કૌશલ બારડ ખબર ગુજરાત પ્રસિદ્ધ પ્રેરણાત્મક રસપ્રદ વાતો લેખકની કલમે

રાજપૂત બન્યો રક્ષણહાર: માથાડૂબ પાણીમાં બે બાળકોને ખભે ઉપાડીને બચાવનાર કોન્સ્ટેબલ! વાંચો ગુજરાત પોલીસની હમદર્દીની વાત

સારનાથનો સિંહસ્તંભ અને અશોકચક્રના ચિહ્નની સાથે ‘સેવા, સુરક્ષા અને શાંતિ’ના ધ્રુવતારક સમાન વાક્ય સાથેનો લોગો જેના ખભા પર રહેલો છે એવા ગુજરાત પોલીસના જવાનો ક્યારેક એવાં કાર્યો કરી દે છે, કે સામાન્ય જનતામાં પોલીસની જે અત્યાર સુધી બનેલી ઇમેજ છે એ ભૂંસાઈ જાય છે અને માયાળુ, પરદુ:ખભંજકની એક નવી જ ઇમેજ લોકોના માનસ પર ઉઠી આવે છે.

આ ચોમાસામાં ગુજરાત પોલીસ ક્યાંય ‘વાસુદેવ’ તો ક્યાંક ‘બાહુબલી’ બનીને લોકોની મદદે આવી. ગુજરાતમાં મેઘો મંડરાયો અને દક્ષિણ-મધ્ય ઇલાકાઓને ઘમરોળીને સૌરાષ્ટ્રમાં પણ ધોધમાર ઝડી બોલાવી એટલે મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના કલ્યાણપુર ગામની બજારોમાં પાણી વહેવા લાગ્યું.

Image Source

રાજપૂત બન્યો રક્ષણહાર —

લોકોને તાકીદે સલામત સ્થળે ખસેડવાની જવાબદારી તંત્ર પર આવી પડી. પૂર રાહત બચાવ કામગીરીના જવાનોની સાથે ગુજરાત પોલીસના જવાનો પણ કામે લાગી ગયા. જીલ્લાના વડા પોલીસ અધિકારીની દોરવણી હેઠળ મોરબી જીલ્લાના વિવિધ વિસ્તારોમાં જવાનો તહેનાત બન્યા.

કલ્યાણપુર ગામમાં પાણી ઘૂસી ગયાં. પોલીસના જવાનોએ કેડ સુધી પહોંચેલાં પાણીમાં ગ્રામવાસીઓને બહાર કાઢવામાં મદદ કરી. લગભગ ૪૩ લોકોને કલ્યાણપુરમાંથી પોલીસે સુરક્ષિત બહાર કાઢ્યા. આ બચાવ કામગીરી સમયનું એક દ્રશ્ય આંખે પડ્યું.

Image Source

મૂળે કોયલીના પૃથ્વીરાજસિંહ જાડેજા; જેઓ ટંકારા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે, તેમણે બે નાના બાળકોને જળના ધસમસતા પ્રવાહમાં ખભે બેસાડીને એક કિલોમીટર સુધી તાણ ઉત્પન્ન કરનાર પાણીમાં ચાલી બાળકોને બચાવ્યાં હતાં! બંને ખભા પર એક-એક બાળકને ઉપાડીને તેઓએ બહાર કાઢ્યા. વચ્ચે બાળકોનું ધ્યાન પાણી પર ન ચોંટ્યું રહે અને તેઓ ડરી ના જાય એટલે તેમની સાથે વાતો ચાલુ રાખી. સ્કૂલની, બીજી ને ત્રીજી વાતો કરીને બાળકોના મન મોળા ન પડવા દીધાં!

હાલ સોશિયલ મીડિઆ પર પૃથ્વીરાજસિંહ જાડેજાના આ સરાહનીય કાર્યની ખબર મળી રહી છે તેમ લોકો તેમની પ્રશંસા કરી રહ્યા છે. ખરા અર્થમાં તેઓ હક્કદાર પણ છે.


એક વાસુદેવ, બીજો બાહુબલી! —

હમણાં જ વડોદરામાં ૨૦ જેટલો વરસાદ ખાબક્યો અને શહેરની વચ્ચોવચ્ચ વહેતી વિશ્વામિત્રી નદીના પાણી નગરમાં ઘૂસી ગયાં એ વખતે રાવપુરા પોલીસ સ્ટેશનના PSI ગોવિંદભાઈ ચાવડાએ એક છ મહિનાની બાળકીને ટોપલામાં બેસાડીને, ટોપલું માથે મૂકીને સલામત સ્થળે લાવી હતી. એમની જાણે વાસુદેવ કૃષ્ણને લઈને જમુના ઓળંગતા હોય તેવી ઇમેજ સોશિયલ મીડિયામાં વાઇરલ પણ ખૂબ થયેલી. તો ટંકારાના કલ્યાણપુરમાં પણ પૃથ્વીરાજસિંહ જાડેજા બે નાના માસૂમો માટે ખરા અર્થમાં તારણહાર બનીને સામે આવ્યા.

ગુજરાત પોલીસની ઇમેજને ઉજળી બનાવવામાં ઉપરી અધિકારીઓનો તો જેવો ને જે ફાળો હોય તે, પણ ખરી મહેનત આ જમીની સ્તર પર કામ કરતા કોન્સ્ટેબલ સહિતના જવાનોની છે. સેલ્યુટ ટુ ગુજરાત પોલીસ!

Author: કૌશલ બારડ – GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks