાં ક્ષત્રિયોએ કાળી પટ્ટી હાથમાં લઇ ‘રૂપાલા હટાવો’ના નારા લગાવ્યા. કેટલીક રાજપૂત મહિલાઓ દ્વારા જોહર કરવાની પણ ચીમકી ઉચ્ચારાઇ છે, જે પ્રદેશ ભાજપના કાર્યાલય કમલમ બહાર કરશે. સાત રાજપૂત મહિલાઓ પ્રજ્ઞાબા ઝાલા, ગીતાબા પરમાર, અસ્મિતાબા પરમાર, રાજેવશ્વરીબા ગોહિલ, ચેતનાબા જાડેજા, જયશ્રીબા જાડેજા તેમજ જાગુબા રાઠોડનો સમાવેશ થાય છે.

આ મામલે તંત્ર દોડતું થયુ છે અને પોલીસે પાંચ ક્ષત્રિયાણીઓને આજે નજર કેદ કરી છે. કોઈને પણ બહાર ન જવા દેવા સૂચના અપાઈ છે. આજે કમલમ ખાતે સાંજે 4 વાગે સાત ક્ષત્રિયાણીઓની જૌહર કરવાની ચીમકી હતી. જો કે, નજર કેદ બાદ ક્ષત્રિયાણીઓએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, પોલીસે અમને નજર કેદ કરી દીધા છે. કાલ રાતથી જ પોલીસ અમારી સાથે છે. પોલીસે અમને ઘરની બહાર નીકળવા ના પાડી દીધી છે. કરવું ઘણુ છે અને કરીશું પણ ખરા. જૌહર માટેના પ્રયત્ન પુરા કરી રહ્યા છે.
